બિન રાસાયણિક પદ્ધતિ દ્વારા જમીન જન્ય રોગોનું વ્યવસ્થાપન

જમીનજન્ય રોગોનું રાસાયણિક જંતુનાશકોના બદલે બિનરાસાયણિક પધ્ધતિ થકી વ્યવસ્થાપન કરી શકાય, વિવિધ પાકમાં સૂકારો, મૂળનો કહોવારો, થડનો સડો, ગંઠવા, કૃમિ રોગકારક ફૂગ, જીવાણું, કિટકનું નિયંત્રણ અને નિવારણ કુદરતી રીતે શક્ય હોવાનું જણાવ્યું, પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જમીન જન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા તકેદારીના પગલાં અંગે ખેડૂતોને માર્ગદર્શિત કરાયા

વધુ વિગત માટે ખેડૂતોને જિલ્લા ખેતી વાડી વિભાગના અધિકારી તેમજ    કર્મચારીઓનો સંપર્ક કરવા અપીલ કરાઇ

પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જમીન જન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા તકેદારીના પગલાં અંગે ખેડૂતોને માર્ગદર્શિત કરાયા છે. બિન રાસાયણિક પદ્ધતિ દ્વારા જમીન જન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા માટેના પગલાં લેવા ખેડૂતોને જણાવ્યું છે. જમીનજન્ય રોગોનું રાસાયણિક જંતુનાશકોના બદલે બિનરાસાયણિક પધ્ધતિ થકી વ્યવસ્થાપન કરી શકાય છે. વિવિધ પાકમાં સૂકારો, મૂળનો કહોવારો, થડનો સડો, ગંઠવા, કૃમિ રોગકારક ફૂગ, જીવાણું, કિટકનું નિયંત્રણ અને નિવારણ કુદરતી રીતે શક્ય હોવાનું જણાવી ખેડૂતોને વધુ વિગત માટે જિલ્લા ખેતી વાડી વિભાગના અધિકારી તેમજ કર્મચારીનો સંપર્ક કરવા પણ અપીલ કરાય છે.

