કોરોનાથી લોકોના જીવન પર ગંભીર અસર, સરેરાશ આયુષ્યમાં ઘટાડો, રિસર્ચમાં થયા ડરામણાં ઘટસ્ફોટ

આનંદ ફિલ્મનો એક ખૂબ જ પ્રખ્યાત ડાયલોગ છે. “જિંદગી બડી હોની ચાહિયે, જહાંપનાહ, લંબી નહીં”. તેમનો અંદાજો દાર્શનિક હતો પરંતુ વાસ્તવિકતા પર નજર કરીએ તો આજે દુનિયામાં લોકો પહેલા કરતા લાંબુ જીવે છે. લગભગ 73 વર્ષ સુધી. પરંતુ કોરોના મહામારીના કારણે જીવનમાં 1.6 વર્ષનો ઘટાડો થયો છે. ધ લેન્સેટ જર્નલના તાજેતરના સંશોધનમાં આ માહિતી સામે આવી હતી. 

નવા સંશોધને ચિંતા વધારી… 

આ નવા સંશોધને કોરોનાના ગંભીર સ્વાસ્થ્ય જોખમો સામે લાવ્યા છે. અન્ય ઘણા અભ્યાસોએ એ પણ જાહેર કર્યું છે કે કોરોનાએ વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય પર કેવી અસર કરી છે. જ્યારે કોરોનાના સંક્રમણે  લાખો લોકોના જીવ લીધા, ત્યારે કોરોનાએ તેનાથી બચી ગયેલા લોકોને પણ છોડ્યા નહીં. લોકો બીજી ઘણી એવી બીમારીઓથી પ્રભાવિત થવા લાગ્યા જે આજે પણ તેમાંથી બહાર આવી શક્યા નથી.

રિપોર્ટના મુખ્ય મુદ્દા શું છે?

સંશોધન પ્રમાણે મહામારીના આગમન સુધી વૈશ્વિક સરેરાશ આયુષ્ય એટલે કે લાઈફ એક્સપેક્ટેન્સી વધી રહી હતી. સરેરાશ આયુષ્ય એટલે કે વ્યક્તિ તેના જન્મના સમયથી કેટલા વર્ષ જીવવાની અપેક્ષા રાખી શકે છે તે. લોકોનું સરેરાશ આયુષ્ય 1950ના 49 વર્ષથી વધીને 2019માં 73 વર્ષથી વધુ થઈ ગઈ છે. પરંતુ 2019 અને 2021 ની વચ્ચે તેમાં 1.6 નો ઘટાડો થયો છે. નિષ્ણાતો કહે છે કે આ કોરોનાની સૌથી ગંભીર આડઅસર છે. આ અભ્યાસ વર્ષ 2020-2021 દરમિયાન કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું કે આ સમયગાળા દરમિયાન 84 ટકા દેશોમાં સરેરાશ આયુષ્યમાં ઘટાડો થયો હતો. જેમાં મેક્સિકો સિટી, પેરુ અને બોલિવિયા જેવા સ્થળો વધુ પ્રભાવિત થયા હતા.

પુરુષોમાં મૃત્યુદર 22% વધ્યો

રિસર્ચર્સના એક અંદાજ પ્રમાણે આ સમયગાળા દરમિયાન 15 વર્ષથી વધુ વયના લોકોમાં મૃત્યુદર પુરુષોમાં 22 ટકા અને સ્ત્રીઓમાં 17 ટકા વધ્યો છે. 2020 અને 2021 માં વૈશ્વિક સ્તરે લગભગ 13.1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી લગભગ 1.6 કરોડ લોકો કોરોના મહામારીને કારણે મૃત્યુ પામ્યા હતા. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે 2020 અને 2021 માં કોરોના મહામારી દરમિયાન વૈશ્વિક સ્તરે પુખ્તવયના મૃત્યુદરમાં વધારો થયો છે. જોકે કોરોના મહામારી વચ્ચે બાળમૃત્યુદરમાં ઘટાડો થયો. 2019ની સરખામણીમાં 2021માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પાંચ લાખ ઓછા મૃત્યુ થયા.