પ્રિયંકા ચોપરા છેતરાઈ ગઈ, 165 કરોડનાં ઘરનું બાંધકામ તકલાદી નીકળ્યું

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે લોસ એન્જલિસમાં ભારતીય રુપિયા પ્રમાણે ૧૬૫ કરોડ રુપિયામાં ખરીદેલું વિશાળ ઘર તકલાદી બાંધકામ, પાણીનાં ગળતર તથા  ઠેર ઠેર ફૂગ લાગી જતાં રહેવા લાયક રહેતાં ખાલી કરવું પડયું છે. તેમણે તેમને આ ઘર વેચનારા સામે કરોડો ડોલરનો નુકસાનીનો કાનૂની દાવો પણ માંડયો છે.  પ્રિયંકાએ ડિસેમ્બર ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં તે પછીનાં વર્ષે જ સપ્ટેમ્બર ૨૦૧૯માં તેણે અને નિકે આ ભવ્ય ઘર ખરીદ્યું હતું. 

આ ઘર તેણે ભારે હોંશથી સજાવ્યુ હતું. તેણે પોતાના મિત્રો, પરિવારજનો તથા અન્યો સાથે અહીં દિવાળી, હોળી સહિતના ભારતીય તહેવારો તથા ગેટ ટૂ ગેધર અને પાર્ટીઓની ઉજવણી પણ કરી હતી. પ્રિયંકાએ આ ઘરના સંખ્યાબંધ ફોટા પણ પોસ્ટ કર્યાહ તા. 

જોકે, કેટલાક સમયથી પ્રિયંકાની સોશિયલ મીડિયા પોસ્ટસમાં આ ઘરની તસવીરો જોવા ન મળતાં તરેહ તરેહની અટકળો  વહેતી થઈ હતી. જોકે, હવે એવા સમાચાર  આવ્યા છે કે પ્રિયંકા અને નિકે આ ઘર રહેવા લાયક જ નહીં રહ્યું હોવાથી તત્કાળ ખાલી કરી દીધું છે. આ ઘરનું બાંધકામ તકલાદી નીકળ્યું હતું. તેમાં ઠેર ઠેર પાણીનાં ગળતરની સમસ્યા થવા લાગી હતી. સમગ્ર ઘરમાં કેટલીય દીવાલો પર ફૂગ લાગી ગઈ હતી. 

અમેરિકી માધ્યમોમાં દાવા અનુસાર મે ૨૦૨૩થી જ પ્રિયંકા અને નિકે આ ઘર વેચાણ કરનારા સામે કાનૂની ખટલો માંડી દીધો છે.  આ કાનૂની ખટલામાં અપાયેલી વિગતો અનુસાર ઘરના પૂલ તતા સ્પામાં ગળતર સહિતની સમસ્યાઓ સર્જાઈ હતી. આ  ઉપરાંત ઠેર ઠેર ફૂગ પણ વળી ગઈ હતી. ડેકના બાર્બેક્યુ એરિયામાં પણ પાણી ગળવા લાગ્યું હતું. તેના કારણે ડેકનાં ઈન્ટિરિયરને ભારે નુકસાન થયું હતું.  કાનૂની દાવામાં દાવો કરાયો છે કે આ ઘર રહેવાલાયક રહ્યું નથી અને અહીં વસવાટ કરવાથી આરોગ્ય માટે પણ બહુ મોટું જોખમ ઊભું થાય તેમ છે. 

 પ્રિયંકા તથા નિકે વેચાણ કર્તા પાસેથી નુકસાની પેટે જંગી વળતર માગ્યું હોવાનું કહેવાય છે. પ્રતિવાદીએ તમામ રિપેરિંગ ખર્ચ ભરપાઈ કરી આપવું જોઈએ તથા અન્ય નુકસાની પણ વાળી આપવી જોઈએ તેવી માગણી પણ કરાઈ છે. માત્ર વોટરપ્રૂફિંગ પેટે ૧૨ કરોડ અને અન્ય નુકસાન પેટે ૨૦ કરોડના નુકસાનનો અંદાજ બાંધવામાં આવ્યો છે. 

અહેવાલો અનુસાર પ્રિયંકા અને નિક તેમની બે વર્ષની દીકરી માલતી સાથે અન્ય પ્રોપર્ટીમાં રહેવા જતાં રહ્યાં છે. હવે તેઓ આ મૂળ ઘરમાં પાછાં ફરશે કે કેમ તે નક્કી નથી. જાણકારો કહે છે કે આ ઘરમાં હાલ કોઈ રહેતું નથી અને તે કોઈને ભાડે પણ અપાયું નથી. 

નવ બેડરૂમ, સાત બાથરૂમનું ઘર

પ્રિયંકા અને નિકનાં લોસ એન્જલિસનાં આ ઘરમાં નવ બેડરુમ તથા સાત બાથરુમ છે. તેમાં શેફ માટે અલાયદું ભપકાદાર કિચન છે. આ ઉપરાંત ટેમ્પરેચર કન્ટ્રોલ ધરાવતો ખાસ વાઈન રુમ છે. આ ઘરમાં જ ઈન્ડોર બાસ્કેટ બોલ કોર્ટ પણ છે. તેમાં હોમ થિયેટર, એન્ટરટેઇનમેન્ટ લોન્જ, સ્ટીમ શાવર સાથે સ્પાની સગવડ ઉપરાંત આધુનિક જીમ તથા બિલિયર્ડ રુમ પણ છે.