પોરબંદરની સુખપુર પ્રા.શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને આપી રહ્યા છે ઓનલાઇન શિક્ષણ

પોરબંદર તા.૬, પોરબંદર જિલ્લામાં વિદ્યાર્થીઓ ઉત્સાહ પુર્વક ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે. શિક્ષકો વિષય ઉપરાંત કોરોના મહામારી અંગે પણ શિક્ષણ પુરૂ પાડી રહ્યા છે. પોરબંદરની સુખપુર પ્રા.શાળાના બે શિક્ષકો વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયો ભણાવી રહ્યા છે. કોરોના મહામારીના કારણે શાળા કોલેજો બંધ છે. પરંતુ શિક્ષણ બંધ નથી. ટેકનોલોજીના માધ્યમથી શાળા કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. આવો જ પ્રયાસ પોરબંદર જિલ્લામાં પણ થઇ રહ્યો છે. જિલ્લાની જુદી જુદી શાળાના શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે. પોરબંદર સુખપુર પ્રા.શાળામાં જૂન માસથી શરૂ થયેલ ઓનલાઇન શિક્ષણનો યજ્ઞ હજુ ચાલુ જ છે. પી.એચ.જોષી અને પી.એમ.જોષી આ બન્ને શિક્ષકોએ ગણિત-વિજ્ઞાન તથા ભાષા સહિત ધો.૬ થી ૮ના તમામ વિષયોનાં ૬ થી ૭ પ્રકરણોનું જ્ઞાન વિદ્યાર્થીઓને ઓનલાઇન સમજાવ્યુ છે. શિક્ષકો દરરોજ ૩-૩ વર્ગો લે છે. પુસ્તક વિષયક શિક્ષણની સાથે સાથે કોરોના સંક્રમણને લગતી તકેદારી, સાવચેતી અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે.