મોટાભાગના ભારતીયો લગ્ન પાછળ પોતાના જીવનભરની કમાણી ખર્ચ કરી દે છે. સમાજમાં દેખાદેખી, પરંપરાઓ નિભાવતાં મસમોટી રકમ લગ્ન પાછળ ખર્ચ કરે છે. જેમાં ઘણીવખત આકસ્મિક ઘટનાઓના કારણે લગ્ન માટે જમા કરેલી મૂડી ગુમાવતા હોવાના કિસ્સા પણ જોવા મળે છે. સીઆઈઆઈના આંકડા અનુસાર, દેશમાં આ વર્ષે 35 લાખ લગ્નો થવાના છે, જેમાં તેઓ રૂ. 4.25 લાખ કરોડનો ખર્ચ કરશે.

લગ્નમાં રહેતા જોખમો

લગ્ન પાછળ મોટી રકમનું રોકાણ કરવામાં આવે છે. પરંતુ તેમાં ઘણા જોખમો રહેલા છે. જેમ કે, લગ્ન રદ થવા, કુદરતી આપત્તિનો ભોગ બનવુ, ચોરી જેવી આક્સ્મિક ઘટનાઓ બનવી વગેરે…આ જોખમો સામે રક્ષણ મેળવવા ઘણી કંપનીઓ વેડિંગ ઈન્સ્યોરન્સ (લગ્ન વીમો) આપી રહી છે. જે એક પ્રકારના સુરક્ષા કવચની જેમ કામ કરશે. જેનું પ્રીમિયમ આયોજનની ક્ષમતાના આધારે થાય છે.

શું કવરેજ મળશે

જો કોઈ કારણોસર લગ્ન રદ થાય અથવા તો તારીખ બદલાય તો ભોજન માટે કેટરિંગ ખર્ચ, હોટલ અને ટ્રાન્સપોર્ટ બુકિંગ, ડેકોરેશન સહિતના ખર્ચને આવરી લેવામાં આવશે. એડ-ઓન અને રાઈડર્સની સુવિધા પણ છે. જે અંતર્ગત રસ્તામાં કઈ આકસ્મિક ઘટના બને તો વિશિષ્ટ સ્થિતિમાં રાઈડર્સ મદદ માટે આવશે.

આ રાહત મળશે નહીં

દરેક ઈન્સ્યોરન્સના નિયમો અને ફાયદા અલગ અલગ છે. જો લગ્ન કરનાર વ્યક્તિ કોઈ જન્મજાત બીમારીથી પીડાતુ હોય અને મૃત્યુ થાય, અપહરણ, આત્મહત્યા  કરવા પર ઈન્સ્યોરન્સ માન્ય ગણાશે નહીં. આતંકવાદી હુમલો અને બિનકુદરતી ઈજાઓને પણ આવરી લેવામાં આવશે નહીં.

ગ્લોબલ વેડિંગ સર્વિસિઝ માર્કેટના આંકડા અનુસાર, વૈશ્વિક સ્તરે 2020માં લગ્ન માટે 60.5 અબજ ડોલરનો ખર્ચ થયો હતો. જે 2030 સુધી વધી 414.2 અબજ ડોલર સુધી પહોંચવાનો આશાવાદ છે.