ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક નદી પાસે કંઈક બન્યું છે અને એને લીધે આ બાળક અત્યંત ગભરાઈ ગયો છે એનો ખ્યાલ આવ્યો એટલે આખું ટોળું નદી તરફ દોડયું.

માધવ-આદિત્યની લાશ

આશિષ

આદિત્ય

માધવ

મંગલ

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…મા એ મા, બીજા વગડાના વા…માતાનો ખોળો એટલે સંસારના તમામ સુખનો સરવાળો..મા એટલે વહાલ તણો વરસાદ…આ બધી પંક્તિઓ આજની ક્રાઈમકથા વાંચી લીધા પછી સાવ અલગ લાગશે.

ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લાના વડા મથક ઔરૈયા શહેરથી અગિયાર કિલોમીટર દૂર કેશમપુર ગામ આવેલું છે. ત્યાં વહેતી સેંગુર નદી બારેય માસ બે કાંઠે વહેતી હોય છે. ગામલોકોએ નહાવા-ધોવા માટે જે ઘાટ બનાવ્યો છે એનું નામ તાલેપુર ઘાટ.  ગુરૂવાર, તારીખ ૨૭-૬-૨૦૨૪ સવારે આઠ વાગ્યે કેશમપુર ગામના સત્યેન્દ્રસિંહ નામના સજ્જન તાલેપુર ઘાટ જઈ રહ્યા હતા ત્યારે ઘાટ તરફથી દોડીને આવી રહેલા આઠેક વર્ષના બાળકને જોઈને એ ચમક્યા. એ બાળકના ભીના શરીર ઉપર એકેય કપડું નહોતું, હાંફી રહેલા એ બાળકનું શરીર ધૂ્રજી રહ્યું હતું અને ચહેરા પર ભયાનક ગભરાટ હતો!

સત્યેન્દ્રસિંહે જોયું કે ત્રીસેક વર્ષની એક યુવતી ઝડપથી પગ ઉપાડીને એ બાળકની પાછળ આવી રહી હતી અને થોડે દૂર બત્રીસેક વર્ષનો યુવાન પણ ઊભો હતો. સત્યેન્દ્રસિંહને જોઈને એ યુવતી પાછી નદી તરફ દોડી અને પેલો યુવાન પણ એની પાછળ ગયો. આ દરમ્યાન પેલો નાગડો બાળક તો ગામ તરફ દોડતો જ રહ્યો હતો. આખી ઘટના વિચિત્ર લાગી એટલે સત્યેન્દ્રસિંહ પણ એ બાળકની સાથે ગામ તરફ દોડયા.

ગામના પંદરેક માણસો ચોરા પાસે ઊભા હતા. એ બાળક ત્યાં પહોંચ્યો એટલે એ બધા આશ્ચર્યથી એની સામે તાકી રહ્યા. ગભરાયેલો એ બાળક હાંફતોહાંફતો એક ઓટલા પર ફસડાઈ પડયો. એ ધૂ્રજતો હતો. ગામલોકો એની સામે જોઈ રહ્યા હતા. સત્યેન્દ્રસિંહ ત્યાં આવી ગયા. એ બાળકની હાલત જોઈને એક માણસે ઘરમાંથી પાણી લાવીને પ્યાલો બાળકના હાથમાં આપ્યો. પાણી આપીને એણે પૂછયું કે અલ્યા, આટલો બધો ગભરાટ શાનો છે? શું થયું છે?

પાણી પીધા પછી પણ એ બાળકમાં બોલવાના હોશ નહોતા. કંઈ જવાબ આપ્યા વગર ધૂ્રજતા શરીરે એણે નદી તરફ હાથ લંબાવ્યો. નદી પાસે કંઈક બન્યું છે અને એને લીધે આ બાળક અત્યંત ગભરાઈ ગયો છે એનો ખ્યાલ આવ્યો એટલે આખું ટોળું નદી તરફ દોડયું. એક યુવાને આ બાળકને પણ ખભે ઊંચકી લીધો હતો.

