૪૫ વર્ષ પુરા કરનાર ૧૩ હજારથી વધુ નાગરિકોએ મૂકાવી રસી
પોરબંદર તા,૧૩.લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે રસીકરણ અભિયાન વ્યાપકપણે ચાલી રહ્યું છે, પોરબંદર જિલ્લામાં જુદા જુદા રસીકરણ કેન્દ્રો ખાતે ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે તા.૧૦/૧૧અને તા.૧૨એપ્રિલના રોજ ત્રણ દિવસ માટે ખાસ રસીકરણ અભિયાન યોજાયુ હતુ. જેમા ૧૩હજારથી વધુ લાભાર્થીઓએ સ્વૈચ્છાથી જોડાઇને કોરોના પ્રતિરોધક રસી મૂકાવી હતી. જિલ્લામા આવેલા વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે આ અભિયાન હજી ચાલુ જ છે. ૪૫ વર્ષ પુરા કરનાર દરેક નાગરિક કોરોના પ્રતિરોધક રસી મુકાવી અભિયાનને સાર્થક બનાવે તે જરૂરી છે.
ત્રણ દિવસ વિશેષ અભિયાન રૂપે જુદા જુદા ગૃપ અને સંસ્થાઓના સહયોગથી રસીકરણના કેમ્પો અને આરોગ્ય કેન્દ્રો ખાતે પણ રસીકરણની કામગીરી હાથ ધરવામા આવી હતી. જેમા ૧૩ હજારથી વધુ નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવીને અન્ય માટે પ્રેરણા પુરી પાડી હતી. પોરબંદરના કલેકટરશ્રી ડી.એન.મોદી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણીએ વેકિસનેશન સ્ટાફની જનહિતલક્ષી કામગીરીની પ્રસંશા કરવાની સાથે ૪૫ વર્ષ પુરા કરનાર નાગરિક વહેલી તકે રસી મુકાવે તેવી અપીલ પણ કરી હતી. રસીકરણના કેમ્પોમાં વ્યવસ્થા અને આયોજન મુજબની કામગીરી કરવાની સાથે કોરોનાનુ સંક્રમણ ન ફેલાઇ તેની તકેદારી પણ રાખવામા આવી હતી.
જિલ્લાના જુદા જુદા આરોગ્ય કેન્દ્રો ખાતે રસીકરણ અભિયાન હજી ચાલુ જ છે. આરોગ્ય વિભાગ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ પણ જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન મુજબ કામ કરી રહ્યા છે. આમ પોરબંદર જિલ્લામાં રસીકરણની વ્યાપક કામગીરીને લોકો દ્વારા આવકારમાં આવી છે. અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ પોરબંદર જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોની કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી રહી છે,રસીકરણ માટે લોકો આગળ આવે અને લોકોની ગેરસમજ દૂર થાય તે માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ પોસ્ટર અને ચિત્રો તેમજ રંગોળી સહિત વિવિધ માધ્યમોથી લોકોને જાગૃત કરવાની વિશેષ પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે.