14 એપ્રિલ, પ્રત્યેક મહિલાઓ અચૂક કહે છે “Thankyou બાબાસાહેબ”

અસ્મિતા પરમાર તરફથી સૌને એડવાન્સમાં આંબેડકર જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 

આમ તો મહિલાઓ તમામ ઉત્સવ ઉજવવામાં આગળ રહે છે, તો પછી 14મી એપ્રિલ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરનો જન્મ દિવસ મનાવવામાં કેમ પાછળ રહે ? અને ખાસ કરીને ત્યારે કે જ્યારે બાબાસાહેબ થકી જ મહિલાઓને સામાજિક, આર્થિક, રાજકીય અને કાયદાકીય હકો મળ્યા છે. સ્વતંત્રતા મળી છે. સમાજમાં એક આગવું સ્થાન મળ્યું છે.

‘હિન્દુ કોડ બિલ’ના લીધે જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે તમામ વર્ગની મહિલાઓ માટે એક સમાન કાયદાઓ આપ્યા છે, મહિલાઓને પુરૂષ બરાબર અધિકાર અપાવ્યા છે. બ્રાહ્મણથી લઈને અછૂત સ્ત્રી સુધી દરેક માટે સન્માનપૂર્વક જીવવા ‘બિન્દુ કોડ બીલ’ લાવવા માટે ડૉ. આંબેડકરે ખૂબ વકીલાત કરીને હકો અપાવ્યા છે. જો આ બિલ ન હોત તો, સ્ત્રીઓની હાલત કેવી હોત? એ વિચાર માત્ર વ્યથિત કરી દે છે. આજે સ્ત્રીઓ દેશ ચલાવે છે. સ્વતંત્રતાથી બોલી શકે છે. લખી શકે છે. આઝાદીથી ફરી શકે છે, તમામ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ બધુ ‘હિંદુ કોડ બીલ’ને આભારી છે. પોતાના ‘ગોડફાધર’ ડૉ. આંબેડકરનો આભાર વ્યક્ત કરવાનો આનાથી રૂડો દિવસ કયો હોઈ શકે? તો આવો જાણીએ, મહિલાઓ કેવી રીતે ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

ભીમ રંગોળી : એક-દોઢ મહિના પહેલા જ મહિલાઓ દ્વારા 14મી એપ્રિલની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. મહિલા મંડળો પોતાના આગવા કાર્યક્રમોનું આયોજન કરે છે.

ઘરમાં ઉજવણી
જ્યાં મહિલાઓની વાત હોય અને સાજ-શણગાર ન હોય એવું તો કેમ બની શકે! પોતાના પ્રિય તહેવારના ભાગ રૂપે તમામ બહુજન મહિલાઓ અગાઉથી જ પોતાના સાજ – શણગારની વસ્તુઓની વ્યવસ્થા કરવામાં લાગી જાય છે. બ્લુ અથવા સફેદ સાડી, કુર્તીઓ, જીન્સ-ટી શર્ટ, બાબાસાહેબના સિમ્બોલ વાળા બિલ્લા-ફ્લેગ, મેચિંગ એરીંગ્સ, મરાઠી નથ, અને બ્લુ ચાલ્લો વગેરે જાતજાતના શણગારોની ગોઠવણીમાં લાગી જાય છે. તે પોતાને તો તૈયાર કરે છે, આ ઉપરાંત પોતાના નાના બાળકો અને પતિ માટે પણ બાબાસાહેબની કે બુદ્ધમની પ્રિન્ટ વાળું ટીશર્ટ, જ ઊભો પાયજામો બ્લુ કે વાઈટ કલરમાં તૈયાર કરે છે. ઘર આંગણે બાબાસાહેબની ભીમ – રંગોળી કરે છે, બ્લુ પતાકાવાળુ તોરણ બાંધે છે, ઘર સુશોભન, રંગોળી સ્પર્ધા કે ડ્રોઈંગ સ્પર્ધામાં ભાગ લે છે. અને ઘરમાં માત્ર ભીમ-ભજનો, ગીતો ગુંજ્યા કરે છે. બાબાસાહેબને નીલો રંગ ખૂબ પસંદ હોવાથી ઘરના ડેકોરેશન થી લઈ કપડાં, રંગોળી, વિગેરે બાબતોમાં બ્લુ રંગનો ખુબ ઉપયોગ કરે છે.

જાહેર કાર્યક્રમો
બહુજન મહિલાઓ બાબા સાહેબના જ્મદિવસની ઉજવણી કરવા પરિવાર સાથે ડૉ. આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવા જાય છે. ૧૪મી એપ્રિલના મેળાવડામાં હાજરી આપે છે. સમુહ ભોજનનું આયોજન કરે છે, સમાજના લોકોને મળે છે. સાહિત્ય રસિક મહિલાઓ બાબાસાહેબને લગતું સાહિત્ય ખરીદે છે. જાહેર કાર્યક્રમોમાં ભાગ લે છે. બાળકોને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન, ચિત્રસ્પર્ધા, કવીઝ કમ્પિટિશન વિગેરે માટે તૈયાર કરે છે, ભાગ લેવડાવે છે.

બાઈક રેલી, DJ ના તાલે ઝૂમતી મહિલાઓ

બહુજન મહિલાઓની બાઈક રેલી
હવે રેલીમાં માત્ર પુરૂષો જ નહીં આજની મોર્ડન યુવતીઓ અને સ્ત્રીઓ પણ બાઈક, સ્કુટી કે બુલેટ સાથે બ્લુ પાઘડી અને બ્લુ ખેસમાં ભીમ-રેલીઓમાં ભાગ લે છે, ઘણી મહિલાઓ તલવાર ફેરવી પોતાનું કૌતુબ બતાવે છે. તમામ મહિલાઓ શરમ-સંકોચ છોડી ભીમ-નારા અને ડી.જે સાથે નાચતા-ગાતા શહેરોના માર્ગો પર રેલીમાં જોડાય આનંદ લે છે. ઘણી જગ્યાએ સાંજે બહુજન સ્ત્રીઓ પોતાના વિસ્તારમાં સમુહ ભોજનનું આયોજન કરે છે, ભીમ-ગરબા રમે છે.

ગામડામાં બહુજન મહિલાઓ આંબેડકરવાદી વિચારધારાનો પ્રસાર કરે છે. ડૉ. આંબેડકરે આપેલ સૂત્ર ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો’ ને ચરિતાર્થ કરવા સંકલ્પ લે છે. બહુજન મહિલાઓ આખો દિવસ પોતાનું યોગદાન આપી ઉત્સાહ અને ઉમંગ સાથે ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિન ‘14મી એપ્રિલ’ ની ઉજવણી કરે છે.

આમ, ૧૪ મી એપ્રિલની ઉજવણીમાં મહિલાઓનું પુરુષો બરાબર નહિ પણ પુરુષો કરતાં વિશેષ ભાગ લઈને, ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે પોતાનો કૃતગ્યતા ભાવ પ્રગટ કરે છે.

અસ્મિતા પરમાર