નદી પાસે પહોંચીને બધા ડઘાઈ ગયા. પાંચ અને છ વર્ષના બે બાળકની ત્યાં લાશ પડી હતી! આટલા બધા લોકોનો સાથ અને સહાનુભૂતિ મળી એટલે એ બાળકનો ગભરાટ લગીર ઓછો થયો હતો, પણ રડતો હતો. કોઈકે નજીકના ફફૂંદ પોલીસસ્ટેશને ફોન કરી દીધો હતો. અંદરોઅંદર ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

બાળક લગીર સ્વસ્થ થયો હોય એવું લાગ્યું એટલે લાશની સામે આંગળી ચીંધીને સત્યેન્દ્રસિંહે એ બાળકને પૂછયું. ”આ બંને કોણ છે?” ધૂ્રજતા અવાજે એ બાળકે કહ્યું. ”એ બંને મારા નાના ભાઈ છે.” આટલું કહીને એ ધૂ્રસકે ધૂ્રસકે રડવા લાગ્યો. એ દરમ્યાન બે બાળકની લાશની વાત ગામમાં પહોંચી ગઈ હોવાથી લોકોની ભીડ વધી ગઈ હતી. થોડી વારમાં પોલીસની જીપ ત્યાં આવી ગઈ. બે બાળકની હત્યા થયેલી લાશ નદી કાંઠેથી મળી એ જાણકારી મળી એટલે જિલ્લા પોલીસ વડા ચારૂ નિગમ પણ ત્યાં દોડી આવ્યા.

SP ચારૂ નિગમે અત્યંત કાળજીપૂર્વક બાજી સંભાળી લીધી અને બાળકને પોતાની પાસે બેસાડીને વહાલથી પૂછયું. ”તારું નામ શું છે, બેટા? તારા આ બે ભાઈની આવી દશા કોણે કરી? તું એને ઓળખે છે?” 

”મારું નામ સોનુ. સોનુ અવનીશ સરિતા.” ચારૂ નિગમની સહાનુભૂતિથી એ બાળક-સોનુએ હવે સ્વસ્થતાથી જાણકારી આપી.  ”મારી માએ મારા ત્રણેય નાના ભાઈને મારી નાખ્યા! મારી મા સાથે આશિષકાકો પણ હતો.” ધૂ્રજતા અવાજે આટલું કહીને એણે ઉમેર્યું.”હું જાણે મરી ગયો હોઉં એવો ઢોંગ કરીને થોડી વાર પડયો રહ્યો એટલે એ આઘી ખસી ગઈ અને હું દોડતો ભાગ્યો.” સત્યેન્દ્રસિંહ તરફ આંગળી ચીંધીને એણે કહ્યું.”મને મારી નાખવા માટે એ પાછળ તો દોડી પણ આ અંકલ આવી ગયા એટલે એ ભાગી ગઈ!” 

લાશ બે બાળકની હતી અને આ બાળકે એવું કહ્યું કે મારી માએ મારા ત્રણેય નાના ભાઈને મારી નાખ્યા, એટલે ચારૂ નિગમે ખાતરી કરવા પૂછયું. ”તારી મમ્મીએ ત્રણેય નાના ભાઈને મારી નાખ્યા?” ”સાચું કહું છું. ત્રણેયને મારી નાખ્યા.” સોનુએ બંને લાશ સામે જોઈને કહ્યું. ”આ આદિત્ય અને માધવ છે. સૌથી નાનો મંગલ તો બે વર્ષનો ટેણિયો જ છે. એને તો સૌથી પહેલા ગળું દાબીને મારી માએ નદીમાં ફેંકી દીધો હતો!” 

