નીટ-યુજી પેપર લીક વિવાદ વચ્ચે સુપ્રીમમાં એનટીએનો ખુલાસો. સુપ્રીમે પરીક્ષામાં એક પ્રશ્નમાં ભુલ હોવાના આક્ષેપની તપાસ આઇઆઇટી દિલ્હીને સોંપી, આજે ફરી સુનાવણી.

દેશભરમાં વિવિધ મેડિકલ કોર્સ માટે આ વર્ષે લેવાયેલી નીટ-યુજીની પરીક્ષાનું પેપર લીક થયાના વિવાદ વચ્ચે હવે વધુ એક છબરડો બહાર આવ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ કબુલ કર્યું છે કે ૩૩૦૦ વિદ્યાર્થીઓએ એવા પ્રશ્નપત્રનો ઉપયોગ કરીને પરીક્ષા આપી હતી કે જે તેમના માટે હતુ જ નહીં, આ વિદ્યાર્થીઓએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રખાયેલા પ્રશ્નપત્રનો ઉપયોગ કરવાનો હતો જ્યારે ભુલથી તેમને કેનેડા બેંકમાં રાખવામાં આવેલા પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા.

નીટ-યુજીની પરીક્ષાના પ્રશ્નપત્રનો એક સેટ એસબીઆઇની શાખાઓમાં જ્યારે બીજો સેટ કેનેડા બેંકની શાખાઓમાં રાખવામાં આવ્યો હતો. એસબીઆઇ પાસે રખાયેલા પ્રશ્નપત્રના સેટમાં કોઇ ભુલ કે લીકની સ્થિતિ ઉભી થાય તો તેવા સંજોગોમાં પરીક્ષા પર કોઇ અસર ના થાય તે માટે એક સેટ કેનેડા બેંકની શાખાઓમાં બેકઅપ માટે રાખવામાં આવ્યો હતો. એટલે કે બેકઅપ માટે રાખવામાં આવેલા સેટનો ઉપયોગ કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં કરવામાં આવ્યો. આ અંગે સુપ્રીમ કોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો. 

દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જેબી પારડીવાલા, ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેંચે એનટીએના જવાબની નોંધ લીધી અને બાદમાં આ ગડબડ અંગે વિસ્તૃત માહિતી આપવા આદેશ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશે સવાલ કર્યો હતો કે અમને એ જણાવો કે કેટલા કેન્દ્રો પર કેનેડા બેંકમાં રખાયેલા પેપરના સેટનો ઉપયોગ થયો હતો, જે કેન્દ્રો પર કેનેડા બેંકના પેપરનો ઉપયોગ થયો ત્યાં બાદમાં તેને બદલવામાં આવ્યા હતા અને મુળ પેપર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા? આવા કેન્દ્રો પર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના જવાબ કેવા હતા? જે વિદ્યાર્થીઓએ કેનેડા બેંકના પેપરથી પરીક્ષા આપી હતી તેમની ઉત્તરવહીનો ખુલાસો કેમ કરવામાં ના આવ્યો? કેનેડા બેંકને આ પેપર કેન્દ્રો પર પહોંચાડવાનું કોણે કહ્યું હતું? કોના પત્રના આધારે આ નિર્ણય બેંક દ્વારા લેવામાં આવ્યો હતો? 

નીટ-યુજી પેપર લીક બાદ બેંકના પેપર સેટ બદલાઇ જવાની સાથે પરીક્ષામાં પૂછાયેલા એક સવાલને લઇને પણ વિવાદ સામે આવ્યો હતો, પેપરના એક પ્રશ્ન (નંબર ૧૯)ને લઇને પણ સુપ્રીમ કોર્ટે એક આદેશ જારી કર્યો છે, સુપ્રીમ કોર્ટે આ પ્રશ્નની નોંધ લેતા કહ્યું હતું કે ચાર વિકલ્પો હતા, જેમાં એકની પસંદગી કરવાની હતી, આ એક સવાલને લઇને ઉભા થયેલા સવાલોના જવાબ શોધવા અમે આઇઆઇટી દિલ્હીને કામ સોંપી રહ્યા છીએ, સંસ્થાએ પોતાનો અભિપ્રાય ૨૩મી તારીખે બહોરે ૧૨ વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટના રજિટ્રાર જનરલ સમક્ષ રજુ કરવાનો રહેશે.  હાલમાં આ મામલે સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી, હવે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એનટીએ અને કેન્દ્ર સરકાર પોતાના જવાબ રજુ કરશે.