મોતીતળાવ વિસ્તારમાં મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે ઝડપાયા. સ્પેશિયલ ઓપરેશન ગૃપે ગાંજાનો જથ્થો મળી કુલ રૂા. બાવન હજારનો મુદ્દામાલ કબજે કર્યો.
ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં આવેલ શેરી નંબર એક ખાતેના રહેણાંકના મકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગૃપે ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બેને ઝડપી લીધા હતા. આ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર સ્પેશિયલ ઓપરેશન ગૃપના અધિકારીને આધારભૂત અને ચોક્કસ બાતમી મળી હતી કે, ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં આવેલા શેરી નંબર ૧ ખાતે રહેતો શખ્સ પોતાના રહેણાંકના મકાનમાં ગાંજો રાખી ગાંજાનું છૂટક વેંચાણ કરે છે. આ બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગૃપે મોતી તળાવ શેરી નંબર ૧ ખાતે રહેતા નમીરાબેન ઈકબાલભાઈ પિંજારા અને આસિફ ઉર્ફે ડેની મહંમદભાઈ પઠાણનાં રહેણાંકના મકાને વોચ ગોઠવી દરોડો કર્યો હતો. મકાનની તલાસી દરમિયાન રૂમ બે મા સોડા ના પ્લેટફોર્મ નીચેના ખાનામાંથી પ્લાસ્ટિકના કોથળામાંથી વનસ્પતિજન્ય ડાખરા, ડુંડા સાથેનો લીલો અને ભૂખરા રંગનો પદાર્થ મળી આવતા એસઓેજીના સ્ટાફે ખરાઈ કરવા માટે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ગાંજો હોવાની ખરાઈ કરાવી હતી. પોલીસે વનસ્પતિજન્ય ડાખરા ડુંડા ફુલ વજન ૪ કિલો ૧૬૮ ગ્રામ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૫૨,૬૮૦ નાં મુદ્દામાલ સાથે નમીરાબેન ઈકબાલભાઈ પિંજારા અને આસિફ ઉર્ફે ડેની મહંમદભાઈ પઠાણની ધરપકડ કરી પૂછપરછ કરતા આ ગાંજાનો જથ્થો ઓડીશા રાજ્ય ખાતેથી લાવી વેંચાણ કરતા હોવાની કબુલાત કરી હતી. આ બનાવ સંદર્ભે સ્પેશિયલ ઓપરેશન ગૃપે બંને વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવ્યો હતો.