મધ્યપ્રદેશની વિધાનસભાની 28 બેઠકોની પેટાચૂંટણી પહેલાં ભાજપના શિવરાજ સિંઘની સરકારના એક પ્રધાન બિસાહુલાલ સિંઘ લોકોને પૈસા વહેંચતા હોય એવી એક વિડિયો ક્લીપ વાઇરલ થઇ હતી. કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી. બિસાહુલાલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પક્ષપલટુ નેતા છે. કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંઘે આ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર રજૂ કરી હતી. દિગ્વિજય સિંઘે લખ્યું હતું કે શું ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર આ વિડિયો ક્લીપની નોંધ લેશે કે…આગામી પેટાચૂંટણીમાં બિસાહુલાલ પણ એક ઉમેદવાર છે. કોંગ્રેસે ચૂંટણી પંચને બિસાહુલાલ સામે પગલાં લેવાની માગણી કરી હતી. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી ટાણે બિસાહુલાલે ઘઉંનો સ્ટોક સંઘર્યો હતો અને ઘઉંન કાળાબજાર કરી રહ્યા હતા જેથી પોતાની ચૂ્ંટણી માટે નાણાં કામ લાગે. કોંગ્રેસે એવી ફરિયાદ કરી હતી કે કાં તો બિસાહુલાલને ચૂંટણી લડતાં રોકવા જોઇએ અથવા એમને પ્રધાનપદેથી હાંકી કાઢવા જોઇએ. ચૂંટણી પંચ આ દિશામાં પગલાં લે એવી કોંગ્રેસની માગણી હતી. સામી બાજુ ભાજપે કોંગ્રેસ પર વાર કર્યો હતો. મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ કોંગ્રેસ પર એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ફેક ફોટોગ્રાફ્સ અને મોર્ફ વિડિયો ક્લીપ દ્વારા બિસાહુલાલને બદનામ કરવાના પ્રયાસો કરી રહી હતી. આ હકીકત સાબિત કરે છે કે સામી છાતીએ ચૂંટણી લડવાની કોંગ્રેસમાં તાકાત નથી. એ પીઠ પાછળ કાવતરાં કરે છે.