બિપરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાઈને આગળ વધી ગયું છે. તેના લીધે જખૌ પોર્ટ સહિત કચ્છની નજીકના મોટાભાગના વિસ્તારો પર તેની માઠી અસર જોવા મળી હતી. મધરાત્રે આ વાવાઝોડું પાકિસ્તાનની સરહદ સુધી પહોંચી ગયું હતું. વાવાઝોડાંની અસર અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતાં રાજ્ય સરકારના રાહત કમિશનરે તમામ પ્રકારની વિગતો આપી હતી.
કચ્છમાં વાવાઝોડાંને લીધે 4 ઈંચ વરસાદ ખાબક્યો
રાહત કમિશનરે આપેલી માહિતી અનુસાર કચ્છમાં માત્ર 2 કલાકના ગાળામાં 78 મિ.મી. એટલે કે આશરે 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જોકે હજુ પણ કચ્છમાં વરસાદ પડી રહ્યો હોવાની માહિતી અપાઈ હતી. રાહત કમિશનરના જણાવ્યાનુસાર 240 જેટલા ગામડાઓને અસર થઇ હતી. જ્યાં વીજળીના થાંભલા, વૃક્ષો ધરાશાયી થઈ જવા જેવી ઘટનાઓ બની હતી.
524 વૃક્ષો ધરાશાયી, 22 લોકોને ઈજા
માહિતી અનુસાર વાવાઝોડાને લીધે આશરે 524 વૃક્ષો પડી ગયા હતા જેમાં દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા હતા. અત્યાર સુધી વાવાઝોડાને લીધે 22 જેટલા લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. રાહત કમિશનરના જણાવ્યાનુસાર હવે આ વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધ્યું છે અને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેશે. તેમણે જણાવ્યું કે લેન્ડફોલ વખતે પવનની ઝડપ 118 કિ.મી. પ્રતિકલાક રહી હતી. તેમના અહેવાલ અનુસાર કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી છે.
દ્વારકા જિલ્લામાં 1500થી વધુ વીજપોલ ધરાશાયી
વાવાઝોડાના લેન્ડફોલ વખતે દ્વારકા જિલ્લામાં ભારે પવન ફુંકાયો હતો. ખંભાળિયામાં બિપોરજોય વાવાઝોડાથી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ જમીની તારાજી સર્જી છે. જિલ્લામાં 1500થી વધુ વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. જિલ્લામાં PGVCLની 117 ટીમ ખડેપગે છે.
કચ્છના અનેક રસ્તાઓ બંધ
કચ્છમાં વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મચાવી હતી. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા થયા બંધ થઈ ગયા હતા. માતાથી મઢથી ભુજ તરફ જવાનો હાઈવે બંધ થયો છે. વૃક્ષ ધરાશાયી થતા હાઈવે બંધ થયો છે. ભુજના હાઈવે પર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.
મુખ્યમંત્રીએ યોજી હતી બેઠક
બિપરજોય વાવાઝોડાની અસરને લઈને રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીને લઈને બેઠક યોજાઈ હતી.ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીની સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેંટર પર આ બેઠક યોજાઈ હતી. આ બેઠક વિશે રાહત કમિશનર આલોક પાંડે દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારો વિશે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી.આ સાથે જ મુખ્યમંત્રી દ્વારા દરિયા કિનારાના જિલ્લાઓની સ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી.