પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકા કક્ષા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તેઓને કલેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ-2024 અન્વયે ભારે વરસાદ, પુર, વાવાઝોડાની પરિસ્થિતિમાં દુર્ઘટના, કુદરતી આપત્તિનો ભોગ બનેલ લોકો સુધી શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડી શકાય અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું સુચારૂ સંચાલન થઈ શકે તેવા આશયથી તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓની નિમણૂક કરી ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાની જવાબદારી સોંપાઇ છે. પોરબંદર જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાયઝન અધિકારીઓ નિયુક્ત કરાયા છે. પોરબંદર તાલુકાની જવાબદારી પ્રાંત અધિકારી એસ. એ. જાદવને સોંપવામાં આવી છે, તેવી જ રીતે કુતિયાણા તાલુકાની જવાબદારી પ્રાંત અધિકારી પારસ વાંદાને સોંપવામાં આવી છે, અને રાણાવાવ તાલુકા માટેની જવાબદારી જિલ્લા પુરવઠા અધિકારી હેતલબેન જોશીને સોંપાઇ હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકામાં ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓની નિમણૂક કરાઇ છે.