સગી જનેતાએ આવું કામ કર્યું છે એ સાંભળીને લોકોની ભીડ સ્તબ્ધ હતી. ચારૂ નિગમે ઈન્સ્પેક્ટરને સૂચના આપી કે ત્રીજી લાશ શોધી કાઢો. ઈન્સ્પેક્ટરે ઈશારો કર્યો એટલે બે કોન્સ્ટેબલ નદીમાં કૂદી પડયા. ચાલીસ મિનિટની મહેનત પછી એમણે નાનકડા મંગલની લાશ પણ ખોળી કાઢી. એ લાશ જોઈને સોનુએ ફરીથી રડવાનું ચાલુ કરી દીધું.

જેમ જેમ ખબર ફેલાઈ એમ નદી કિનારે ભીડ વધી ગઈ. સોનુની કાકી-ગીતાકાકી આવી એટલે સોનુ એમને વળગીને રડવા લાગ્યો. પોલીસે ગીતાને પૂછયું એટલે એણે કહ્યું કે હું તો થોડે દૂરના ગામમાં રહું છું. સવારે સાડા સાત વાગ્યે આ બધા છોકરાની મા- મારી દેરાણી પ્રિયંકાનો ફોન આવ્યો કે આશિષ દારૂ પીને મારી સાથે ઝઘડા કરે છે, એટલે હું મરવા માટે તાલેપુર ઘાટ જાઉં છું, તમે તાત્કાલિક ત્યાં પહોંચો. એ ડાકણ તો મરે એવી નથી, પણ આ છોકરાઓને મારી નાખ્યા પછી એમની લાશનો વહીવટ કોણ કરે? એટલે એણે મને અહીં બોલાવી લીધી!

પ્રિયંકા ક્યાં રહે છે? એવું પોલીસે પૂછયું એટલે ગીતાકાકીએ પ્રિયંકાનું ઔરૈયાનું સરનામું આપ્યું અને પોલીસની જીપ ત્યાં પહોંચી ગઈ. સોનુ હવે ગીતાકાકીને વળગીને ઊભો હતો. સમાચાર જાણીને સોનુની બે ફૈબાઓ આરતી અને જ્યોતિ પણ ત્યાં દોડી આવી હતી. ગીતાકાકી, આરતી અને જ્યોતિફૈબાએ સોનુને સંભાળી લીધો હતો. પંચનામું કરીને પોલીસે ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

પ્રિયંકાની ધરપકડ પછી આકરી પૂછપરછમાં એ ભાંગી પડી. ગીતા, જ્યોતિ અને આરતીએ પણ પોલીસને ઘણી જાણકારી આપી હતી. પ્રિયંકાની કબૂલાત અને મળેલી જાણકારીના આધારે પોલીસે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સમાં બંને આરોપીઓને રજૂ કરીને વિગતવાર માહિતી આપી. પ્રેસ કોન્ફરન્સમાં કાકી અને બંને ફૈબાઓ સાથે સોનુ પણ હાજર હતો.

વીસ વર્ષની પ્રિયંકાના ઈ.સ. ૨૦૧૪ માં લુહિયા ગામના અવનીશ સરિતા સાથે લગ્ન થયા હતા. અવનીશને પોતાનો વારસાગત હજામનો ધંધો કરવામાં રસ નહોતો એટલે એણે એક ફેક્ટરીમાં નોકરી સ્વીકારી લીધી હતી. અવનીશ-પ્રિયંકાનું લગ્નજીવન સુખી હતું. લગ્નના આઠ વર્ષમાં પ્રિયંકા ચાર પુત્રોની માતા બની ચૂકી હતી. અવનીશ, એની માતા, પ્રિયંકા અને ચાર પુત્રો-બધાય સાથે રહીને સુખેથી જીવતા હતા. સૌથી નાનો પુત્ર મંગલ માંડ એકાદ મહિનાનો હતો ત્યારે ઈ.સ. ૨૦૨૨ ના મે મહિનામાં અવનીશ જ્યાં નોકરી કરતો હતો ત્યાં કોઈની ભૂલને લીધે અવનીશને ઈલેક્ટ્રિક કરન્ટ લાગ્યો. અવનીશ બે મિનિટ તરફડીને ત્યાં જ મરી ગયો! એ પછી એના શેઠે વળતર પેટે ચારેક લાખ રૂપિયા આપેલા હતા. એ પૈસાને લીધે પણ સાસુ-વહુ વચ્ચે વિવાદ થતો હતો.

