આજે શહેરના ક.પરામાં રાંદલ માઁના ઐતિહાસિક મંદિરે જગન

 દર વર્ષની પરંપરા મુજબ શ્રાવણ માસના પ્રથમ રવિવારે ધર્મોત્સવનું આયોજન.

હજારોની સંખ્યામાં માંઈભક્તો દર્શનાર્થે ઉમટશે : મહાઆરતી, ઘોડો ખુંદવાનો કાર્યક્રમ યોજાશ, ભક્તોને ખીર-પુરીની પ્રસાદનું વિતરણ થશેભાવનગર : શહેરના કરચલિયા પરા ખાતે આવેલા એક સદીથી પણ પૂરાણાં ઐતિહાસિક રાંદલ માતાજીના મંદિરે દર વર્ષની પરંપરા મુજબ આવતીકાલે શ્રાવણ માસના પ્રથમ રવિવારે જગનના કાર્યક્રમનો ધર્મોત્સવ ઉજવાશે. રાંદલ માઁના જગનને લઈ સમગ્ર વિસ્તારને રોશનીથી ઝળહળતો કરી દેવામાં આવ્યો છે.

શહેરના ક.પરા, રાંદલ માઁના ચોક ખાતે આવેલા લાખો શ્રધ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન રાંદલ માતાજીના મંદિરે આવતીકાલ તા.૧૧-૮ના રોજ શ્રાવણ માસના પ્રથમ રવિવારે જગનનો ધાર્મિક કાર્યક્રમ ઉજવાશે. જગન નિમિત્તે વહેલી સવારે, બપોરે અને સાંજે રાંદલ માતાજીની મહાઆરતી કરવામાં આવશે. આ ઉપરાંત ઘોડો ખુંદવાની વિધિ થશે. જેમાં હજારોની સંખ્યામાં માંઈભક્ત બહેનો હાજર રહેશે. રાંદલ માતાજીના જગનને લઈ સમગ્ર વિસ્તારને રંગબેરંગી રોશની, કમાનથી શણગારવામાં આવ્યો છે. આ ઉપરાંત રાંદલ માતાજીના મંદિરને અભિભૂત કરી દેનારા શણગારથી શોભાયમાન કરવામાં આવ્યો છે. આવતીકાલે જગન નિમિત્તે શહેર-જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડશે. જેમને ખીર-પુરી (છાબડી)ના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તેમજ સ્થાનિક મિત્ર મંડળો દ્વારા પણ ચા-પાણી, શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે. રાંદલ યુવક મંડળ-ક.પરાના ભાઈઓ-બહેનો દ્વારા છેલ્લા ૧૦ દિવસથી શરૂ કરવામાં આવેલી તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

ઉલ્લેખનિય છે કે, આ ઐતિહાસિક ધાર્મિક સ્થળ સાથે ભાવનગરના નેકનામદાર પ્રજાવત્સલ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ પણ અખૂટ શ્રધ્ધા ધરાવતા હતા. અહીં નાની દેરી હતી. ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ અને રાજવી પરિવાર ઘોડાગાડીમાં બેસી રાંદલ માતાજીના દર્શનાર્થે આવતા હતા. જેથી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કાયમી સંભારણું રહે તે માટે મંદિરમાં પ્રસ્થાપિત રાંદલ માતાજીની ચાંદીની મૂર્તિ સાથે તેમની મોટી તસવીર પણ પ્રસ્થાપિત કરાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *