આયુર્વેદ દિવસ જેને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં દવાના હિન્દુ દેવતા ધન્વંતરીના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (29મી ઓક્ટોબર) ધન્વંતરી જયંતિ અને 9મા આયુર્વેદ દિવસ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આજે સમગ્ર વિશ્વ તેને સ્વીકારી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે દવાની આ પ્રાચીન પદ્ધતિ સમગ્ર માનવતાના સ્વસ્થ જીવન માટે ઉપયોગી બની રહેશે.’
પીએમ મોદી વડાપ્રધાન આયુષ્માન ભારત યોજનામાં નવી શરૂઆત કરશે
આ પ્રસંગે વડાપ્રધાન મોદી આજે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે આશરે 12,850 કરોડ રૂપિયાના અનેક સ્વાસ્થ્ય ક્ષેત્રના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન આયુષ્માન ભારત યોજનામાં નવી શરૂઆત કરશે અને 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય સંભાળ કવરેજનો વિસ્તાર કરશે. વડાપ્રધાન મોદી દેશના પ્રથમ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (AIIA)ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તેમાં પંચકર્મ હોસ્પિટલ, દવા ઉત્પાદન માટે આયુર્વેદિક ફાર્મસી, સ્પોર્ટ્સ મેડિસિન યુનિટ, સેન્ટ્રલ લાઇબ્રેરી, આઇટી અને સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર અને 500 સીટનું ઓડિટોરિયમ સામેલ હશે.
આ ઉપરાંત ઓડિશાના ખોરધા અને છત્તીસગઢના રાયપુર ખાતે યોગ અને નેચરોપેથીની બે કેન્દ્રીય સંશોધન સંસ્થાનોનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી ચાર આયુષ સેન્ટર ઓફ એક્સેલન્સનું પણ લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી સ્વાસ્થ્ય ક્ષેત્રને મજબૂત કરવા માટે ઘણી યોજનાઓ લોન્ચ કરશે. તેઓ દેશની પ્રકૃતિ પરીક્ષણ અભિયાન પણ શરૂ કરશે, જે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવશે.વડાપ્રધાન મોદી આરોગ્ય ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે પાંચ પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેટિવ યોજનાઓ હેઠળના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. જેમાં ઉચ્ચ કક્ષાના તબીબી સાધનો અને મહત્ત્વની દવાઓનું ઉત્પાદન કરવામાં આવશે.