અવનીશના કાકાનો દીકરો આશિષ ઔરૈયામાં રહેતો હતો. બત્રીસ વર્ષનો આશિષ ઔરૈયાના એક સલૂનમાં નોકરી કરતો હતો. એની આવકના ઠેકાણા નહોતા એટલે એને કોઈ કન્યા મળી નહોતી. અવનીશના અવસાન પછી એ વારંવાર અહીં આવવા લાગ્યો અને એમાં ધીરે ધીરે આશિષ અને પ્રિયંકા વચ્ચે પ્રેમ થઈ ગયો. પતિને ગૂમાવ્યા પછી પ્રિયંકાને કોઈકના સહારાની જરૂર હતી અને આટલા વર્ષ સુધી કુંવારા રહેલા આશિષને પ્રિયંકા ગમી ગઈ. એ બંને વચ્ચે વધેલો સંબંધ જોઈને અમુક લોકોએ તો અવનીશના આકસ્મિક મરણને પણ શંકાસ્પદ ગણાવ્યું!

અવનીશના ભાઈ અને બહેનોએ પ્રિયંકાને બાળકો સાથે  સાસરામાં જ રહેવાની સલાહ આપેલી, અને એ માટે એ લોકો આગ્રહ પણ કરતા હતા, પરંતુ આશિષ સાથેનો પ્રેમસંબંધ ગાઢ બન્યા પછી પ્રિયંકા સાસરીમાં રહીને લોકોની ટીકાનો ભોગ બનવા નહોતી માગતી. એ મુદ્દે ઘરમાં ઝઘડા પણ થતા હતા. અવનીશના અવસાનના આઠેક મહિના પછી એ ઝઘડાઓ ખૂબ વધી ગયા, એટલે ચારેય બાળકોને લઈને પ્રિયંકા પોતાને પિયર બરૌના પહોંચી ગઈ!

પ્રિયંકાના પિયરમાં ભાઈઓની આર્થિક સ્થિતિ સાધારણ હતી. એના ભાઈઓને તો બહેન – ભાણિયાઓની ચાર રોટલી ભારે નહોતી પડતી, પરંતુ વિધવા નણંદ પોતાના ચાર પુત્રો સાથે આવીને માથે પડી હતી એ ભાભીઓને કઈ રીતે ગમે? એમાં પણ ઔરૈયાથી આશિષ પણ વારંવાર પ્રિયંકાને મળવા આવતો હતો એ ભાભીઓને ખૂંચતું હતું. ભાભીઓને એમના પરિવારની આબરૂની ચિંતા હતી. એમણે પ્રિયંકાને તાકીદ કરી કે તમે રહો છો, એ ઠીક છે, પણ તમારો દિયર આશિષ અહીં આંટાફેરા મારે છે, એની ગામમાં ચર્ચા થાય છે. તમે એને આવવાની ના પાડી દો.

આશિષના પ્રેમમાં પાગલ બનેલી પ્રિયંકા ભાભીઓની કચકચથી કંટાળી ગઈ. આ મુદ્દે વિવાદ વકરી ગયા પછી ઝઘડા શરૂ થયા. પ્રિયંકાને લાગ્યું કે હવે આશિષ વગર રહેવાશે જ નહીં , એટલે એપ્રિલ,૨૦૨૪ ના છેલ્લા અઠવાડિયામાં પોતાના ચારેય બાળકોને લઈને પ્રિયંકા ઔરૈયામાં આશિષના ઘેર આવી ગઈ! પોતાને ટેકો રહે અને બાળકો સચવાય એ માટે પ્રિયંકાએ પોતાની સાસુને પણ સાથે રહેવા માટે બોલાવી લીધા.

