રાજનીતિ સુધારવી હોય તો પહેલા ધર્મનીતિ સુધારવી આવશ્યક છે અને ભારત જેવા વિશાળ દેશનો સમાન ધર્મ રાષ્ટ્રીયતા છે.
જો કે ભારત દેશ વિવિધ ધર્મો સાથે જોડાયેલો, વિવિધ ધર્મોને આશ્રય આપનારો અને વિવિધ ધર્મને માનનારો દેશ છે એથી પણ ભારતની ધર્મનીતિમાં માત્ર રાષ્ટ્રીયતા જ હોવી જોઈએ
આવા પવિત્ર અને સમાન રાષ્ટ્રીય ધર્મની આડે આવે છે કેટલાંક કપટી નેતાઓ અને વિવિધ ધર્મના પાખંડીઓ, જો આપણે એમ માનતા હોઈએ કે ભારતની રાજનીતિ પ્રજાને ગુલામી તરફ ઘસડી રહી છે તો એમાં સુધારો કરવા રાજનેતાઓને પહેલા કોષવા ને બદલે ધર્મના બહુરૂપી પાંખડીઓથી સુધારાની શરૂઆત કરવી બહેતર રહેશે.
ભારતમાં આજે જનતાંત્રિક કે લોકતાંત્રિક વિશ્વસનીય સ્થાન કે છત્રી એક પણ નથી, ન્યાયમાં વિલંબ, સરકારમાં મનમાની કે જોહુકમી, વિભાગોમાં ભ્રષ્ટાચાર અને પરીવારોમાં ધર્માંધતા, આખરે માણસ જાય ક્યાં ? આ પ્રશ્નનો જવાબ જો તમે પણ મેળવવા માંગતા હોવ તો તમારે શાંતિથી આ વાંચવું જોઈશે, તમારે શાંતિથી મને સાંભળવો જોઈએ અને એના ઉપર વિચાર પણ કરવો જોઈશે.
શું તમને લાગે છે કે સરકાર તમારું સાંભળે છે ? શું તમને એમ લાગે છે કે ન્યાય મેળવવામાં ગરીબી અડચણરૂપ અને બાધારૂપ છે ? શું તમને લાગે છે કે મોટા મોટા આંદોલનો પણ કેમ નિરર્થક પુરવાર થઈ રહ્યા છે ? શું તમને લાગે છે કે દિનપ્રતિદિન ઘરગુજરાન અને પરીવારનું પાલનપોષણ કરવું અતિ દોહ્યલું કે મુશ્કેલ પડતું જાય છે ?
તો તમે આ વાત પર ધ્યાન આપો,
ભારતને ગર્તામાં ધકેલવામાં નિમિત્ત ભલે રાજનેતાઓ છે પણ તેના ખરા જવાબદાર તો ધાર્મિક પાખંડીઓ છે અને જ્યાં સુધી તમે તમારી આસપાસના આ બહેરુપિયાઓને ઓળખી નહીં કાઢો ત્યાં સુધી તમારી દરેક મહેનત, દરેક લડાઈ અંતે તો નિષ્ફળ જ પુરવાર થવાની છે.
આ સૃષ્ટિ, જગત, બ્રહ્માંડ કે દુનિયાનું સંચાલન બેશક પણે કોઈ ઈશ્વર, ભગવાન કે પરમાત્મા જ કરતા હશે, પરંતુ એ આવડા મોટા સંચાલનમાં દરેક માણસના ઘર પરીવારનું ગુજરાન નથી ચલાવી દેવાના, દરેક માણસે પોતાનું ગુજરાન એક આજીવિકાથી ચલાવવાનું હોય છે અને આ આજીવિકાના નિર્માણને બદલે, માણસના મગજને બિનજરૂરી વિષયોમાં ભટકાવી દેવાનું કામ ધર્મના પાખંડી ઠેકેદારો અને વાચાળ નેતાઓ કરી રહ્યા છે.
