‘મને તો અશ્વિનને ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય જ પચી રહ્યો નથી’

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે જણાવ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ભારતીય ટીમ ક્યાં ચૂકી ગઈ. ધ ઓવલ ખાતે રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને  209 રનથી હરાવી  ટાઈટલ પોતાના નામે કર્યું હતું. દરમિયાન સચિને અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન આપવાને ચોંકાવનારો નિર્ણય ગણાવતા કહ્યું કે આવા સક્ષમ સ્પિનરને પ્રભાવી થવા માટે અનુકૂળ પરિસ્થિતિઓની જરૂર નથી હોતી.   

‘પ્રથમ દાવમાં મોટો સ્કોર બનાવવો જોઈતો હતો’

ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે અશ્વિનને ટીમમાં પડતો મૂકવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે વરસાદની સ્થિતિએ તેમને ચોથા નિષ્ણાત ઝડપી બોલર સાથે જવાની ફરજ પડી હતી. ત્યારપછી તેંડુલકરે ટ્વિટ કરી કે  “મેચમાં ટકી રહેવા માટે ભારતે પ્રથમ ઇનિંગમાં મોટો સ્કોર કરવાનો હતો, પરંતુ આપણે તેમાં નિષ્ફળ રહ્યા.” ભારતીય ટીમ માટે કેટલીક સારી ક્ષણો હતી, પરંતુ અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવાનો નિર્ણય હું હજુ પચાવી શકતો નથી. તે આ સમયે વિશ્વનો નંબર વન ટેસ્ટ બોલર છે.

તેંડુલકરે કરી મહત્ત્વની ટિપ્પણી 

તેંડુલકરને એવા તર્કથી હેરાની થઈ કે અશ્વિન જેવી ક્ષમતા ધરાવતા બોલરને ઝડપી બોલરને અનુકૂળ પરિસ્થિતિઓમાં  ઉપયોગમાં ન લઈ શકાય, એ પણ ત્યારે જ્યારે આ ઓસ્ટ્રેલિયન ટીમમાં ડાબા હાથના અનેક બેટર છે. તેમણે કહ્યું કે મેં મેચ પહેલા જ કહ્યું હતું કે કુશળ સ્પિનર હંમેશા પિચથી મળતી મદદના ભરોસે ન રહી શકે. તે હવા, પિચનો ઉછાળ અને તેની વિવિધતાનો ઉપયોગ કરે છે. એ ન ભૂલવું જોઈએ કે ઓસ્ટ્રેલિયા પાસે ટોચના 8ના 5 બેટ્સમેન હતા.