ઔરૈયામાં ભાડાના ઘરમાં રહેતો આશિષ દારૂના રવાડે ચડી ગયો હતો. સલૂનની એની નોકરી પણ કાયમી નહોતી. પ્રિયંકાની સાસુએ અહીં આવીને ઘરની હાલત જોઈ અને થોડી ઘણી આર્થિક મદદ થાય, એ માટે લોકોના ઘરમાં કપડાં-વાસણ અને કચરાપોતાનું કામ શરૂ કરી દીધું. ગમે તેમ તોય આશિષ અવનીશના કાકાનો દીકરો જ છેને-એમ માનીને પ્રિયંકા અને આશિષના સંબંધને પણ એમણે નાછૂટકે સ્વીકારી લીધો હતો.

આવી રીતે પ્રિયંકા ચારેય દીકરાઓને લઈને પોતાની પાસે આવી જશે એવી આશિષની ધારણા નહોતી. એને તો પ્રિયંકામાં-પ્રિયંકાના શરીરમાં જ રસ હતો. આ ચાર દીકરાઓનો આર્થિક બોજ ઉઠાવવાની એની શક્તિ નહોતી અને વૃત્તિ પણ નહોતી! એણે પ્રિયંકાને કહી દીધું કે તને રાખવા માટે હું તૈયાર છું, પણ આ ચારેય બચ્ચાંઓને પાલવવાની મારી તાકાત નથી. તું તારા પિયરમાં મૂકી આવ.

પોતે પિયરમાં ઝઘડીને અહીં આવેલી એટલે આશિષની આ સલાહ પ્રિયંકાને મંજૂર નહોતી. દારૂની આદતને લીધે આશિષની વારંવાર નોકરી પણ છૂટી જતી હતી. પ્રિયંકાને એ ભરપૂર પ્રેમ આપતો હતો પરંતુ બાળકોનો બોજો ઉઠાવવા એ તૈયાર નહોતો. આ મુદ્દે હવે આશિષ-પ્રિયંકા વચ્ચે ચડભડ થવા લાગી હતી. વાસનામાં અંધ બનેલી પ્રિયંકા એટલે હદે પરવશ થઈ ચૂકી હતી કે હવે આશિષ વગર એ એક દિવસ પણ રહી શકતી નહોતી. બાળકોને પિયર મૂકી આવવા માટે આશિષનું દબાણ વધતું જતું હતું, પણ પ્રિયંકા ના પાડતી હતી. આર્થિક અવદશાથી ત્રાસેલા આશિષે એક દિવસ સખ્તાઈથી પ્રિયંકાને કહ્યું કે તારે તારા દીકરાઓને પિયરમાં ના મૂકવા હોય તો એમને મારી નાખ-એ પછી આપણે બંને જલસાથી જીવીશું! હવસમાં હેવાન બનેલી જનેતાએ આશિકની વાત સ્વીકારી લીધી! હવે એ બંને એ માટેનો પ્લાન વિચારી રહ્યા હતા.

તારીખ ૨૧-૬-૨૪ ના દિવસે વ્રતની પૂનમ હોવાથી પાડોશી સ્ત્રીઓ રિક્ષા કરીને કેશમપુર ગામમાં સેંગુર નદીમાં સ્નાન કરવા જતી હતી. પ્રિયંકા એમની સાથે જોડાઈ ગઈ. ત્યાં નદી અને તાલેપુર ઘાટ જોઈને એણે પ્લાન વિચારી લીધો.