તમેં ક્યાંય સાંભળ્યું છે કે ભગવાને એવો સાર્વજનિક સંદેશ વહેડાવ્યો કે મોકલાવ્યો હોય, જેમાં એવો ઉલ્લેખ હોય કે અમુક તમુક કથાકારો પાસેથી તમે કથા સાંભળશો તો જ હું તમારું કલ્યાણ કરીશ ? ના, જગતપિતા આવું કરી જ ન શકે, તો પછી માણસને બહેકાવે છે કોણ ? માણસને ભટકાવે છે કોણ ? માણસને નિયંત્રિત કરે છે કોણ ? આ પ્રશ્નો સાંભળતા જ તમારી સામે અનેક ચહેરાઓ તરવરશે !! પણ એમાંનો એક પણ ચહેરો આના માટે જવાબદાર નથી, આ પ્રશ્નોનો સાચો જવાબ છે માણસને બહેકાવે છે એની ભૂખ, માણસને ભટકાવે છે એની ભૂખ, માણસને નિયંત્રિત કરે છે એની ભૂખ !! અને માણસની આ ભૂખને નિયંત્રિત કરે છે ધર્મના ઠેકેદારો, ધર્મના પાખંડીઓ અને ત્યારબાદ આ વિષય જાય છે દેશના કપટી નેતાઓ પાસે જેઓ પોતે પણ ભૂખ્યા છે, કોઈને સત્તાની ભૂખ છે, કોઈને પ્રતિષ્ઠાની ભૂખ છે, કોઈને પદ અને પૈસાની ભૂખ છે તો કોઈને પોતાના હુકમો અને આદેશ ચલાવવાની ભૂખ છે.
જગતપિતાને તો બાપડાને ખબર પણ નથી પડતી અને આ તમામ ભુખોનું પાલનપોષણ આવા ધર્મના પાખંડી ઠેકેદારો આબાદ રીતે કરી કે પોષી રહ્યા છે.
આથી ભારતના વિવિધ ધર્મને કે કોઈ ચુસ્ત ધર્મને માનો ભલે પણ દરેક ભારતીયનો મૂળ ધર્મ છે રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીયતા, અને જ્યાં સુધી ભારતનો નાગરીક આ મૂળ ધર્મ તરફ પાછો નહીં ફરે ત્યાં સુધી ભારતમાં પરોક્ષ રીતે ધર્મના ઠેકેદારો અને પ્રત્યક્ષ રીતે રાજનેતાઓ દ્વારા ગુલામીથી વિશેષ અન્ય કોઈ સુખાકારી ભારતને મળવી મુશ્કેલ છે.
તમેં ક્યારેય વિચાર્યું છે કે કાચીંડાની જેમ રંગ બદલતા રાજનેતાઓને આવી રંગસમજ આપે છે કોણ ? તમે ક્યારેય વિચાર્યું કે વૈભવી જીવન જીવતા ધર્મના ઠેકેદારોને આવો વૈભવ આપે છે કોણ ? તમે ક્યારેય વિચાર્યું કે બબ્બે ત્રણ ત્રણ પેઢીઓથી ભરપૂર મહેનત અને સંઘર્ષ કર્યા બાદ પણ ગરીબી જેમની તેમ જ યથાવત છે ? અને એવા લોકો શાશન કરી જાય, જેનું યોગદાન જૂજ વર્ષોનું પણ ન હોય ?
ધર્મનું અસ્તિત્વ છે, ધર્મની માન્યતાઓ પણ છે એના રીવાજ અને પરંપરા પણ છે પરંતુ આવા એક પણ ધર્મના કોઈને વારસદાર બનાવવામાં નથી આવ્યા અને આવા વારસાનો હવાલો આપનાર એવા દરેક લોકો પાખંડી અને મહાધૂર્ત છે.
માણસનો પહેલો ધર્મ છે એનું ગુજરાન, બીજો ધર્મ છે એના પરીવારનું ગુજરાન, ત્રીજો, ચોથો કે એ પછીના દરેક સ્ટેજ ઉન્નતિ અને પ્રગતિશીલ એવા માનવ સમાજનું નિર્માણ !! આજે કયા ધર્મગુરુઓ આ કરે છે ? આજે કયો રાજનેતા ભારતના નાગરીકની સામાજીક ઉન્નતિ વિચારી શકે કે કરી શકે છે ? અને આટલેથી પણ જો હજુ ન સમજાતું હોય તો આવનારા દિવસોમાં ધાર્મિક કપટીઓ, ઘુતારાઓ જ્યારે પ્રત્યક્ષ રીતે સત્તાધીશો હશે, શું ત્યારે સમજાશે ?
