ચન્દ્ર પર નીલ આર્મસ્ટ્રોંગ ઉતર્યો ત્યારે તેની ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા?  અવકાશયાત્રીઓની ચન્દ્ર યાત્રાની ગણતરીઓ સરળ બનશે. પૃથ્વીની સરખામણીમાં ચન્દ્ર પર સમય 57.50 માઇક્રોસેકન્ડ વધારે ઝડપથી પસાર થાય છે.

૨૧ જુલાઇ ૧૯૬૯ના રોજ અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચન્દ્ર પર પ્રથમ માનવડગ માંડયુ ત્યારે પૃથ્વીના સ્ટાન્ડર્ડ યુનિવર્સલ ટાઇમ પ્રમાણે  વહેલી પરોઢે બે વાગીને છપ્પન  મિનિટ થઇ હતી. પણ નીલ માટે ખરેખર કેટલા વાગ્યા હતા?  આ સવાલનો કોઇ નિશ્ચિત  જવાબ મળ્યો નથી. પણ હવે નાસાના વિજ્ઞાનીઓએ પૃથ્વીની સરખામણીમાં ચન્દ્ર પર કેટલી વધારે ઝડપથી સમય પસાર થાય છે તેની ગણતરી કરી નાંખી છે. નાસાના વિજ્ઞાનીઓએ કરેલી ગણતરી અનુસાર ચન્દ્ર પર પૃથ્વીની સરખામણીમાં ૫૭.૫૦ માઇક્રોસેકન્ડ વધારે ઝડપથી સમય પસાર થાય છે. 

કેલિફોર્નિયા ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી ખાતે નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં કામ કરતાં ભૌતિકશાસ્ત્રીઓની ટીમે કરેલાં આ સંશોધનને એઆરએક્સફોર પ્રિપ્રિન્ટ સર્વર પર મુકવામાં આવ્યું છે. નાસાના વિજ્ઞાનીઓએ કરેલી આ શોધ લુનાર કોઓર્ડિનેટેડ ટાઇમ-એલટીસી-ની સ્થાપના કરવા માટે મહત્વનું પગલું પુરવાર થશે. યુએસ ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી દ્વારા એલટીસી સ્થાપવા માટે ૨૦૨૬ની સમયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે. પૃથ્વી પર જેમ યુનિવર્સલ કોઓર્ડિનેટેડ ટાઇમ-યુટીસી છે તેમ હવે ચન્દ્ર પર એલટીસી નક્કી કરાશે. ચન્દ્ર પર ભવિષ્યમાં થનારી માનવ પ્રવૃત્તિઓનું સંકલન કરવા માટે ચન્દ્ર સમય એક મહત્વનું પરિબળ છે. નાસાના વિજ્ઞાનીઓએ આ અભ્યાસમાં જણાવ્યું છે કે સર્વસ્વીકૃત ચન્દ્ર સમય નક્કી થાય તો લેન્ડર, રોવર અને ઓર્બિટરના તમામ એકમો વચ્ચે સંકલન સાધવામાં સરળતા રહે. ચન્દ્ર સમય નક્કી થવાને પગલે પૃથ્વી અને ચન્દ્ર વચ્ચે સંચાર વ્યવસ્થા સ્થાપવામાં પણ ચોકસાઇપૂર્વક સમય નક્કી કરવામાં સરળતા રહેશે. 

નાસા મિશન આર્મિટિસ દ્વારા ચન્દ્ર પર ફરી માનવ ઉતારવા માંગે છે. તો ચીને તેના આગવા સ્પેસ સ્ટેશન મારફતે ચન્દ્ર પર ચડાઇ કરવાનું આયોજન કર્યું છે. ભારતનું ચન્દ્રયાન  મિશનપણ સજ્જ થઇ રહ્યું છે. ઓગસ્ટ ૨૦૨૨માં દક્ષિણ કોરિયાએ પણ સ્પેસ એક્સ રોકેટ મારફતે તેના લુનાર યાન દાનુરીને અવકાશમાં મોકલી આપ્યું છે. આમ, ચન્દ્ર વિશે જ્યારે આટલી બધી ગતિવિધિ ચાલી રહી હોય ત્યારે ચન્દ્રનો એકસમાન સમય નક્કી કરવામાં જ ડહાપણ રહેલું છે તે સ્પેસ એજન્સીઓને સમજાઇ ચૂક્યુ છે. નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી સ્ટિવ સ્મિથે ભારતના ચન્દ્રયાન-૩ મિશનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ભારતે ચન્દ્રના દક્ષિણ ધુ્રવ વિસ્તારમાં સફળતાપૂર્વક અવકાશયાન ઉતારી સમગ્ર દુનિયાને ચક્તિ કરી નાંખી હતી. રશિયા, જાપાન અને અમેરિકાના વિજ્ઞાનીઓ ભારતની આ સિદ્ધિથી દંગ થઇ ગયા હતા.