વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાના પહેલા ‘સત્તાવાર’ પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે તેમના આ પ્રવાસ પહેલાં અમેરિકા પાસેથી આર્મ્ડ ડ્રોન એમક્યુ-૯ પ્રીડેટરની ખરીદીને સંરક્ષણ ખરીદ પરિષદે મંજૂરી આપી દીધી છે. આ સાથે ભારતની હવાઈ સુરક્ષા અને ઈન્ટેલિજન્સ વધુ મજબૂત થશે. 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદે ગુરુવારે યોજાયેલી સંરક્ષણ ખરીદ પરિષદની બેઠકમાં અમેરિકા પાસેથી એમક્યુ-૯ પ્રીડેટર ડ્રોન ખરીદવાનો નિર્ણય લેવાયો છે. હવે તેને અંતિમ મંજૂરી માટે સુરક્ષા મુદ્દાની કેબિનેટ સમિતિ સમક્ષ રજૂ કરાશે. ભારત ત્રણ અબજ ડોલરમાં ૩૦ એમક્યુ-૯ ડ્રોન ખરીદશે, જેમાંથી આર્મી અને એરફોર્સને ૮-૮ તથા નેવીને ૧૪ ડ્રોન મળશે. આ ડ્રોન ૧૨૦૦ કિ.મી. દૂરથી જ દુશ્મન પર મિસાઈલથી હુમલો કરવા સક્ષમ છે. 

અમેરિકાએ જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ દ્વારા ઉત્પાદિત આ મિસાઈલ ડ્રોનનો ઉપયોગ ઈરાક અને અફઘાનિસ્તાનમાં આતંકીઓના સફાયા માટે કર્યો હતો. આ ડ્રોનમાં ફીટ કરવામાં આવતા મિસાઈલ નાના-નાના ટાર્ગેટ્સનો નાશ કરી શકાય છે. આ ડ્રોન ૫૦,૦૦૦ ફૂટની મહત્તમ ઊંચાઈ પર ઊડી શકે છે અને તેની ટોપ સ્પીડ પ્રતિ કલાક ૪૪૫ કિ.મી. છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જૂને અમેરિકાના સત્તાવાર રાજકીય પ્રવાસે જઈ રહ્યા છે. તેમના આ પ્રવાસ પહેલાં બાઈડેન સરકારે અમેરિકા દ્વારા નિર્મિત હથિયારોથી સજ્જ ડ્રોન ભારતને વેચવા પર ભાર મૂક્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના અમેરિકા પ્રવાસ સમયે પીએમ મોદી અને પ્રમુખ બાઈડેન વચ્ચે હથિયારો અને જમીની વાહનોના સંયુક્ત ઉત્પાદન પર અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે. સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ ભારતે ઘણા સમયથી અમેરિકા પાસેથી હથિયારોથી સજ્જ એમક્યુ-૯ પ્રીડેટર ડ્રોન ખરીદવામાં રસ દર્શાવ્યો છે.