2041 સુધીમાં અમારું રાજ્ય મુસ્લિમ બહુમત ધરાવતું રાજ્ય બની જશે: ભાજપના દિગ્ગજ ચિંતિત

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્માએ દાવો કર્યો છે કે આસામમાં મુસ્લિમોની વસતી દર ૧૦ વર્ષે ૩૦ ટકા વધી રહી છે. અને તેથી વર્ષ ૨૦૪૧ સુધીમાં આસામમાં મુસ્લિમો બહુમતમાં આવી જશે. ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરંસને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તાજેતરમાં આસામમાં મુસ્લિમો કુલ વસતીના ૪૦ ટકા છે. આ જ હકિકત છે અને તેને કોઇ જ અટકાવી શકે તેમ નથી તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરીના આંકડા મુજબ આસામમાં મુસ્લિમોની કુલ વસતી ૧.૦૭ કરોડ હતી, જે રાજ્યની કુલ ૩.૧૨ કરોડ વસતીના ૩૪.૨૨ ટકા હતી, જ્યારે બીજી તરફ હિન્દુઓની કુલ વસતી ૧.૯૨ કરોડ હતી જે કુલ વસતીના ૬૧.૪૭ ટકા હતી. દર ૧૦ વર્ષે રાજ્યમાં મુસ્લિમોની વસતીમાં ૧૧ લાખનો વધારો થઇ રહ્યો છે. આ ડેટા હિમંતા બિસ્વા સર્માના નહીં પણ તમામ પ્રકાશિત થયેલા ડેટા છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. 

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે હિન્દુઓની વસતી દર ૧૦ વર્ષે ૧૬ ટકા વધી રહી છે. આસામ સરકારે મુસ્લિમ સમાજમાં વસતીમાં વધારાને ઘટાડવા માટે અનેક પ્રયાસો કર્યા છે. અમે રાજ્યમાં નીજૂત મોઇના યોજના લાગુ કરી છે, જે હેઠળ રાજ્યની યુવતીઓ ડોક્ટર અને એન્જિનિયર બનશે અને માત્ર બાળકો પેદા નહીં કરે. આ યોજના હેઠળ આસામ સરકાર રાજ્યમાં ધોરણ ૧૧થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી વિદ્યાર્થિનીઓને મહિને ૨૫૦૦ રૂપિયાની સહાય કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં બાળ લગ્નોને અટકાવવાનો છે.  મુખ્યમંત્રીએ મુસ્લિમોની વસતીને લઇને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પણ કેટલીક સલાહ આપતા કહ્યું હતું કે જો  રાહુલ ગાંધી વસતીને કાબુ કરવા બ્રાન્ડ એમ્બેસેડર બને તો તેની અસર વધુ ઝડપથી જોવા મળશે. કેમ કે પુરો મુસ્લિમ સમાજ રાહુલ ગાંધીનું સાંભળે છે. 

દરમિયાન આસામના ૧૯૩૫ના મુસ્લિમ નિકાહ અને તલાક કાયદાને રદ કરવામાં આવ્યો છે, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ કાયદાને રદ કરવા માટે વિધાનસભામાં ચોમાસુ સત્રમાં બિલ રજુ કરવામાં આવશે જેને ગુરુવારે કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવાઇ છે. મુસ્લિમોના નિકાહના રજિસ્ટ્રેશન માટે એક નવો કાયદો લાવવામાં આવશે. આ વર્ષે ફેબુ્રઆરીમાં જ આસામ કેબિનેટ દ્વારા આ કાયદાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાયદાને એટલા માટે રદ કરાયો છે કેમ કે તે બાળ લગ્નોને પણ છૂટ આપે છે. નવા કાયદામાં મુસ્લિમો માટે પણ લગ્નની એક ચોક્કસ વય મર્યાદા નક્કી કરાશે જે તાજેતરના કાયદામાં નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *