દોઢ વર્ષ જ કેદ રહ્યા પીએફઆઇના આઠ સભ્યોના જામીન રદ

આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુપ્રીમનો નિર્ણય.

આતંકવાદના પુરાવા રજૂ ના કર્યા હોવાનું કહી હાઇકોર્ટે જામીન આપ્યા, કેસ નક્કર છે કહીને સુપ્રીમે જામીન ફગાવ્યા.

પ્રતિબંધિત સંગઠન પીએફઆઇના આઠ સભ્યોને મદ્રાસ હાઇકોર્ટે જામીન પર છોડયા હતા, જે નિર્ણયને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ જામીન આપવાના હાઇકોર્ટના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કેમ કે તમામ સામે આતંકવાદનો આરોપ છે અને માત્ર દોઢ વર્ષ કેદ રહ્યા હોવા છતા જામીન મળી ગયા હતા. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે અને તમામ આરોપીઓને સરન્ડર કરવા કહ્યું છે.  

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને પંકજ મિતલની બેંચે કહ્યું હતું કે અપરાધની ગંભીરતા અને જેલમાં વિતાવેલા માત્ર દોઢ વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને આ જામીન રદ કરવામાં આવે છે. કોર્ટ વ્યક્તિગત સ્વતંત્રતા આપતા આદેશમાં દખલ દઇ શકે જો તે આદેશ ખોટા આધારે આપવામાં આવ્યો હોય. તપાસ એજન્સીઓ દ્વારા અમારી સમક્ષ રજુ કરાયેલા પુરાવા અને અન્ય સામગ્રીના આધારે પ્રથમ દ્રષ્ટીએ મામલો બને છે. 

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જે દરમિયાન સંગઠનના સભ્યોની ધરપકડ કરાઇ હતી. તેમની સામે યુએપીએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે આઠ સભ્યોને જામીન પર છોડાયા છે. જે નિર્ણયને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમમાં સુનાવણી દરમિયાન આરોપીઓના વકીલો દ્વારા કરાયેલી વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરી છે તેવી દલીલોને સ્વીકારવાની કોર્ટે ના પાડી દીધી હતી. અને જામીન રદ કરવા આદેશ આપ્યો હતો. 

  આ પહેલા ઓક્ટોબર ૨૦૨૩માં મદ્રાસ હાઇકોર્ટે જામીન મંજૂર કરતા કહ્યું હતું કે આરોપીઓમાંથી કોઇ પણ આતંકી પ્રવૃત્તિમાં સામેલ હોવાનો પુરાવો કે અન્ય કોઇ પણ આધાર રજુ કરવામાં તપાસકર્તા નિષ્ફળ રહ્યા છે. જે બાદ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.