ચંદ્ર પર ઈસરોના Chandrayaan 3નું લેન્ડિંગ રહ્યું સફળ

ઈસરોના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરતા જ ભારતે સ્વર્ણિમ ઈતિહાસ લખ્યો છે. આજે 23 ઓગસ્ટ, 2023ના દિવસે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન 3ના (Chandrayaan 3) વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યુ છે. ચંદ્રના આ અજાણ્યા સાઉથ પોલ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારતનું ચંદ્રયાન 3 મિશન માનવજાતના ઈતિહાસનો સોનેરી સૂર્યોદય બની રહેશે.

વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકાથી વર્ચુઅલી ઈસરો સાથે જોડાયા હતા. ચંદ્રયાન 2ની નિષ્ફળતામાંથી શીખ લઈને ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3ની સફળ સોફ્ટ લેન્ડિંગ સુનિશ્ચિત કરી હતી. ઈસરોના વૈજ્ઞાનિકોને કરેલા તે મહત્વના ફેરફારોને કારણે છેલ્લી 15 મિનિટમાં ચંદ્ર પર ભારતનો જય જયકાર થઈ રહ્યો છે. લેન્ડિંગના 2 કલાક બાદ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું કામ શરુ થશે. પ્રજ્ઞાન રોવર લેન્ડિંગના 2 કલાક બાદ વિક્રમ લેન્ડરમાંથી બહાર આવીને ચંદ્રની સપાટી પર ભારતની જીતનું ચિન્હ છોડશે.

ચંદ્રયાન 3 મિશનનો ઉદ્દેશ શું ?

  • ચંદ્રના વાતાવરણમાં થતા તાપમાનના ફેરફાર નોંધવા.
  • ચંદ્રની સપાટી ઉપર સોલાર પવનોની અસર નોંધવી.
  • ચંદ્રની સપાટી પર પાણીની શક્યતા, ખનીજોની ઉપલબ્ધતાની તપાસ કરશે.
  • ચંદ્ર પર બરફનું પ્રમાણ અને ભૂકંપની શક્યતાઓ અને ભવિષ્યના મિશન માટેની યોજનાઓ સાકાર કરવાની શક્યતા તપાસશે.

ચંદ્રયાન 3 મિશનની હમણા સુધીની ઘટનાઓ

  • 14 જુલાઈ, 2023ના દિવસે ઈસરોએ બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3ને સફળતાપૂર્વક લોન્ચ કર્યુ.
  • 15 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાનના સ્પેસક્રાફ્ટે ફાયરિંગની મદદથી પૃથ્વીની પ્રથમ ભ્રમણકક્ષામાં ફરવાનું શરુ કર્યુ.
  • 17 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3 પૃથ્વીની બીજી ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
  • 18 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3 પૃથ્વીની ત્રીજી ભ્રમણકક્ષામાં પહોંચ્યું.
  • 20 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન 3એ પૃથ્વીની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો.
  • 25 જુલાઈ, 2023ના દિવસે ચંદ્રયાન 3એ પૃથ્વીની અંતિમ અને પાંચમી ભ્રમણકક્ષામાં ભ્રમણ કરવાનું શરુ કર્યુ
  • 1 ઓગસ્ટની મધરાત્રે 12 થી 1 કલાકની વચ્ચે ચંદ્રયાન 3એ પૃથ્વીની કક્ષા છોડી ચંદ્ર તરફ પ્રયાણ કર્યું છે.
  • 5 ઓગસ્ટે સાંજે લગભગ 7 વાગ્યે ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો.
  • 17 ઓગસ્ટે ચંદ્રના 5 ચક્કર લગાવ્યા બાદ ચંદ્રયાન ચંદ્રની સપાટીથી 100 કિમીની ઊંચાઈ પર ભ્રમણ કરવાનું શરુ કરુ.
  • 18 ઓગસ્ટે ડીબુસ્ટિંગ પ્રકિયાથી ચંદ્રયાનના લેન્ડર મોડયૂલની ગતિ ઘટાડાઈ.
  • 20 ઓગસ્ટે લેન્ડર મોડયૂલ ડીઓર્બિટિંગ થયુ. ચંદ્રયાન 3ના લેન્ડરે 100 x 30 કિમીના લૂનર ઓર્બિટમાં પ્રવેશ કર્યો.

ચંદ્ર પર ચંદ્રયાન 3ના સોફટ લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ

ચંદ્રયાન મિશનનું લેન્ડિંગ ઈસરોના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યુ હતુ . ટ્વિટર X, YouTube અને Facebook પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ, દુનિયાભરના લોકો તેના માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.. લાઈવ લેન્ડિંગ માટેનું પ્રસારણ સાંજે 5.27 વાગ્યે શરૂ થયુ હતુ.

પૃથ્વીથી ચંદ્ર સુધીની 41 દિવસની યાત્રાના શાનદાર દ્રશ્યો

મિશન ચંદ્રયાન-3 પર 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-3 , 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવામાં તેને 41 દિવસનો સમય લાગ્યો. ચંદ્રયાન-3 એ ચાર વર્ષમાં ઈસરોનું બીજું મિશન છે.  ISRO આ પ્રયાસમાં ચંદ્ર પર ચંદ્રયાન 3નું લેન્ડિંગ સફળ થતા જ, ભારત આવું કરનાર યુએસ, ચીન અને સોવિયેત યુનિયન (હવે રશિયા) પછી ચોથો દેશ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *