સરળ-સહજ કહીએ તો – છળ કરવું એટલે છેતરવું અને કપટ કરવું એટલે દગાખોરી કરવી. ખોટી વાત-વચન રજૂ કરી ગેરમાર્ગ અપનાવી પોતાનું ધાર્યું કાર્ય સિદ્ધ કરવું, હસ્ત કરવું – પરિપૂર્ણ કરવું. છળ-કપટ એ મનુષ્યની નકારાત્મક તમસવૃતિ છે – તમોગુણ છે ! સૌ ધર્મગ્રંથોમાં છળ-કપટની નિંદા છે – ટીકા છે જેનો નિષેધ છે. આ વૃત્તિ-પ્રવૃતિ-કાર્યશૈલીથી મનુષ્યને દૂર રહેવા સચેત કરેલ છે. હિંદુ-જૈન ધર્મમાં છળ-કપટના માર્ગે ચાલવું, ભ્રમમાં જીવવું તે દુઃખ-પીડા-વ્યાધિ-વ્યથાનું જન્મસ્થાન છે એમ માનવામાં આવે છે. છળ-કપટ-દગાખોરી-અનીતિ માત્ર વિનાશનું-પતનનું કારણ બની રહે છે. આધુનિક મનુષ્ય દેખાડો કરતાં પાણી ગાળીને પીવે અને મદ્યપાન સેવન એકાંતમાં કરે છે જે મનુષ્યનું જાત સાથેનું સ્વયં છળ છે – કપટ છે – દંભ છે – માત્ર દેખાડો ! ધર્મ-આચરણ-જીવન વ્યવહાર પ્રત્યેના ધોરણો બેવડા છે – બહુરૂપી જંદગી – જીવનશૈલી જેવા મન-વચન અને કાર્યશૈલીમાં અનેકરૂપ-બહુરૂપ ધારણ કર્યા છે. વાણી અને વ્યવહારમાં વિસંગતતા છે. જે બોલાય છે – વચન અપાય છે તેનો અમલ થતો નથી. હૃદયમાં છળ-કપટ આચ્છાદિત મલિનતા છે – અપવિત્રતા છે – ચિત્તમાં અશુદ્ધ વિચારોનો ભંડાર ભર્યો છે જેથી સહજ અશાંતિ છે – ઉન્માદ-વિષાદ-ઉદ્વેગ અને હતાશાભરી અનિચ્છનીય વેદના જોવા મળે છે.

છળ-કપટથી અલિપ્ત રહેવા આર્જવ ધર્મના સુત્રો છે – હે મનુષ્ય, સરળ બન – સહજ બન, જીવનશૈલી-કાર્યશૈલી અને વિચારશૈલીમાં છળ-કપટથી અળગો રહે, મોહ-માયા-લોભ-લાલસા-દોષો-વૃત્તિઓથી અલિપ્ત રહે-સજાગ રહે ! મન-ચિત્તને શાંતિ માર્ગે પવિત્ર-પારદર્શક-શુદ્ધ બનાવ જ્યાં વાણી-વ્યવહાર-વર્તન ક્રમશઃ નિર્મળ બનતાં શાતા-શાંતિ જન્મ લેશે, સ્થપાશે – કાર્યમાં પરિણામમાં જરૂર સફળતા-સિદ્ધિ મળશે જીવનગાથા-જીવનયાત્રા અવશ્ય સુંદર બનશે. સવિશેષ ટાંકુ તો – હે ઈશ્વરસ્વરૂપ મનુષ્ય ! છળ-કપટ-દગાખોરી જાણે-અજાણે જો તારામાં પ્રવેશ્યા હોય તો ચિંતન કર – મનન કર – આત્મદર્શન કર – આત્મનીરિક્ષણ કર – દોષ-ભૂલ-મલિનતા-કટુવેણ-વ્યવહાર ન છુપાવ, સમાધાન કર, મહાપ્રાયશ્ચિત કર – ક્ષમા અને ક્ષમાવંદના. માર્ગે પવિત્રતા-નિર્મળતા-સત્ય-સચ્ચાઈ ધારણ કર, ધર્માચરણ ધારણ કરી નિષ્ઠા-પ્રેમસ્નેહ, સંવેદના અને સદ્ભાવના પ્રજ્જવલ્લિત બનતાં જ્યોતિરૂપે આનંદ-પ્રસન્નતાનો પમરાટ ઉભરાશે, આંસુઓમાં આનંદ ઉભરાશે જીવનસફળમાં પ્રફુલ્લિત સત્યતાની હાજરીએ “મોક્ષમાર્ગ” તરફનું પ્રયાણ સંભવશે – રસ્તો મળશે.

સર્વધર્મનો સાર છે “રહે ભાવના ઐસી મેરી ઓરો કો કામ આવું,પ્રેમ-સત્ય કા મૈં પૂજારી, છળ-કપટ કભી નાહિ નાહિ.”આવો આપણે સૌ જીવનયાત્રા દરમ્યાન છળ-કપટ જેવી તમસવૃતિ- તમસદુર્ગુણોથી અલિપ્ત રહી પ્રેમભર્યું, પવિત્ર-પાવન-નિર્મળ-મનોહર-આનંદભર્યું-પ્રસન્ન અને શાંતિ-શાતાના મોક્ષના માર્ગના જીવનઘડવૈયા બનીએ. કમલેશ હરિપ્રસાદ દવે.