પોરબંદરમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા પરિપત્ર કરી જિલ્લાના તમામ માછીમારો, એસોસિએશન તથા આગેવાનોને જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના કૃષિ ખેડૂત કલ્ચ અને સહકાર વિભાગના આધારિત પત્ર-૨થી ફિશિંગ બાન સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત સરકારના મત્સ્યદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આધારિત પત્ર-૩ થી તેમજ વડી કચેરી ગાંધીનગર આધારિત પત્ર-૪થી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર (ઇન્ડિયન એસક્યુઝિવ ઇકોનોમિક ઝોન) માં પશ્ચિમ દરિયાકાંઠાના આંતરદેશીય તથા પ્રાદેશિક વિસ્તારમાં ૬૧ દિવસના સમયગાળા દરમિયાન માછીમારી પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આગામી તા. ૧ જુન થી ૩૧ જુલાઈ એટલે કે ૬૧ દિવસ સુધી ફિશિંગ પર પ્રતિબંધનો આદેશ કરાયો છે. જેને ધ્યાને લઇ પોરબંદર જિલ્લામાં તા. ૧ જૂનથી ૩૧ જુલાઈ સુધી તમામ યાંત્રિક બોટો, હોડીઓ દ્વારા આંતરદેશીય તેમજ પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા વધુમાં એવું જણાવવામાં આવ્યું છે કે આગામી તા. ૧ જૂન થી માછીમારી પર પ્રતિબંધ મુકેલ હોય ઓનલાઈન સોફ્ટવેરમાં ટોકન લઈ ગયેલ તથા આવનાર દિવસોમાં માછીમારી માટે જનાર તમામ હોડી, બોટની ટોકનની રિટર્ન એન્ટ્રી તા. ૩૧ મે સુધીમાં ફરજિયાત કરી લેવાની રહેશે. આ પ્રતિબંધ માંથી નોન – મોટરાઈઝડ ક્રાફટ (લાકડાની બિનયાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે. આ આદેશનો ભંગ કરનાર ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા – ૨૦૦૩ ની કલમ ૬/૧ (ટ) ના ભંગ બદલ કલમ -૨૧/૧(ચ) મુજબ દંડને પાત્ર ઠરશે. આમ, પોરબંદર મત્સ્યોઉદ્યોગ નિયામકની કચેરી દ્વારા માછીમારી પ્રતિબંધિત સમય દરમિયાન માછીમારી કરવા દરિયામાં પ્રવેશ કરશે તો તેમના વિરુદ્ધ કાયદાકી કાર્યવાહી થશે તેવો આદેશ કરાયો છે.