અમેરિકાની ઈરાક-સીરિયામાં મોડી રાતે એરસ્ટ્રાઈક, 85 ઠેકાણાને નિશાન બનાવ્યાં, 18 લોકોનાં મોત

અમેરિકાએ જોર્ડન હુમલાના જવાબમાં સીરિયા(Syria) અને ઇરાક (Iraq) માં 85 ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. અમેરિકન સેના (US military)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના યુદ્ધ વિમાનોએ શુક્રવારે ઈરાક અને સીરિયામાં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) અને તેમના સમર્થિત મિલિશિયાના 85થી વધુ ઠેકાણા પર જવાબી હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં અમેરિકન સેનાએ ઈરાનની કુદ્સ ફોર્સને નિશાન બનાવી છે.

‘7 જગ્યાએ 85 ઠેકાણાને નિશાન બનાવ્યા’

અમેરિકન સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિક્સ અને દારૂગોળાની સપ્લાય ચેઇન સુવિધાઓ સહિતના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં સીરિયામાં ચાર અને ઈરાકમાં ત્રણ સહિત સાત સ્થળોએ 85થી વધુ ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સીરિયાના રણ વિસ્તારોમાં અને ઇરાકની સરહદ નજીક સ્થિત ઠેકાણા પર અમેરિકન હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

હુમલા બાદ બાયડેનનું નિવેદન

ઈરાન સમર્થિત આતંકવાદી જૂથોના ઠેકાણાઓ પર થયેલા હુમલા બાદ અમેરિકન પ્રમુખ (US President) જો બાયડેને (Joe Biden) એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા મધ્ય પૂર્વમાં સંઘર્ષ નથી ઈચ્છતું, પરંતુ જો કોઈ અમેરિકનને નુકસાન થશે તો અમે તેનો યોગ્ય જવાબ આપીશું. તેમણે વધુમાં કહ્યું કે ગયા રવિવારે જોર્ડનમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. શુક્રવારે, મેં આ બહાદુર સૈનિકોના શ્રદ્ધાંજલિ સમારોહમાં હાજરી આપી હતી અને તેમના પરિવારો સાથે વાત કરી હતી.