ઘેનની દવા ભેળવીને આશિષે ક્રીમવાળા બિસ્કિટ તૈયાર રાખ્યા હતા અને એક રિક્ષાવાળાને સવારે પોણા સાત વાગ્યે ઘેર આવવાનું કહી દીધું હતું. પ્રિયંકાએ સાસુને કહ્યું કે સવારે છોકરાઓને લઈને હું બે દિવસ મારા પિયર જવાની છું.

તારીખ ૨૭-૬-૨૦૨૪ સવારે ચારેય બાળકો હોંશે હોંશે રિક્ષામાં ગોઠવાઈ ગયા. આશિષે ચારેયને ઘેનવાળા બિસ્કીટ આપી દીધા. કેશમપુર પહોંચીને રીક્ષાવાળાને વિદાય કરી દીધો. બધા તાલેપુર ઘાટ પાસે પહોંચ્યા ત્યારે માધવ, આદિત્ય અને મંગલને ઘેનની અસર થઈ ચૂકી હતી. સોનુને ક્રીમવાળા બિસ્કિટ ભાવતા નહોતા એટલે એણે એના ભાગના બિસ્કિટ નાના ભાઈઓને વહેંચી દીધા હતા.

નવ મહિના સુધી પેટમાં જેનો ભાર વેંઢાર્યો હતો અને પોતાની છાતીનું દૂધ પીવડાવીને જેમને મોટા કર્યા હતા, એ ચારેયને અત્યારે મારી નાખવા માટે જનેતા તત્પર હતી. પ્રિયંકાએ સૌથી પહેલા નાનકડા મંગલની ગરદન ભીંસી નાખી અને નદીમાં પધરાવી દીધો! એ પછી માધવની ગરદન ઉપર ભીંસ વધારી અને એનું માથું પાણીમાં ડૂબાડીને એના શ્વાસ અટકી ગયા ત્યાં સુધી માથું પાણીમાં જ રાખ્યું! આદિત્યને પણ એ જ રીતે મારી નાખ્યો. એ દરમ્યાન આશિષ ઊભો રહીને ચારે તરફ નજર રાખી રહ્યો હતો. સોનુ હબકી ગયો હતો. કાકા અને માતાના હાથમાંથી પોતાના ભાઈઓને બચાવવાની તો એની તાકાત નહોતી, પરંતુ પોતાનો જીવ બચાવવાની તો આવડત હતી. માતાએ એની ગરદન દબાવીને પાણીમાં ડૂબાડયો એ જ વખતે જાણે મરી ગયો હોય એમ આંખો બંધ કરીને ચત્તોપાટ સૂઈ રહ્યો. આશિષને ખુશખબર કહેવા માટે પ્રિયંકા એની તરફ વળી એ જ વખતે સોનુ ઊભો થઈને ભાગ્યો. પ્રિયંકા એને પકડવા મથી, એ ઝપાઝપીમાં સોનુના કપડાં નીકળી ગયાં પણ એ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો! એ જ સમયે સત્યેન્દ્રસિંહ સામેથી આવ્યા અને સોનુ બચી ગયો. સોનુની બંને ફૈબાઓએ સોનુની જવાબદારી સ્વીકારી લીધી છે.

– આ આખી વાત કહીને SP ચારૂ નિગમે જાણકારી આપી કે પ્રિયંકા અને આશિષ ઉપર  IPC 302,307 અને 120 બી હેઠળ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે. 

બે લેડી કોન્સ્ટેબલ વચ્ચે પ્રિયંકા નીચું જોઈને જ ઊભી હતી. સોનુ એકીટશે માતા સામે તાકી રહ્યો હતો. ચારૂ નિગમે પ્રિયંકાને કહ્યું કે જતા અગાઉ એક વાર તારા બચી ગયેલા દીકરાની સામે તો નજર કર, પણ સોનુ સામે નજર કર્યા વગર જ પ્રિયંકા લેડી કોન્સ્ટેબલ સાથે રવાના થઈ ગઈ!