નીટ-યુજીનું પેપર ઝારખંડથી લીક થઇને પટના સુધી પહોંચી ગયું હતું

સીબીઆઇએ તપાસની સંપૂર્ણ માહિતી સુપ્રીમ કોર્ટને આપી. પેપરની તસવીર લઇને બાદમાં કવરમાં પાછું મુકી દેવાયું, કોપી સોલ્વર ગેંગ પાસેથી કેટલાક ઉમેદવારો સુધી પહોંચી. પટનામાં બળેલા પેપરના ટુકડા પર લખાયેલા યુનિક સીરિયલ નંબરના આધારે લીકનું લોકેશન ટ્રેસ કરાયું. 

આ વર્ષે મે મહિનામાં લેવાયેલી નીટ-યુજીની પરીક્ષાનું પેપર કેવી રીતે લીક કરવામાં આવ્યું હતું તેની સંપૂર્ણ માહિતી સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી. સીબીઆઇએ કરેલી તપાસમાં સામે આવ્યું છે કે બિહારના પટના અને ઝારખંડના હઝારીબાગમાં પેપર લીક કરવામાં આવ્યું હતું. પટનામાં લીક પેપરની કોપીનો નાશ કરવા તેને બાળવામાં આવ્યું હતું, જેના ટુકડા તપાસ ટીમને મળી આવ્યા હતા. પેપર પર યુનિક સીરિયલ નંબરના આધારે જાણવા મળ્યું કે તે હઝારીબાગના એક વિદ્યાર્થીનું હતું.  

સુપ્રીમ કોર્ટમાં સીબીઆઇના અધિકારીઓએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે એક અડધુ બળેલુ પેપર મળ્યું હતું, આ પેપર ઝારખંડના હઝારીબાગની ઓએસિસ સ્કૂલમાં અપાયું હતું. પેપર પર લખાયેલા યુનિક નંબરના આધારે તેનુ લોકેશન મળ્યું હતું. આ યુનિક નંબરના આધારે બાદમાં સીબીઆઇની ટીમ હઝારીબાગની શાળાએ પહોંચી હતી અને તપાસમાં સામે આવ્યું કે આ પેપર એક વિદ્યાર્થિનીનું હતું જોકે આ વિદ્યાર્થિનીએ પેપર લીક નહોતું કર્યું. વિદ્યાર્થિનીને પેપર આપવામાં આવે તે પહેલા જ તેનો ફોટો લઇ લેવાયો હતો, બાદમાં કવરમાં ફીટ કરીને પાછુ હતું તેમ જ રાખી દેવાયું હતું. બાદમાં જ્યારે આ વિદ્યાર્થિની પાસે પેપર પહોંચ્યું તો તેનુ સીલ ટુટેલુ હતું, જોકે તે સમયે તેણે કોઇને તેની જાણ નહોતી કરી અને પ્રામાણિક્તાથી પોતાની પરીક્ષા આપી હતી. બાદમાં સીબીઆઇની ટીમ સમક્ષ વિદ્યાર્થિનીએ આ ખુલાસો કર્યો હતો. જેના પરથી સાબિત થયું કે પેપર લીક થયું હતું. બાદમાં આ પેપરની કોપીના બળેલા ટુકડા પટનાની એક શાળામાં મળી આવ્યા હતા. આ પેપર તે જ દીવસે સવારે લીક થયું હતું જે દિવસે પરીક્ષા હતી, લીક પેપર ૨૫ વિદ્યાર્થીઓના હાથમાં લાગ્યું હતું, બેથી ત્રણ વિદ્યાર્થીઓને એક પેપરની કોપી મળી હતી, જે સોલ્વ કરેલી હતી. તેઓએ જવાબોને કંઠસ્થ કરી લીધા અને બાદમાં તમામ કોપીઓને બાળી નાખી હતી. એટલે કે ઝારખંડના હઝારીબાગથી લીક થયેલુ પેપર પટના સુધી પહોંચ્યું હતું. પેપર સોલ્વ કરવાનું કામ બન્ને સ્થળોએ થયું હતું. 

ઉમેદવારોના બે ગુ્રપ હતા, એક હઝારીબાગમાં કે જ્યાં પેપર સોલ્વ કરાયું હતું. ત્રણ માળની બિલ્ડિંગમાં પ્રથમ માળે મહિલા ઉમેદવારો, બીજા માળે પુરુષ ઉમેદવારો અને ત્રીજા માળે ૭થી ૮  પેપર સોલ્વર હતા, કોઇ પણને મોબાઇલ લઇ જવાની છૂટ નહોતી. તાત્કાલીક પેપર સોલ્વ કરાયું અને એક ડિજિટલ ઇમેજ લેવાઇ જે બાદમાં પટના પહોંચાડાઇ હતી. પટનામાં એક ગેંગ પહેલાથી જ તૈયાર હતી. વિદ્યાર્થીઓ અને ગેંગની વચ્ચે એક મિડલમેન પણ હતો. બેથી ત્રણ મહિના પહેલા જ પેપર લીકનું કાવતરુ ઘડાયું હતું અને એવા કેન્દ્રને પસંદ કરાયું હતું કે જ્યાં સરળતાથી પ્રવેશ મેળવી શકાય અને પેપર મળી જાય. એડવાંસમાં ટોકન તરીકે રૂપિયા પણ લેવાયા હતા. હલ કરાયેલા પેપર શેર કરાયા તેવા ત્રણ સ્થળો ડિટેક્ટ થયા હતા જેમાં બે હઝારીબાગમાં અને એક પટનાનું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

preload imagepreload image