એનસીઈઆરટીના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ચોથી વખત સુધારો.અયોધ્યાનું પ્રકરણ ચાર પાનાથી ઘટાડી બે પાના કરાયું પહેલી વખત રામજન્મભૂમિનો સંદર્ભ લેવાયો, સુપ્રીમનો ચૂકાદો ઉમેરાયો.જૂના પુસ્તકમાં બાબરી મસ્જિદના ઉલ્લેખને નવા પુસ્તકમાં ‘ત્રણ ગુંબજનું માળખું’ ગણાવાયું.
દેશભરની ૩૦,૦૦૦થી વધુ સ્કૂલોમાં ભણાવવામાં આવતા એનસીઈઆરટીના પુસ્તકોમાં સુધારાના ભાગરૂપે ધોરણ-૧૨ના નવા પુસ્તકમાંથી ભગવાન રામથી લઈને બાબરી મસ્જિદ, રથયાત્રા, કારસેવા, વિધ્વંસ અને ત્યાર પછીની હિંસા અંગેની વિગતો હટાવી દેવાઈ છે. ધોરણ-૧૨ના પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાં અનેક મોટાફેરફાર કરતા બાબરી મસ્જિદની માહિતી હટાવવા અને ‘અયોધ્યા વિવાદ’ને ‘અયોધ્યા મુદ્દો’ તરીકે લખવાની વિગતો સામે આવી છે. દેશમાં શિક્ષણના ભગવાકરણના આક્ષેપો ફગાવતા એનસીઈઆરટીના વડાનું કહેવું છે કે સ્કૂલોમાં રમખાણો અને વિધ્વંસ અંગે ભણાવવાની કોઈ જરૂર નથી.એનસીઈઆરટીના ધોરણ-૧૨ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ‘ભગવાન રામનું જન્મ સ્થળ મનાય છે’નો સંદર્ભ બદલીને ‘શ્રી રામના જન્મ સ્થળ, સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાંથી એક અને તેના કાયદાકીય માલિકી અંગે વિવાદ સામેલ હતા’ તેમ કરી દેવાયું છે. બાબરી મસ્જિદના નામના બદલે પુસ્તકમાં તેને માત્ર ‘ત્રણ ગુંબજવાળુ માળખુ’ તરીકે ભણાવાશે.
આ સિવાય નવા પુસ્તકમાં અયોધ્યા અંગેનું પ્રકરણ ચાર પાનાથી ઘટાડીને બે પાનાનું કરી દેવાયું છે. તેમાં ભાજપની સોમનાથથી અયોધ્યાની રથ યાત્રા, કાર સેવકોની ભૂમિકા, બાબરી મસ્જિદ તોડી પાડયા પછી થયેલી હિંસા, રાષ્ટ્રપતિ શાસન અને અયોધ્યામાં થયેલી હિંસા અંગે ભાજપે ખેદ વ્યક્ત કર્યો હતો તે વાતોનો સમાવેશ કરાયો છે. આ પુસ્તકમાં પહેલી વખત અયોધ્યા અંગે રામ જન્મભૂમિનો સંદર્ભ લવાયો છે કારણ કે ‘ભગવાન રામ’ને બદલીને ‘શ્રી રામ’ કરાયું છે. વર્ષ ૨૦૧૪ પછી એનસીઆરટી પુસ્તકમાં આ ચોથી વખત સંશોધન કરાયું છે, જે નવીનતમ રાજકારણના વિકાસના આધારે અપડેટને દર્શાવે છે. નવું પુસ્તક ૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્ર માટે લાગુ કરાશે, જેનો આશય શૈક્ષણિક સામગ્રીને સમકાલીન રાજકીય ઘટનાઓ સાથે જોડવાનો છે.
જૂના પુસ્તકમાં જણાવાયું હતું કે, ૧૬મી સદીમાં મુઘલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બાકીએ બાબરી મસ્જિદ બનાવી હતી. જોકે, હવે આ પ્રકરણમાં જણાવાયું છે કે ૧૫૨૮માં શ્રી રામના જન્મસ્થળ પર ત્રણ ગુંબજવાળું માળખું બનાવી દેવાયું છે. જોકે, આ માળખામાં અનેક હિન્દુ ચિહ્નો બનેલા હતા. આ સિવાય નવા પુસ્તકમાં અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સમાવેશ કરાયો છે. તેમાં જણાવાયું છે કે ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ચૂકાદો સંભળાવ્યો હતો કે, આ જમીન રામ મંદિરની છે.જૂના પુસ્તકમાં કેટલાક અખબારોના કટિંગની તસવીરો લગાવાઈ હતી, જેમાં બાબરી તોડી પડાયા પછી કલ્યાણ સિંહ સરકારને હટાવવાનો આદેશ અપાયો હતો. આ તસવીરો હવે હટાવી દેવાઈ છે.
સ્કૂલોમાં રમખાણો અંગે શા માટે ભણાવવા એનસીઈઆરટીના વડા સકલાની
દેશની ટોચની શિક્ષણ સંસ્થા એનસીઈઆરટીએ તાજેતરમાં જ ધોરણ-૧૨ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં કરેલા ફેરફાર અંગે વિવાદ શરૂ થઈ ગયો છે. આવા સમયે એનસીઈઆરટીના પ્રમુખ દિનેશ પ્રસાદ સકલાનીએ સ્કૂલના અભ્યાસક્રમના ભગવાકરણના આક્ષેપો ફગાવી દીધા હતા. અભ્યાસક્રમમાંથી બાબરી મસ્જિદ વિધ્વંસ અથવા ત્યાર પછીના કોમી રમખાણોનો ઉલ્લેખ હટાવવા અંગે પૂછવામાં આવતા સકલાનીએ કહ્યું કે, આપણે સ્કૂલના અભ્યાસક્રમોમાં રમખાણો અંગે શા માટે ભણાવવું જોઈએ? આપણે લોકોને સકારાત્મક નાગરિક બનાવવા માગીએ છીએ. તેમણે કહ્યું કે, શું આપણે આપણા વિદ્યાર્થીઓને એવી રીતે ભણાવવા જોઈએ કે તે આક્રમક થઈ જાય, સમાજમાં નફરત પેદા કરે અથવા નફરતનો શિકાર બને? શું આ જ શિક્ષણનો આશય છે? આપણે નાના બાળકોને રમખાણો અંગે શા માટે ભણાવવું જોઈએ. તેઓ મોટા થઈ જશે તો પોતાની રીતે તે અંગે જાણી શકે છે.