‘ગાગારીન સ્ટાર્ટ’ શા માટે ધૂળ ખાતું ખંડેર બની ગયું છે?

ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

૧૯ ૫૫માં કઝાકિસ્તાનમાં વિશ્વનાં પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલના પરીક્ષણ કેન્દ્ર તરીકે બાયકોનુર કોસ્મોડ્રોમ બાંધવામાં આવ્યું હતું. નામ ભલે બાયકોનુર હોય પરંતુ તે બાયકોનુરની ખાણથી ૩૨૨ કી.મી. દૂર આવેલું છે. પશ્ચિમી દેશોની નજરથી આ ક્ષેત્રને છુપાવવાં તેનું નામ બાયકોનુર કોસ્મોડ્રોમ રાખવામાં આવ્યું હતું. બાયકોનુર કોસ્મોડ્રોમ બાંધકામ પૂર્ણ થતાની સાથે જ, બહારના બધા જ લોકોને અહીંથી દુર કરવામાં આવ્યા હતા.હવે આ ક્ષેત્રમાં માત્ર સોવિયત યુનિયનના અધિકારી અને અધિકારપત્ર ધરાવતી વ્યક્તિ જ પ્રવેશ કરી શકતી હતી. સમય જતાં ફક્ત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવનાર આંતરરાષ્ટ્રીય ક્રૂ એટલે કે વિદેશી અંતરિક્ષયાત્રીઓને અહીં પ્રવેશ આપવામાં આવ્યો. પરંતુ વિશ્વના કોઈ પણ દેશનો નાગરિક આ સ્થાનમાં પ્રવેશ કરી શકતો નથી. બાયકોનુર કોસ્મોડ્રોમ એક ક્લોઝ સિટી છે. રશિયન લોખંડની દિવાલ ભેદીને કોઈ તેમાં પ્રવેશ મેળવી શકતું નથી. ૨૦૧૪માં પ્રથમવાર બ્રિટિશ ફોટોગ્રાફર જેમ્સ હિલ, જે છેલ્લા ૧૪ વર્ષથી મોસ્કોમાં રહેતા હતા તેમને પ્રથમવાર, બાયકોનુર કોસ્મોડ્રોમમાં પ્રવેશ મળ્યો હતો. તેમણે જિંદગીમાં પ્રથમ વખત રોકેટ પ્રક્ષેપણમાં હાજરી આપી હતી. તેઓ રશિયન શહેરોમાં ઘણા ભીંતચિત્રો અને મૂર્તિઓથી ટેવાયેલા હોવા છતાં, તેણે બાયકોનુરમાં કંઈક અલગ જોયું : તેઓ કહે છે : ‘તમે જ્યાં પણ નજર નાખો, ત્યાં તમને અવકાશ સંબંધી રચના જોવા મળશે.’ 

અંતરીક્ષ યુગની શરૂઆત

૨૧મી સદીમાં જન્મેલા યુવાનોને, અંતરીક્ષ યુગના ઇતિહાસની જાણકારી ન હોય તે સ્વાભાવિક છે. બાયકોનુર કોસ્મોડ્રોમ ઉપરથી બે મહાસત્તાઓ વચ્ચે ‘સ્પેસ રેસ શરુ થઇ હતી. એ સ્થળ આજે લગભગ વેરાન થઈ ગયું છે.’ અહીંથી દુનિયાનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુતનિક -૧ છોડવામાં આવ્યો હતો. અહીંથી જ વિશ્વનો પ્રથમ અંતરિક્ષયાત્રી, યુરી ગાગારીને અંતરીક્ષની સફર ખેડી હતી. તેઓ જે લોન્ચ પેડ ઉપરથી અંતરીક્ષમાં ગયા હતા, તે સાઈટ ‘ગાગારીન સ્ટાર્ટ’ તરીકે ઓળખવામાં છે. આજે ગાગારીન સ્ટાર્ટના બાંધકામ ઉપર ધૂળ અને પક્ષીઓની હગાર જોવા મળે છે. જે સ્થળને મ્યુઝિયમમાં ફેરવવું જોઈએ. તે સ્થળ વેરાન ભુતીયો મહેલ બની ગયું છે. આ વૈભવશાળી ગાગારીન સ્ટાર્ટ-બાયકોનુર કોસ્માડ્રોમના ભૂતકાળમાં ટાઈમ ટ્રાવેલ કરવાની મજા કંઈક ઓર જ છે.

