- – સૌરાષ્ટ્રના ખેડૂત નેતાઓ જેલભરો આંદોલન કરે તે પહેલા
- – ખેડૂત આગેવાનોએ કહ્યું પોલીસ હવે ફરી જાય તોય અમે નહીં ફરીએ, મંજુરી વગર પણ કિસાન સંમેલન યોજીશુંં
કૃષિ કાયદાના ઉગ્ર વિરોધમાં દિલ્હીમાં ૫૧ દિવસ પહેલા પોલીસના બળપ્રયોગ છતાં શરુ થયેલું ધરણાં સહિતનું કિસાન આંદોલન લાંબુ ચાલવા સાથે હવે પ્રસાર પામી રહ્યું છે અને રાજકોટમાં સૌરાષ્ટ્રના ખેડૂતોનું સંમેલન યોજવા સમયસર મંજુરી નહીં મળ્યા બાદ આજે પોલીસે તા.૨૭ના સંમેલન યોજવા તા.૨૬ના મંજુરી આપવાની અને આ સંમેલનમાં આવતા ખેડૂતોને અટકાવાશે નહીં કે નજરકેદ નહીં કરાય તેવી ખાત્રી આપ્યાનું આગેવાનોએ જણાવ્યું છે.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રીંગરોડ-૨ પર આ સંમેલન યોજવા તા.૧૬ના મંજુરી મંગાઈ હતી પરંતુ, પોલીસે મંજુરી નહી આપતા તેના વિરોધમાં ગુરુવાર તા.૨૧ના આગેવાનોએ ધરણાં યોજ્યા હતા, પોલીસે અટક કરીને છોડતા ફરીવાર ધરણાં એમ રાત્રિના ત્રીજી વખત ધરણાં યોજ્યા હતા. મહિલા સહિતના સાત આગેવાનો સામે માસ્ક, ડિસ્ટન્સ, કર્ફ્યુ ભંગનો ગુનો નોંધતા પાંચ આગેવાનોએ જામીન આપવાનો ઈન્કાર કરીને જેલમાં જવાનું પસંદ કર્યું હતું આજે જેલમાંથી મુક્ત થયેલા વશરામ સાગઠીયાએ જણાવ્યું કે અમે પહેલા દિવસે પાંચ વ્યક્તિઓએ જામીનનો ઈન્કાર કરીને જેલમાં ગયા હતા અને પછી ક્રમશઃ આ સંખ્યા વધારતા જઈને જેલ ભરવાનું નક્કી કર્યું હતું.
પરંતુ, આજે નાયબ પોલીસ કમિશનર સહિત અધિકારીઓએ ખેડૂત સંમેલન તા.૨૭ના યોજી શકાશે અને તે માટે તા.૨૬ના મંજુરી આપી દેવાશે તેવી ખાત્રી આપી છે તેમ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું. આ અન્વયે હાલ વિરોધ પ્રદર્શન મોકુફ રાખ્યું છે અને તા.૨૬ના જો મંજુરી નહીં અપાય તો પણ કોઈ પણ ભોગે ખેડૂતો તા.૨૭ના સંંમેલન યોજીને જ રહેશે તેમ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનો હવે દિલ્હીમાં આંદોલન ચલાવતા કિસાન આગેવાનોના સંપર્કમાં પણ આવ્યા છે અને ગઈકાલે દિલ્હીમાં આંદોલન ચલાવતા નેતા રાજકોટ પણ આવી ગયા હતા. હવે કોરોના કાળ અને આચારસંહિતા વચ્ચે આગામી તા.૨૭ના સંમેલન પર નજર મંડાઈ રહી છે.