- દેવભૂમિ દ્વારકામાં એન. ડી.આર.એફ.ની ટીમો દ્વારા વાવાઝોડાથી પડેલા વૃક્ષો હટાવવાનું શરુ
- સુચારૂ આપદા પ્રબંધન અને વિસ્તૃત પૂર્વ તૈયારીઓના લીધે ગંભીર રેસ્ક્યુ કરવું પડે એવી કોઈ ફરિયાદ નથી
- જિલ્લાનું એક પણ ગામ સંપર્ક વિહોણું થયું નથી
દેવભૂમિ દ્વારકામાં ગત રાતે આવેલા વાવાઝોડાના કારણે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાયો હતો. જેના પગલે વિવિધ સ્થળે નાના મોટા વૃક્ષો ધરાશાઈ થયાના અહેવાલ છે. જો કે દ્વારકા નગરમાં એન.ડી.આર.એફ.ની ટીમ હરકતમાં આવી ગઇ છે અને વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
આ અંગે ૬-બટાલિયન ટીમના કમાન્ડર શ્રી દેવપ્રકાશજીએ જણાવ્યું હતું કે, વાવઝોડાના પગલે કોઈ મોટું નુકશાન થયું હોય અને અમારી ટીમે કોઈ ગંભીર ઓપરેશન હાથ ધરવું પડે એવી કોઈ ફરિયાદ કે માહિતી મળી નથી. વૃક્ષો પડયાના સમાચાર મળ્યા છે અને અમારી ટીમ સવારથી જ હરકતમાં છે. વિવિધ માર્ગો પર પડેલા વૃક્ષો હટાવીને માર્ગ ખુલ્લા કરવાની કામગીરી સતત ચાલુ છે.
નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાના પગલે ગત રાતે અંદાજે ૧૧૦-૧૧૫ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના પગલે વિવિધ સ્થળે વૃક્ષ પડયાના કે વીજપોલ પડયાના સમાચાર મળ્યા છે. ગુજરાત સરકારે કરેલા આગોતરા આપદા પ્રબંધનને કારણે જિલ્લામાં કોઈ ગંભીર રેક્સ્યુ કરવું પડે એવા કોઈ અહેવાલ હજુ સુધી મળ્યા નથી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પરથી૧૦ નંબરનું સિગ્નલ ઉતારી ૩ નંબરનું સિગ્નલ લગાવાયું
બીપોરજોય વાવાઝોડાનો ખતરો ટળતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પરથી ૧૦ નંબરનું સિગ્નલ ઉતારી ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા મળેલી પોર્ટ ચેતવણી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર ગ્રેટ ડેંજર વોર્નિંગ સિગ્નલ ૧૦ (GD -10) ઉતારી લોકલ કોશનરી સિગ્નલ ૩ (LC-3) આગામી સૂચના સુધી યથાવત રાખવામાં આવ્યું છે. તેમ પોર્ટ ઓફિસર, ગુજરાત મેરીટાઈમ બોર્ડ ઓખા બંદરની યાદીમાં જણાવાયું છે.
દેવભૂમિ દ્વારકામાં બિપર જોય વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા પ્રભાવિત સ્થળોની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, શ્રી દ્વારકાધીશ મંદિર, રૂપેણ, ઓખા, નાગેશ્વર સહિતના સ્થળોની મુલાકાત લીધી, વાવાઝોડા બાદ જિલ્લામાં રાહત અને સેવાઓના પુનઃ સ્થાપનની કામગીરીનું નિરિક્ષણ કરતા ફરજ પર તૈનાત કર્મીઓને પ્રોત્સાહન આપ્યું
ઝીરો કેઝ્યુઆલીટીનાં અભિગમ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના રાહબરી હેઠળ તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડા સંદર્ભે કરવામાં આવેલી વિસ્તૃત પૂર્વ તૈયારીઓ અને અગમચેતીના હર સંભવ પ્રયાસનાં પરિણામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ માનવ મૃત્યુ નોંધાયું નથી. બિપર જોય પસાર થયા બાદ વાવાઝોડાની અસર ના પગલે દેવભૂમિ દ્વારકામાં તીવ્ર ગતિથી પવન ફૂંકાવા સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રીશ્રી વહેલી સવારથી વાવાઝોડાના પગલે થયેલ નુકસાનની સ્થિતિનો તાગ મેળવવા, અસરગ્રસ્તોને સહાય અને રિસ્ટોરેશનની કામગીરીનું નિરિક્ષણ કરવા માટે દ્વારકા અને આસપાસ ના સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ સૌપ્રથમ શ્રી દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઇ વાવાઝોડાના પરિણામે મંદિર પરિસરને કોઈ નુકસાન ન થવા અંગે ખાતરી કરી હતી. સમગ્ર દ્વારિકા નગરમાં ફરીને તેમણે માર્ગ અને મકાન, નગરપાલિકા અને NDRF દ્વારા રસ્તા પર પડી ગયેલા વીજ પોલ, ઝાડ દૂર કરવા સહિતની કરાઇ રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કરતા ફરજ પર ઉપસ્થિત કર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ત્યારબાદ, વાવાઝોડાનું સૌથી વધુ જોખમ હોય તેવા કાંઠા પરના રૂપેણ બંદર સહિતના વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. રૂપેણ બંદરની મુલાકાત બાદ શ્રી સંઘવી દ્વારકાની ચારણ ધર્મશાળા ખાતે આશરો મેળવનાર અસરગ્રસ્તોને મળ્યા હતા અને સહાનુભૂતિ પૂર્વક સાંભળ્યા હતા. ગૃહરાજ્ય મંત્રીશ્રીએ અસરગ્રસ્તો માટે ભોજન સહિતની વ્યવસ્થા બાબતે પૂછપરછ કરતા રાજકોટથી ફૂડ પેકેટ લઈ આવેલા સ્વયં સેવકોને કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતાં.
વાવાઝોડાના પગલે જિલ્લામાં વીજ માળખાને થયેલા નુકસાન, જિલ્લામાં વીજ વિક્ષેપની સ્થિતિ અને વીજળી રિસ્ટોર કરવાના આયોજન અંગે ચીફ ઇજનેર શ્રી આર.જે. વાળા અને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીશ્રીએ ત્યારબાદ ઓખા અને નાગેશ્વરની રૂબરૂ મુલાકાત લઈ વાવાઝોડાના પરિણામે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.