સોવિયેત યુનિયને ૪ ઓક્ટોબર ૧૯૫૭ના રોજ જાહેરાત કરી કે ‘તેમણે અંતરિક્ષમાં કૃત્રિમ ઉપગ્રહ ગોઠવ્યો છે.’ ત્યારે સમગ્ર વિશ્વ સ્તબ્ધ અને આશ્ચર્યચકિત થઈ ગયું હતું. સૌથી મોટો ઝટકો અમેરિકાને લાગ્યો હતો. જોકે અંતરીક્ષમાં ગયેલો સ્પુટનિક-૧ નામનો ઉપગ્રહ, બીચ બોલ કરતા મોટો ન હતો. રશિયન ભાષામાં ‘સ્પુટનિક’નો અર્થ ‘પ્રવાસ સાથી’ થાય.  સ્પુટનિક-૧ પાસે મર્યાદિત ટેકનિકલ ક્ષમતાઓ હતી. અમેરિકન શહેર ઉપરથી સ્પુટનિક પસાર થતો ત્યારે, અમેરિકનોના રેડિયો સેટ ઉપર, ‘બીપ, બીપ, બીપ’ રેડિયો સિગ્નેચર સાંભળવા મળતી હતી. જેનાથી અમેરિકનો ખૂબ જ ગભરાઈ ગયા હતા. જોકે પ્રમુખ ડ્વાઇટ આઇઝનહોવરની પોતાની અલગ ચિંતા હતી. વ્હાઇટ હાઉસના અધિકારીઓને ડર હતો કે ‘વિશ્વના લોકો સોવિયેત યુનિયનને વધુ સુસંસ્કૃત મહાસત્તા તરીકે જોશે. સ્પુટનિકનું પ્રક્ષેપણ ‘પૌરાણિક દંતકથા માફક કાયમી અંધશ્રદ્ધા પેદા કરશે. જેને નાબૂદ કરવું અથવા તેને સુધારવું અમેરિકા માટે મુશ્કેલ થઈ જશે.’ આ ઘટનાનો ઉપયોગ U.S.S.R. તેના ફાયદા માટે કરી, અમેરિકાનું શોષણ કરી શકે એમ હતું. હવે વળતો ઘા કરવાની જવાબદારી અમેરિકાની હતી.

કોલ્ડ વૉર અને સ્પેસ રેસની શરૂઆત

જાન્યુઆરી ૧૯૫૮માં અહીં લેનિન્સકી નામનું એક નાનું ગામ ઉભું થઈ ગયું.  ૧૫ મેના રોજ, સોવિયત યુનિયને સાઇટ નંબર-૧ ઉપરથી પ્રથમ રોકેટ લોન્ચ કર્યું, જે નિષ્ફળ ગયું હતું. ૨૧ ઓગસ્ટે ૧૯૫૭ના રોજ સોવિયત યુનિયને ત્રીજા પ્રયત્નમાં, આર-૭ નામની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલને સફળતાપૂર્વક લોન્ચ કરી બતાવી. વિશ્વમાં સૌપ્રથમવાર સાઇટ નંબર-૧ ઉપરથી પ્રથમ કૃત્રિમ અવકાશ ઉપગ્રહ સ્પુતનિક -૧ લોન્ચ કરવામાં આવ્યો હતો.  ૩ મહિના સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરિક્રમા કરી સ્પુતનિક -૧, સરળ રેડિયો સિગ્નલ મોકલતો રહ્યો હતો. ‘બીપ! બીપ!બીપ!’. માત્ર એક મહિના પછી  ૩ નવેમ્બરના રોજ, પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાઈકા નામની કૂતરીને પ્રક્ષેપિત કરવામાં આવી હતી. આ સમયે રોકેટના બીજા તબક્કાએ, અંતરિક્ષયાનની ગરજ સારી હતી. કારણ કે સોવિયત યુનિયન અલગ અંતરિક્ષયાનની ડિઝાઇન કરી શકે તેમ ન હતું. છેવટે… વોસ્ટોક રોકેટને ભ્રમણકક્ષામાં આગળ ધપાવવાના અગાઉના ૧૬ પ્રયાસોમાંથી અડધા પ્રયત્ન નિષ્ફળ ગયા હતા. ૧૨ એપ્રિલ, ૧૯૬૧ની સવારે બાયકોનુર કોસ્મોડ્રોમ ખાતે તણાવ વધી ગયો હતો. સોવિયેત યુનિયન વિશ્વમાં પ્રથમ વાર એક મનુષ્યને અંતરીક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યું હતું. સ્પેસ પ્રોગ્રામના બે ટોચના ઇજનેરોએ  ઉત્તેજનાને શાંત કરવા માટે ટ્રાન્ક્વીલાઈઝર દવાની ગોળીઓ લેવી પડી હતી. પરંતુ યુરી ગાગારીન રોકેટની ઉપરની  કેપ્સ્યુલમાં શાંત બેસી રહ્યા હતા. 

