એનડીએ પર વિશ્વાસ બદલ જનતા જનાર્દનનો આભાર : મોદી

ત્રીજા કાર્યકાળમાં મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખાશે.આ પળ ભાવુક કરનારી, પ્રથમ વખત માતા વગર ચૂંટણી લડયો, દેશની માતાઓ-બહેનોએ સાથ આપ્યો : વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે જનતાએ સતત ત્રીજી વખત એનડીએ પર વિશ્વાસ રાખ્યો છે. જે બદલ હું જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરું છું. સાથે જ મોદીએ ભાજપના કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ સાથે જ ઓડિશામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત અંગે ખુશી વ્યક્ત કરી હતી.

આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુનો પક્ષ સરકાર બનાવવા જઇ રહ્યો છે, મોદીએ ટ્વીટ કરીને ચંદ્રાબાબુ, પવન કલ્યાણને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશના વિકાસ માટે સાથે મળીને કામ કરીશું. નરેન્દ્ર મોદીએ સાંજે દિલ્હીમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા, તેમણે કહ્યું હતું કે દેશમાં ત્રીજી વખત એનડીએની સરકાર બનવા જઇ રહી છે, આ વિકસિત ભારતની જીત છે. આ જનાદેશના અનેક સ્વરુપ છે, ૧૯૬૨ બાદ પ્રથમ વખત એવુ બની રહ્યું છે કે કોઇ સરકાર પોતાના બે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ત્રીજી વખત સરકાર સત્તામાં પરત ફરી છે. 

વિપક્ષના ગઠબંધન ઇન્ડિયાને લઇને મોદીએ કહ્યું હતું કે પુરુ ગઠબંધન તમામ વિરોધીઓ મળીને એટલી બેઠક નથી જીતી શક્યા જેટલી ભાજપે જીતી છે. એનડીએના ત્રીજા કાર્યકાળમાં દેશમાં અનેક મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખવામાં આવશે. મોદીએ સાથે કહ્યું હતું કે આજની આ પળ મારા માટે ભાવુક કરનારી છે. મારા માતાના ગયા બાદ આ મારી પ્રથમ ચૂંટણી હતી, જોકે સાચુ માનીએ તો દેશની માતાઓ બહેનોએ માતાની ખામી પુરી કરી દીધી છે. હું જ્યાં પણ ગયો ત્યાં મને આશિર્વાદ મળ્યા છે. દેશમાં મહિલાઓએ વોટિંગના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે મને નવી પ્રેરણા આપી છે. આજનો આ વિજય વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો વિજય છે. ભારતના બંધારણ પર અટૂટ નિષ્ઠાની જીત છે. વિકસિત ભારતની પ્રતિજ્ઞાાની જીત છે. સૌનો સાથ સૌનો વિકાસ મંત્રની જીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *