વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાતની મુલાકાતે હતાં. આ દરમિયાન તેમણે અમરેલીના લાઠીમાં લોકસભા યોજી હતી. આ સભામાં જાહેર મંચ પરથી વડાપ્રધાને રાજુલાના ધારાસભ્યને દિલ્હીનું આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાને લાઠીમાં તેમના ભાષણ દરમિયાન ધારાસભ્ય હીરા સોલંકીને કહ્યું હતું કે, ‘દિલ્હી ક્યારે આવો છો?’ જાહેરમાં વડાપ્રધાન મોદીએ કરેલી આ વાત પછી રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે.
વડાપ્રધાને શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ લાઠીમાં ભાષણ દરમિયાન કહ્યું કે, ‘આપણાં જાફરાબાદના બાજરાનો તો હું દિલ્હીમાં પણ વખાણ કરતો હોઉ છું. અમારા હીરાભાઈ મને મોકલતા હોય છે.’ ત્યાર પછી વડાપ્રધાને જાહેર મંચ પરથી હીરાભાઈને કહ્યું કે, ‘જાફરાબાદનો બાજરો લઈને દિલ્હી ક્યારે આવો છો?’વડાપ્રધાને જાહેર મંચ પરથી આમંત્રણ આપ્યા બાદ ભાષણ પૂરૂં કરી ધારાસભ્યને મળીને વાતચીત પણ કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ દરમિયાન રાજકીય અટકળો પણ શરૂ થઈ ગઈ છે કે, આખરે વડાપ્રધાને હીરાભાઈને દિલ્હીનું આમંત્રણ કેમ આપ્યું? શું હીરાભાઈ માટે કોઈ ખાસ પદની વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ? આ સિવાય દિલ્હીની મુલાકાત બાદ હીરાભાઈની રાજકીય કારકીર્દિમાં કોઈ બદલાવ આવશે કે કેમ તે વિશે પણ ચર્ચા થઈ રહી છે.
કોણ છે હીરાભાઈ સોલંકી?
હીરાભાઈ સોલંકી રાજ્ય સરકારના મંત્રી પરશોત્તમ રૂપાલાના સગા ભાઈ છે. તેઓ અમરેલી જિલ્લાની 5 વિધાનસભા પૈકી રાજુલા વિધાનસભાના ધારાસભ્ય છે અને કોળી સમાજના દિગ્ગજ નેતા તરીકેની ઓળખ ધરાવે છે. ગત વિધાનસભામાં ભાજપે નો રિપીટ થિયરી અપનાવી હતી, ત્યારે પણ પરશોત્તમ રૂપાલાના ભાઈ હીરાભાઈ સોલંકીને રાજુલા વિધાનસભા બેઠક પરથી ટિકિટ અપાઈ હતી. ખૂબ જ ગણતરીના નેતાઓને આ નો રિપીટ થિયરીની હવા અસર ન હતી કરી તેમાંથી એક હીરાભાઈ સોલંકી હતા. 1998થી લઈને 2022 સુધી રાજુલા બેઠક પરથી હીરાભાઈ સોલંકીએ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી છે.