પોરબંદરમાં મોબાઇલ ટાવરમાંથી કેબલવાયર કાપીને ચોરી જનારા બે સગીરોને પોલીસે પકડી પાડયા હતા. ચોરીનો વાયર ખરીદનાર શખ્સ કોથળો લઇને ઉભેલો મળી આવ્યા બાદ અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલાયો છે.

બે મહીના પહેલાના બનાવમાં નોંધાયો હતો ગુન્હો
પોરબંદરની છાંયા પંચાયત ચોકી નજીક વૈશાલીનગરમાં રહેતા ભરત વાઘ નામના યુવાને એવી ફરિયાદ નોંધાવી હતી કે બે મહીના પહેલા સુદામાચોકમાં લીબર્ટી શોપીંગ સેન્ટર ઉપર આવેલ એરટેલ કંપનીના મોબાઈલ ટાવરમાં બેટરી બેંકનો કોપરનો કેબલ વાયર અંદાજે 6000 પીયાનો કાપીને કોઈ ચોરી ગયું છે. આ બનાવમાં કીર્તિમંદિર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
ગુન્હો ઉકેલવામાં સફળતા

પોલીસે ગુન્હો ચોપડે ચડાવ્યા બાદ આરોપીને તાત્કાલીક પકડી લેવામાં વધુ એક વખત સફળતા મેળવી છે. બે મહીના સુધી આ બનાવમાં ગુન્હો નોંધાયો ન હતો પરંતુ ચોપડે ચડયા બાદ તાત્કાલીક આરોપી પકડાય ગયા છે જેમાં પોલીસે એવું જાહેર કર્યુ છે કે, ચુંટણી અનુસંધાને સુદામાચોક રીક્ષાસ્ટેન્ડ પાસે પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતાએ દરમિયાન એક ઇસમ હાથમાં પ્લાસ્ટીકનું બાચકુ રાખીને શઁકાસ્પદ રીતે ઉભો હતો અને તેની સાથે સગીરવયના બે કીશોરો પણ ઉભા હતા. પોલીસે બાચકામાં તપાસ કરતા કોપરવાયરના બળેલા ગુંચરા કે જે અંદાજે પાંચ કીલો જેટલા હતા તે મળી આવ્યા હતા આથી એ વાયર કયાંથી લાવ્યો? તે અંગેનો કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો આથી આગવી ઢબે પુછપરછ કરવામાં આવતા  કોથળો હાથમાં રાખીને ઉભેલા અને કર્લી રિવરફ્રન્ટ પાસે ઝુપડપટ્ટીમાં રહેતા બિરજુ દેવીસિંગ ચૌહાણ નામના બાવરી યુવાને એવું કબુલ્યું હતું કે, તેમને બે મહીના પહેલા આ બે સગીરવયના છોકરાઓએ આ કોપરવાયર વેચવા માટે આપ્યો હતો આથી એ બન્ને કીશોરોની પુછપરછ કરવામાં આવતા તેઓએ એવું કબુલ્યું હતું કે, લીબર્ટી શોપીંગ સેન્ટર ઉપર મોબાઇલ ટાવરમાં રહેલા કોપર વાયર કાપી, બાળી અને તેના ગુંચળા કાઢીને બીરજુને 3000 પિયામાં વહેંચ્યા હતા. આથી કીશોરોના વાલીઓને બોલાવી જાણ કરવામાં આવી હતી અને જેમની પાસેથી ચોરીનો ખરીદેલો માલ મળી આવ્‌યો હતો તે બીરજુને કોવિડ ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યો હતો