સવારે ૯:૦૭ વાગ્યે જેવું રોકેટ ઉપડયું કે ગાગરીને મેસેજ આપ્યો. ‘પોયેખલી!’. રશિયન શબ્દનો અર્થ હતો : ‘આપણે જઈ રહ્યા છીએ’  તેણે જમીન પર રહેલા લોકોને તેના અનુભવો કહ્યા. રોકેટની ૧૭,૦૦૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે, ગાગારીનને તેની સીટ પર પાછળ ધકેલી દીધો હતો. ‘હું પૃથ્વી જોઉં છું. જી-લોડ કંઈક અંશે વધી રહ્યો છે. હું સારા મૂડમાં, ઉત્તમ અનુભવું છું. હું વાદળો જોઉં છું. ઉતરાણ સ્થળ… તે સુંદર છે. શું સુંદરતા છે !’  પ્રક્ષેપણના ૮૯ મિનિટ પછી, સોવિયેત અવકાશયાત્રી યુરી ગાગારીન, અવકાશમાં જનાર પ્રથમ વ્યક્તિ બન્યા.  

અંતરીક્ષ ઇતિહાસમાં પ્રથમ કદમ 

અમેરિકાએ જુલાઈ ૧૯૫૮માં સોવિયેત યુનિયનને અંતરિક્ષમાં પડકારવા માટે ન છૂટકે, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)ની સ્થાપના કરવી પડી હતી. જોકે રશિયાએ સફળતા પહેલા નિષ્ફળતાનો સ્વાદ ચાખી લીધો હતો. ૧૩ મે ૧૯૪૬ના દિવસે યુ.એસ.એસ. આરના પ્રમુખ સ્તાલિને એક હુકમનામાં ઉપર હસ્તાક્ષર કર્યા. હુકમનામાં મુજબ વિજ્ઞાન અને ઉદ્યોગ માટે ખાસ અવકાશ ક્ષેત્ર માટે બાંધકામ કરવાની જરૂર ઊભી થઈ હતી. થોડા સમયમાં યુએસએસઆરની સરકારે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ બનાવવાનો નિર્ણય લીધો. ૧૭ માર્ચ ૧૯૫૪ના રોજ, રશિયન મંત્રી પરિષદે કેટલાંક મંત્રાલયોને આદેશ આપ્યો કે ‘તેઓ ૧ જાન્યુઆરી ૧૯૫૫ સુધીમાં આર-૭ રોકેટનું પરીક્ષણ કરવાં માટે સ્થળની પસંદગી કરી લે. મિસાઈલના વિકાસ માટે અને મિસાઈલની રચના પછી, મિસાઈલનું પરીક્ષણ એક મહત્વનો મુદ્દો બની જતું હતું. મિસાઈલના પ્રક્ષેપણ અને પરીક્ષણ માટે ખાસ સ્થળની જરૂર હતી. જ્યાં રેલ્વે લાઈન જતી હોય, પાણીનો પુષ્કળ અનામત જથ્થો હોય, આખો વિસ્તાર ઓછી વસ્તી ધરાવતો હોય. આ મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા પછી, ટયુરા-તામ ગામ નજીક સિર-દરિયાના કિનારે આવેલા મેદાનનો પ્રદેશ પસંદ કરવામાં આવ્યો. 

૧૨ જાન્યુઆરી ૧૯૫૫ના રોજ, કોન્ટ્રાક્ટર, બાંધકામ સાથે સંકળાયેલા અધિકારી અને લશ્કરી અધિકારીઓનું પ્રથમ જૂથ, આ વિસ્તારનું   પરીક્ષણ કરવા માટે આવી પહોંચ્યું. આ દિવસથી બાયકોનુર કોસ્મોડ્રોમનો ઇતિહાસ શરૂ થયો. સર્વે કર્યા બાદ, આયોજનનું કાર્ય શરૂ થયું. ૨૦ જુલાઈ ૧૯૫૫ના રોજ, સાઈટ-૧ ઉપર બાંધકામ શરૂ કરવામાં આવ્યું. લોન્ચપેડ હંગામી ધોરણે વાપરવાનું આયોજન હતું. પરંતુ બાંધકામ એટલું મજબૂત બનાવવામાં આવ્યું હતું કે ૬ દાયકા સુધી તેનો ઉપયોગ આરામદાયક સ્થિતિમાં કરી શકાયો. એપ્રિલ ૧૯૫૭માં લોન્ચપેડનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં તે સાઇટ નંબર-૧ અથવા ગાગારીન સ્ટાર્ટ તરીકે ઓળખાવાનું હતું. તે ક્યારેક NIIP-5 LC1, Baikonur LC1, LC-1/5, LC-1, Pad 1/5અથવા GIK-5 LC1 તરીકે પણ ઓળખવામાં આવે છે. 