જાત-પાત, જ્ઞાતિ-વાડા, ઉંચ-નીચ આવા કેટકેટલા ઝહેર માણસને પીવડવાવમાં આવી રહ્યા છે ? ભલું થજો જગતપિતાનું કે એ જેમ તેમ કરીને ભારતના નાગરીકોને ગુલામીની દિશામાં જતા અટકાવી રહ્યો છે, આખરે એ પણ થાકે છે,
ક્યારે આ નશામાંથી બહાર આવીશું આપણે ? સામાજીક સમરસતા જ્યાં સુધી એકસમાન બને નહીં ત્યાં સુધી આમાંની એક પણ સમસ્યાઓનો કોઈ હલ નથી અને આ બેહોશી તમને પણ અને તમારી આવનારી પેઢીને ગુલામીની ગર્તામાં ધકેલી રહી છે અને આમાંથી બહાર આવવાનો રસ્તો એક જ છે કે ભગવાનના વારસદારો શોધવામાં નહીં પરંતુ આજીવિકાના ધોરણો વિકસવવામાં છે અને એ માટે જ્યાં સુધી ધર્મનીતિ અને એમાં રહેલા પાખંડીઓનો પર્દાફાશ ન થાય ત્યાં સુધી આર્થિક ઉન્નતિ, સામાજીક ઉન્નતિ, સરળ ન્યાય પ્રણાલિકા, બેનમૂન સરકાર અને ઉત્તમ નાગરીક એ સંભવ પણ નથી..
આ માટે ધર્મના ઠેકેદારો, કપટી નેતાઓ, તકવાદીઓ માટે તમારે અને મારે હવે પ્રશ્નો શોધવા પડશે, બહુ સાંભળ્યા આ લોકોને, હવે એમણે આપણને સાંભળવા જોઈએ અને યાદ રહે એના જવાબો તમારા સીવાય કોઈ પાસે ન હોવા જોઈએ
તેથી પોતપોતાની ધાર્મિક માન્યતાઓ પોતપોતાના ઘર સુધી સીમિત રાખીને સાર્વત્રિક ધર્મ એ રાષ્ટ્રીયતા છે અને આ ધર્મની બહાર એક પણ ધાર્મિક પાખંડી કે કપટી નેતા બહાર ન રહી જાય તો જ ભારતના નાગરીકની સાર્વત્રિક ઉન્નતિ શક્ય છે અન્યથા સત્તાધીશો માટે તો વિફળ જવાનું બહાનું એ છે કે અમને બદલાવી શકો છો, અર્થાત સરકાર અને ધાર્મિક કપટીઓ પાસે બહાનું એ છે કે તમને શ્રદ્ધા ન હોય તો ફળ ન મળે !!
નેતાઓ ખર્ચ કરવામાં આવતા પૈસા પોતાને ઘરેથી ન લાવે છે, ન ધાર્મિક પાખંડીઓ કોઈ વારસો લઈને આવેલા છે, બસ માણસે જાગવાની જરૂર છે, આવા નશામાંથી બહાર આવવાની જરૂર છે અને એક ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીને સહુની સુખાકારી માટે, કોઈ નેતા કે ગુરુની સલાહ નહીં પરંતુ ધરાતલના પ્રત્યેક નાગરીકની સલાહ લેવાની જરૂર છે.
હું તમારી સાથે છું પરંતુ યાદ રહે હું કોઈ ધર્મનો ઠેકેદાર નથી, મને રસ અને વિશ્વાસ છે સામાજીક સમરસતામાં, હું અદનો એક મજૂર છું રાષ્ટ્ર નિર્માણનો, હું કોઈ ગુરુ નથી, ન નેતાગીરી મારો શોખ છે, હું તમારી જેમ જ વ્યથિત અને પીડિત છું, પ્રકૃતિનો હિમાયતી છું અને સામાજીક એકતાનો પ્રચારક. તેથી “સર્વજન હિતાય સર્વજન સુખાય” સીવાય હવે કોઈ માર્ગ આ કહેવાતા અધર્મીઓ એ બાકી છોડ્યો નથી….