મોરબીની જેલમાંથી દુષ્કર્મનો આરોપી ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી લાઈવ થતાં જેલમાં મોબાઈલ ક્યાંથી આવ્યો તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ, કેદી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા મોરબી જેલ ફરીથી વિવાદમાં આવી છે.
મોબરીની જેલનો કેદી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ
મોરબીની જેલમાં કેદ બાબુ દેવા કનારા નામનો આરોપી મોબાઈલનો ઉપયોગ કરી ઈન્સ્ટાગ્રામમાં લાઈવ થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી. જ્યારે જેલમાં આરોપી પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો?, આરોપીને કોણે ફોન આપ્યો?, જેલમાં ઈન્ટરનેટ ક્યાંથી? સમગ્ર મામલે જેલ તંત્ર અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલો આરોપી બાબુ દેવા કનારા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સહિત હૈદરાબાદમાં લૂંટનો પણ ગુનો નોંધાયેલો છે. ભુજ, પોરબંદર સહિતની જેલમાં સજા ભોગવી ચૂકેલો આરોપી બાબુ છેલ્લા છ મહિનાથી મોરબની જેલમાં હોવાની જાણકારી મળી છે.