દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. જેમાં યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની શુક્રવારે એક બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવો નિર્ણય એ છે કે હવે વિદ્યાર્થીઓ ડીયુમાં એક સાથે બે ડિગ્રી મેળવી શકશે.
ડીયુમાં યુજી લેવલ પર રશિયન પ્રોગ્રામનો સમાવેશ
12 જુલાઈએ કુલપતિ પ્રો. યોગેશ સિંહની અધ્યક્ષતામાં એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં યુજીસીએફ 2022 ના આધારે આર્ટસ ફેકલ્ટીના સ્લેવોનિક અને ફિન્નો-યુગ્રિયન સ્ટડીઝ વિભાગ હેઠળ બીએ (ઓનર્સ) માં રશિયન ભાષાના અભ્યાસક્રમને પણ મંજૂરી આપવામાં આવી છે. યુજી સ્તરે ડીયુમાં પ્રથમ વખત રશિયન પ્રોગ્રામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા માત્ર પીજીમાં ભણાવવામાં આવતો આ કાર્યક્રમ હવે યુજીમાં 2024-2025ના શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે.
ડ્યુઅલ ડિગ્રીના પ્રસ્તાવને 2023માં મંજૂરી મળી હતી
એકેડેમિક કાઉન્સિલ દ્વારા ડિસેમ્બર 2023માં ડ્યુઅલ ડિગ્રી અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ દરખાસ્ત હેઠળ નવી સિસ્ટમ મુજબ વિદ્યાર્થીઓ એક જ સમયે એક ડિગ્રી રેગ્યુલર કોર્સથી તો બીજી ડિગ્રી સ્કૂલ ઓફ ઓપન લર્નિંગથી લઈ શકશે.
ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીઓ ક્રાઈમ સીનની મુલાકાત લઈ શકશે
એકેડેમિક કાઉન્સિલે માનવશાસ્ત્ર વિભાગની ભલામણો પર M.Sc ના ચોથા સેમેસ્ટરના કોર્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં હવે એમએસસી ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનના માધ્યમથી ક્રાઈમ સીનની પણ મુલાકાત લઈ શકશે.
આ ઉપરાંત પ્રોજેક્ટ રિપોર્ટના કોર્સમાં ફેરફાર કરીને કોર્ટરૂમ અને કેસ એથનોગ્રાફી પર પ્રોજેક્ટ રિપોર્ટ સામેલ કરવામાં આવ્યું છે. તેમજ ટ્રેનિંગના બદલે હવે ટ્રેનિંગ ઇન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝને કોર્સમાં સામેલ કરવામાં આવ્યું છે.