ડિજિટલ ઇન્ડિયામાં સાઇબર ફ્રોડમાં સતત વધારો : છેતરપિંડીની રકમ કેટલાક રાજ્યોના બજેટ કરતાં વધુ નેશનલ સાઇબર ક્રાઇમ પોર્ટલને પાંચ વર્ષમાં કુલ ૩૧ લાખ ફરિયાદ મળી : ધરપકડનું નીચું પ્રમાણ ચિંતાજનક.

ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા સાઇબર ક્રાઇમના લીધે સામાન્ય લોકોને થયેલું નુકસાન રુ. ૨૫,૦૦૦ કરોડને પણ વટાવી ગયું છે. આ રકમ કેટલાક રાજ્યોના વાર્ષિક બજેટ જેટલી થાય છે, જ્યારે સિક્કિમ જેવા રાજ્યના તો બજેટ કરતાં પણ બમણી રકમ થાય છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહ મંત્રાલય અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય વિવિધ સોશિયલ મીડિયા ઇન્ટરમીડિઅરીઝ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ગૂગલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

આ બેઠકમાં તે વાતની સમીક્ષા કરવામાં આવી હતી કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન લગભગ ૨૫,૦૦૦ કરોડ રુપિયાના સાઇબર ફ્રોડ થઈ ચૂક્યા છે. ગયા વર્ષે જ દૈનિક ધોરણે ૨૭ સાઇબર ફ્રોડની એફઆઇઆર નોંધાઈ હતી. વાસ્તવમાં આ આંકડો થયેલા સાઇબર ફ્રોડની સામે કેસ નોંધાયો હોય તેવા સાઇબર ફ્રોડ વચ્ચે તુલના કરીએ તો ઘણો ઓછો લાગે છે. આ આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી ૨૦૨૪થી જુન ૨૦૨૪ સુધી સેન્ટ્રલ સાઇબર ફ્રોડ એજન્સીએ ૭૯૯ એવી ફરિયાદ મેળવી હતી જેમા પીડિતે એક કરોડ રુપિયા કરતાં વધુ રકમ ગુમાવી હતી. આમ એક કરોડથી વધુ રકમ ગુમાવતી ફરિયાદો અને તેની રકમનો કુલ સરવાળો જ રુ. ૧,૪૨૧ કરોડ થાય છે. 

બેઠકમાં હાજર રહેલા વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર તે પ્રણાલિ પર કામ કરી રહી છે જે મુજબ માહિતીનો પ્રવાહ અત્યંત ઝડપી હોય. હાલમાં તો કંપનીઓ પ્રારંભિક તબક્કામાં વિવિધ પ્રકારની વિગતો માંગે છે. તેના લીધે સાઇબર ફ્રોડને અટકાવવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે. ફ્રોડસ્ટર્સ પીડિતોને સરળથી છટકામાં સપડાવવા માટે સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરે છે. તાજેતરના ભૂતકાળમાં એઇમ્સ પર થયેલો સાઇબર એટેક લોન લેન્ડિંગ એપના સંદર્ભમાં વિશ્વનો સૌથી મોટો ડેટા લીક મનાય છે. નેશનલ સાઇબર ક્રાઇમ પોર્ટલ (એનસીઆરપી)ને ૨૦૨૦થી ફેબુ્રઆરી ૨૦૨૪  દરમિયાન ૩૧ લાખ ફરિયાદો મળી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે સાઇબર ફ્રોડના કિસ્સામાં ચિંતાજનક બાબત એ છે કે તેમા ધરપકડનું પ્રમાણ અત્યંત ઓછું છે.