  1. ઉનાળામાં હળ કે ટ્રેક્ટરની દાંતીથી આડી ઉભી ખેડ કરવી, જેથી રોગકારક ફૂગલ જીવાણુંલ કિટકનાં કોશેટાલ ઈંડા કે કૃમિલ ઊંડી ખેડને કારણે જમીન ઉપરની સપાટીથી બહાર આવતા મે મહિનાની અસહ્ય ગરમીથી નાશ પામે તેમજ જમીનની અંદર રહેલ ફૂગને પૂરતો ઓક્સિજન ન મળવાથી નાશ પામે.
  2. દર વર્ષે એક જ જમીનમાં એકના એક પાકનું વાવેતર ન કરતા બીજા પાકોનું વાવેતર કરવું જેથી જમીનજન્ય રોગો જેવા કે સૂકારોલ મૂળનો કહોવારોલ થડનો સડોલ ગંઠવા કૃમિ જેવા રોગોનું વ્યવસ્થાપન થઇ શકે. મગફળીના પાકમાં થડના કોહવારાનું પ્રમાણ ઘટાડવા કપાસ, ઘઉં, મકાઇ, જુવાર, ડુંગળી અને લસણ જેવા પાક સાથે ફેરબદલી કરવાની ભલામણ છે.
  3. સંપૂર્ણ કોહવાયેલ, ગળતીયા છાણીયા ખાતર, લીંબોળી તથા દિવેલીનો ખોળ, રાયડાનો ખોળ કે મરઘાં-બતકાના ખાતરનો વપરાશ વધારવો જેથી જમીનનું પોત સુધરે તેમજ રોગમાં ઘટાડો થાય. મગફળીમાં થડના કોહવારા માટે વાવણી પહેલા દિવેલીના ખોળને ૭૫૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે તથા કપાસમાં જમીનજન્ય ફૂગથી થતા રોગો જેવા કે ધરૂનું મૃત્યુ, મૂળખાઈ અને સૂકારાના નિયંત્રણ માટે છાણીયું ખાતર હેક્ટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર ૨ ટન પ્રતિ હેક્ટરે વાવેતર પહેલા જમીનમાં આપવાથી રોગોનું પ્રમાણ ઘટાડી શકાય છે.
  4. રોગપ્રતિકારક જાતોના વાવેતરનો આગ્રહ રાખવો. મગફળીમાં ઉગસૂક, મૂળખાઇ અને થડના કોહવારા સામે પ્રતિકારકતા માટે જીજેજી-૩૩ જાતની ભલામણ છે.
  5. જમીનનું સૌરીકરણ (સોઇલ સોલરાઈઝેશન) એ જમીનનું તાપમાન વધારવા માટે સૂર્યની શક્તિનો ઉપયોગ કરીને જમીન મારફતે પાકને નુકસાનકર્તા જીવાણુંલ કૃમિ કે કીટકના કોશેટાલ ફૂગલ ફુગના બીજાણું અને નીંદણ નિયંત્રિત કરવા માટેની પર્યાવરણ અનુકૂળ બિનરાસાયણિક પદ્ધતિ છે. કોઈ પણ ધરૂવાડીયામાં અથવા ખેતરમાં એપ્રિલ-મે માસ દરમિયાન જ્યારે ખૂબ ગરમી પડતી હોય ત્યારે સૌ પ્રથમ જમીનમાંથી અગાઉના પાકના અવશેષો તથા નીંદામણ દૂર કરી પાણી આપી વરાપ થયે છાણિયું ખાતર કે કોઈપણ ખોળ ભેળવી જમીનને ખેડી ભરભરી બનાવવી. ત્યારબાદ તુરંત જ ધરૂવાડીયાના ખેતરના કયારાના માપ પ્રમાણે ૧૦૦ ગેજનું એલ.એલ.ડી.પી.ઈ.પારદર્શક પ્લાસ્ટિક જમીન પર પાથરી- ચારે બાજુથી ચુસ્ત રહે તે રીતે માટીથી પ્લાસ્ટિકની ધારને જમીનમાં દબાવી ઢાંકવું. આમ ૧૫ દિવસ સુધી તેને પશુ કે માણસોથી નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે પ્લાસ્ટિકને હવાચુસ્ત રાખવાથી અંદરના ભેજની વરાળ થઈ પાણીની પરપોટીઓ પ્લાસ્ટિકની અંદરની બાજુએ જામી જશે જે તાપમાન વધારવામાં મદદરૂપ થશે. ૧૫ દિવસ પછી પ્લાસ્ટિક સાવચેતી પૂર્વક કાઢી લેવું અને બીજી જગ્યાએ અથવા બીજા વર્ષે વાપરવા માટે સાફ કરીને વ્યવસ્થિત જગ્યામાં મૂકી રાખવું ત્યારબાદ જે પાકનું ધરૂવાડીયું નાખવાનું હોય કે વાવણી કરવાની હોય તેની ભલામણ અનુસાર જમીન તૈયાર કરી વાવણી કરવી.
  6. જે તે પાકમાં રોગને ધ્યાનમાં રાખી પિયતના પાણીનું નિયમન કરવું. દિવેલાલ તમાકુલ કપાસ અને તુવેરના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો મૂળખાઈ રોગની તિવ્રતા જમીનનું તાપમાન વધારે હોય તેવા કિસ્સામાં વધું હોય છે. આવા કિસ્સામાં પાકને સમયસર પિયત આપવું હિતાવહ છે.
  7. જમીન જન્ય ફૂગથી થતા રોગ અને કેટલાક બીજજન્ય રોગોના અટકાયત માટે જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાયકોડર્મા વીરીડીલ ટ્રાયકોડર્મા હરજીયાનમલ શ્યુડોમોનાસ ફ્લુરેસેન્સનો ઉપયોગ (૮ થી ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ) કરવો. ઘણા રોગકારકો જમીનમાં રહેતા હોઇ તેના નિયંત્રણ માટે ૧ કિ.ગ્રા. ટ્રાયકોડર્માને ૧૦ કિ.ગ્રા. છાણિયા ખાતરમાં ભેળવી અને વિકસવા દેવું. આવુ તૈયાર કરેલ ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર ૧૦૦ કિ.ગ્રા. બીજા છાણિયા ખાતરમાં ભેળવીને જમીનમાં આપવાથી જમીનજન્ય રોગોનું નિયંત્રણ કરી શકાય છે. તેમજ મગફળીમાં થડનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ૫ કિગ્રા ટ્રાયકોડર્મા હરજીયાનમ અથવા ટ્રાયકોડમાં વીરીડી૨૫૦ કિ. ગ્રા. દિવેલી/રાયડાના ખોળ સાથે ભેળવીને વાવતા પહેલા ચાસમાં આપવું અથવા ટ્રાયકોડમાં ૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે માટી સાથે ભેળવી ચાસમાં આપવું. દિવેલામાં સૂકારો તેમજ મૂળનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડમાં હરજીયાનમ ૫ કિ.ગ્રા.ને ૫૦૦ કિ.ગ્રા. રાયડાના ખોળ સાથે ભેળવીને ચાસમાં આપવું. તુવેરમાં સૂકારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડમાં હરજીયાનમ ૮ થી ૧૦ ગ્રામ પ્રતિ કિ ગ્રા બિયારણ પ્રમાણે પટ આપવો તેમજ છાણિયા ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાયકોડમાં ૨૦૦ ગ્રામ પ્રતિ મીટર પ્રમાણે ચાસમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી,  તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવા જણાવ્યું છે.