યુએસ માર્કેટ્સ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ ગુરુવારે Ethereumને નાસડેક, સીબીઓઈ અને NYSE પર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ) લોન્ચ કરવા મંજૂરી આપી છે. જો કે, હજુ ટ્રેડિંગ મામલે નિર્ણય લેવાયો નથી. પરંતુ તે દિશામાં આ એક મહત્વનું પગલું ગણાઈ રહ્યું છે.
ઈથેરિયમ નવી વાર્ષિક ટોચ નજીક
ક્રિપ્ટો માર્કેટની ટોચની બીજી ક્રિપ્ટો કરન્સી ઈથેરિયમ આજે નવી વાર્ષિક ટોચ 4092.28 ડોલર નજીક પહોંચ્યો છે. આજે 3.68 ટકા ઉછાળા સાથે 3892.53 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા સાત દિવસમાં ઈથેરિયમ 26.61 ટકા ઉછળ્યો છે. ઈથેરિયમનુ ઓલટાઈમ હાઈ લેવલ 4891.70 ડોલર છે. છેલ્લા 24 કલાકમાં 150 ડોલર વધી 3936.70 ડોલર થયો હતો.
60 ટકા ઉછાળો નોંધાવાનો સંકેત
ક્રિપ્ટો માર્કેટમાં એવી અટકળો છે કે ETF મંજૂરીથી ETH (ઈથેરિયમ) ખરીદીમાં 60 ટકાની તેજી આવી શકે છે. 11 જાન્યુઆરીએ ETFએ ટ્રેડિંગ શરૂ કર્યાના બે અઠવાડિયા પછી બિટકોઇનના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતાં આ આગાહી કરવામાં આવી છે.
11 જાન્યુઆરીના રોજ ETF એ ટ્રેડિંગ શરૂ કર્યું તે પછીના બે સપ્તાહમાં બિટકોઇન $42,000થી વધી $73,000ની સપાટીએ પહોંચ્યો હતો. હવે, ક્રિપ્ટોકરન્સી ટ્રેડર્સ બિટકોઈનની સરખામણીમાં ETHમાં વધુ એક્સપોઝર મેળવી રહ્યા હોય તેવું લાગે છે.
SECએ માર્કેટમાં ગેરરીતિ અને સટ્ટાકીય તત્વોનું પ્રમાણ વધવાની ચિંતાઓને કારણે બિટકોઇન ઇટીએફ માટેની અરજી એક દાયકાથી વધુ સમયથી નકારી હતી. પરંતુ ગ્રેસ્કેલ ઇન્વેસ્ટમેન્ટ્સે ગયા વર્ષે કોર્ટમાં નામંજૂરીને પડકારવામાં જીત હાંસલ કરતાં મંજૂરી આપવાની ફરજ પડી હતી.