ગાગારીન સ્ટાર્ટનો ‘ધ એન્ડ’

પૃથ્વીગ્રહની પરિક્રમા કરનાર પ્રથમ વ્યક્તિ તરીકે યુરી ગાગરીન, માનવ ઇતિહાસમાં અમર થઈ ગયા. આ ઘટનાએ યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયન વચ્ચેની અવકાશ સ્પર્ધા માટેના બીજ વાવી દીધા, જે આગળ જતા વટવૃક્ષમાં ફેલાઈ જવાનું હતું. ૧૯૬૧ અને ૨૦૧૯ની વચ્ચે, આ વર્કહોર્સ જેવાં ગાગારીન સ્ટાર્ટ લોન્ચ પેડ ઉપરથી ૫૨૦ વાર રોકેટ લોન્ચ થયા હતા. વિશ્વનાં કોઈપણ અન્ય લોન્ચ પેડ ગાગરીન સ્ટાર્ટના રેકોર્ડની બરાબરી કરી શકે તેમ નથી. છેલ્લા બે દાયકા દરમિયાન, ગાગારીન સ્ટાર્ટે સોયુઝ-એફજી રોકેટેની મદદથી, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર કાર્ગો અને ક્ મિશન મોકલવાની શરૂઆત પણ કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૯માં છ દાયકા જેટલી સેવા આપ્યા બાદ, સાઇટ-૧ ઉપરથી અંતિમ પ્રક્ષેપણ અંતરિક્ષમાં ગયું હતું. હવે ૬ દાયકા પસાર થતાં, સમય બદલાઈ ગયો હતો. રોકેટનું કદ પણ બદલાઈ ગયું હતું. સહેજ મોટા સોયુઝ-૨ રોકેટને સમાવવા માટે, ગાગારીન સ્ટાર્ટનાં લોન્ચ પેડનું આધુનિકીકરણ કરવું જરૂરી બની ગયું હતું. પરંતુ ભંડોળના અભાવને કારણે સાઇટ-૧નું આધુનિકીકરણનું કાર્ય કાયમ માટે રોકી દેવામાં આવ્યું છે. હાલમાં અંતરિક્ષ કાર્યક્રમના બે રશિયન શટલ ‘બુરાન’ અહીં  ધૂળ ખાઇ રહયા છે. સત્તાવાર સૂત્રએ ગાગરીન સ્ટાર્ટ એટલે કે સાઇટ-૧ને મ્યુઝમમાં ફેરવવાની જાહેરાત કરી છે. સંયુક્ત આરબ અમીરાત તેમાં નાણાકીય મદદ કરે તેવું લાગી રહ્યું છે. ગાગરીન સ્ટાર્ટ સેવા નિવૃત થતાં, હવે બાયકોનુર ખાતે સોયુઝ-૨ રોકેટને નજીકની ‘સાઇટ ૩૧’ પરથી લોન્ચિંગ કરવામાં આવે છે. મુખ્ય સમસ્યાએ છે કે બાયકોનુર કોસ્મોડ્રોમ, સોવિયત યુનિયનમાંથી છૂટા પડેલા દેશ કઝાકસ્થાનમાં આવેલું છે. પરંતુ બાયકોનુર કોસ્મોડ્રોમનો સમગ્ર વિસ્તાર રશિયાને ભાડા પટ્ટે આપવામાં આવ્યો છે. રશિયાએ પોતાના દેશમાં જ પોતાનું અલગ કોસ્મોડ્રોમનું બાંધકામ પૂર્ણ કર્યું છે. હવે તે બાયકોનુર કોસ્મોડ્રોમનાં આધુનિકરણ માટે ઉત્સાહી નથી. સામા પક્ષે કઝાકસ્થાન ખૂબ મોટું ભંડોળ ફાળવીને, કોસ્મોડ્રોમનું આધુનિકરણ કરી શકે તેમ નથી. આ ઉપરાંત કેટલાક જીઓ પોલિટિકલ કારણોસર, આજે સમગ્ર બાયકોનુર કોસ્મોડ્રોમનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *