જૈન પરંપરામાં ગૃહસ્થ આરાધકો માટે પણ સવાર-સાંજ પ્રતિક્રમણક્રિયાનું વિધાન છે. એ અવશ્ય કરવાનું હોવાથી એને ‘આવશ્યક’ પણ કહેવાય છે. આ વિધિ ૪૮ મિનિટની અંદાજે હોય. ધારો કે કોઈ અનિવાર્ય કારણસર વ્યક્તિ પ્રતિક્રમણનો સમય ન લઈ શકે એમ હોય તો છેવટે એ સાત-લાખ-૧૮ પાપસ્થાનકનું સૂત્ર ભાવથી બોલીને પાપો આચર્યા હોય તેની ક્ષમાપના કરે અને એ દ્વારા લઘુપ્રતિક્રમણ કર્યાનો સંતોષ માણે. અઢાર પાપસ્થાનોની ક્ષમાપનાનો મહિમા કેવો છે એ આ ઉલ્લેખથી સમજી શકાય તેમ છે.
આ અઢાર પાપસ્થાનકોમાં પ્રથમ સ્થાને છે હિંસા. જૈન પરંપરા બહુ સૂક્ષ્મ દૃષ્ટિબિંદુ અપનાવી કહે છે કે જીવની હત્યા કરવી એ જ હિંસા નથી. હિંસા પણ ત્રણ પ્રકારની છે. પહેલો પ્રકાર છે ઘાત. એમાં જીવની હત્યા-મોત થાય છે. બીજો પ્રકાર છે પીડા. એમાં જીવનું મોત નથી થતું, પરંતુ એને દુઃખ થાય છે. એથી જ કીડી-મંકોડો જેવા જીવોને હાથથી ઝાપટ મારવી વગેરેને ય હિંસામાં ગણવામાં આવ્યા છે. ત્રીજો પ્રકાર છે સંક્લેશ. કોઈ જીવને આપણે સતત ‘ટોર્ચર’ કરીએ માનસિક સંતાપ આપી એને દુઃખી કરીએ એ પણ એક પ્રકારની હિંસા છે. હિંસા આ કે આના જેવા અન્ય કોઈ પ્રકારોની હો: એનાં ફળ જાલિમ છે. આપણે હિંસાથી થતાં કેટલાક જાલિમ નુકસાનો તરફ દૃષ્ટિપાત કરીએ.
૧) હિંસા દ્વારા દુર્ગતિની પરંપરા સર્જાય છે: હિંસામાં સામાન્યપણે રાગ-દ્વેષના તીવ્ર પરિણામ જોડાય છે. જેમ કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિ પર અદાવત રાખી ખૂની હુમલો કરે છે ત્યારે એમાં તીવ્ર દ્વેષનો-શત્રુતાનો પરિણામ સંલગ્ન હોય છે. એથી જરા અલગ એક વ્યક્તિ શિકારના શોખવશ કે પ્રિય માંસાહારી વાનગીઓનાં કારણે જીવોની હિંસા કરે- કરાવે છે. ત્યાં રાગનો પરિણામ હોય છે. આ તીવ્ર રાગ-દ્વેષના ભાવો તે જીવને દુર્ગતિ તરફ લઈ જ જાય. ખબર છે મગધસમ્રાટ શ્રેણિકની જીવનઘટના ?
પ્રભુમહાવીરદેવના સંસર્ગથી તેઓ ધર્મ પામ્યા તે પૂર્વેની વાત. ક્ષત્રિય રાજવી હોવાનાં કારણે એ શિકારના ખૂબ શોખીન હતા. એકવાર આ શોખવશ તેઓ શિકાર ખેલવા જંગલ ગયા. એક સગર્ભા હરિણીને લક્ષ્ય બનાવી એમણે અશ્વ દોડાવ્યો. જીવસટોસટની દોટ પછી ય સગર્ભા હરિણી રાજા શ્રેણિકનો પીછો છોડાવી શકી નહિ. રાજાએ અફર નિશાન તાકીને હરિણીને વીંધી નાંખી. હરિણી અને એના ગર્ભમાંથી બહાર ઘસી આવેલા બે માસૂમ બચ્ચાં ધરતી પર તરફડી રહ્યા હતા. આ દૃશ્ય નિહાળીને શ્રેણિકનાં ચિત્તમાં કમકમાટી કે દયા તો ન જામી. બલ્કે પાશવી આનંદ જાગ્યો. એ બોલી ઉઠયા: ‘ કહેવત એમ કહે છે કે એક કાંકરે બે પંખી મારવા. પરંતુ હું એથી ય આગળ વધી ગયો કે એક તીરે ત્રણ હરણ માર્યા !’ તીવ્ર રાગના-અનુમોદનના ભાવથી થયેલ આ હિંસાથી એમણે નર્કગતિનું નિકાચિત આયુષ્ય બાંધ્યું.
એ પછીનાં વર્ષોમાં સમ્રાટ શ્રેણિક પ્રભુમહાવીરદેવના યોગે ધર્મી બન્યા. એકવાર પ્રભુ- મુખે પોતે નર્કગામી હોવાની વાત એમણે સાંભળી ત્યારે એમાંથી છૂટવા-બચવા ખૂબ પ્રયત્નો કર્યા, પ્રભુને જાતજાતના ઉપાયો પૂછયા. પરંતુ નિકાચિત નર્કાયુષ્ય સામે એમનું કાંઈ ચાલ્યું નહિ. એમને નર્કે જવું જ પડયું. એમાં કારણ એક જ પરિબળ બન્યું અને તે હતું હિંસા.
૨) હિંસાખોરીથી સામા જીવની હાય લાગે છેઃ આપણે જે જીવની હત્યા કરીએ કે એના પર ત્રાસ- અત્યાચાર કરીએ એ જીવની અંતરની હાય આપણાં જીવનની શાંતિને-સુખને છિન્ન-ભિન્ન કરી નાંખે છે. આપણે નજરે નિહાળીએ છીએ કે જેઓ ‘ડોન’ બનીને ભાઈગીરી-દાદાગીરી કરીને અન્યો પર ત્રાસ ગુજારે છે યાવત્ હત્યાઓ કરાવે છે. એમનાં જીવનમાં સરેરાશ વ્યક્તિ જેટલી ય શાંતિ-સુખચેન હોતા નથી. સતત તાણ-ભય અને અંતે કમોત એમનાં જીવનમાં જોવા મળે છે. કારણ ? નિર્દોષ- નિર્બળ જીવોની હાય. સંત તુલસીજીએ એટલે જ લખ્યું છે કે ‘ તુલસી ! હાય ગરીબકી, કભી ન ખાલી જાય.’
૩) હિંસાથી વૈરપરંપરા અને ભવપરંપરા વધે છે: કેટલીક વાર આપણે સ્વયં એવું અનુભવીએ છીએ યા આપણી આસપાસમાં એવું બનતું જોવાય છે કે સામી વ્યક્તિએ આપણું કાંઈ અહિત ન કર્યું હોય તો ય એના પર આપોઆપ અરુચિ-અભાવ-દ્વેષની લાગણી આપણામાં પ્રગટે. સાવ અજાણી એ વ્યક્તિ પરત્વે ય પ્રગટતી આ લાગણીનું કારણ છે પૂર્વજન્મમાં એના પ્રત્યે સર્જાયેલ વૈરનો-દ્વેષનો અનુબંધ. મોટેભાગે એમાં નિમિત્ત હોય છે હિંસા-ત્રાસ-અત્યાચાર. જૈન કથાસાહિત્યમાં ગુણસેન-અગ્નિશર્માનો પ્રબંધ મળે છે. એ ભવમાં ગુણસેને પ્રારંભે બાળબુદ્ધિથી અને છેલ્લે હેરાન કરવાના કોઈ જ આશય વિના એટલે કે સાવ જ અજાણતા અગ્નિશર્મા પર ત્રાસ ગુજાર્યો હતો. આનો અંજામ એ આવ્યો કે અગ્નિશર્માના જીવે એ પછીના ભવોમાં ભયાનક વૈરપરંપરા રચીને આઠવાર ગુણસેનનો જીવ લીધો ! આ વૈરપરંપરા તીવ્ર કર્મબંધ કરાવતી હોવાથી એના દ્વારા ભવપરંપરા પણ વધે.
૪) હિંસાથી દુર્ધ્યાની-અસમાધિની પ્રાપ્તિ થાય છેઃ આપણે જે જીવની હિંસા-હત્યા કરીએ છીએ એ જીવને હિંસાની ક્ષણોમાં તીવ્ર આર્તધ્યાન અને અસમાધિ ઘેરી વળતી હોય છે. એ રિબાઈ રિબાઈને અને દુઃખી થઈ થઈને મરતો હોય છે. બસ, આના અંજામરૂપે હિંસાખોર વ્યક્તિને પણ આર્તધ્યાન-અસમાધિ મળે છે.
કારણકે ‘આઘાત તેવો પ્રત્યાઘાત’ એ તો આ સૃષ્ટિનો સનાતન નિયમ છે.
હિંસા નામે પાપસ્થાનકનાં આ અને આવાં આવાં અનેક જાલિમ નુકસાનો છે. માટે એને ગ્રન્થકાર શાસ્ત્ર પ્રણાલિકા મુજબ પ્રથમ ક્રમાંકે દર્શાવી આ પાપસ્થાન દ્વારા થયેલ દુષ્કૃતોની નિંદા કરવાનું જણાવે છે.
બીજું પાપસ્થાનક છે અસત્ય-જૂઠ. ‘વાસ્તવિકતાથી વિપરીત નિરૂપણ કરવું એનું નામ જૂઠ’ આ મૃખાવચનની-જૂઠની સામાન્ય-લોકપ્રસિદ્ધ વ્યાખ્યા છે. જેમ કે, તમારા ખિસ્સામાં પાંચસો રૂ.ની નોટ હોવા છતાં કોઈને એ આપવા ન પડે માટે તમે કહો કે ‘મારા ખિસ્સામાં રૂપિયા નથી’ તો એ થયું કે વાસ્તવિકતાથી વિપરીત નિરૂપણ. એટલે એને કહેવાય. જૂઠ આજના મોબાઈલફોનના યુગમાં તો માનવી હાલતા-ચાલતા સાવ ક્ષુલ્લક કારણસર બિન્ધાસ્ત જૂઠ બોલતો થઈ ગયો છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ મળવા આવવા માટે ફોન કરે તો તમે એકદમ મીઠાશથી મૃખાવાદ કરો કે ‘ મને પણ તમને મળવાની બહુ જ ઉત્કંઠા છે. પણ શું કરું ? અત્યારે હું બહારગામ છું.’ વાસ્તવિકતા એ હતી કે તમે ઘરમાં જ હતા. છતાં આ જૂઠ ઉચ્ચાર્યું એનું કારણ માત્ર એ જ કે અત્યારે તમને એને સમય આપવાનું મન ન હતું. આવા ક્ષુલ્લક કારણનું જૂઠ સમય જતાં ઘણી બધી બાબતોમાં બિન્ધાસ્ત-નિઃસંકોચ જૂઠ ઉચ્ચારતા કરી દે. સંકોચ નીકળી જવાનાં કારણે ઘણીવાર વ્યક્તિ કેવું હડહડતું જૂઠ ઠંડે કલેજે ચલાવે એ જાણવું છે ? તો વાંચો આ રમૂજકથા:
સંત પાસે એક યુવકે આવીને પ્રણામ કર્યા. યુવાનનાં જીવનમાં કાંઈ ન્યૂનતા હોય તો સુધારી શકાય એ માટે સંતે એને પૂછયું: ‘બીડી-સીગરેટ જેવું વ્યસન ખરું ?’ ‘ ના યુવકે તુર્ત જ કહ્યું:’ દારુ જેવી બદી ?’ જરાય નથી. વાહ સરસ. પાનમસાલા-ગુટકા ? એ પણ નથી. જુગાર-વેશ્યાગમન જેવાં મોટાં પાપો જીવનમાં ખરા ? ના,ના એ તો ન જ હોય ને. સંત એની સારી ચાલ-ચલગતથી પ્રભાવિત થઈ ગયા. ત્યાં જ બાજુમાં ઉભેલ અને યુવકને નખશિખ જાણતાં ભાઈએ ખુલાસો કર્યો: ‘મહાત્માજી ! એનામાં એક જ ખામી છે કે એ દરેક બાબતમાં જૂઠ બહુ સીફતથી બોલે છે.’ મહાત્માને હવે સમજાયું કે અત્યાર સુધી યુવક જે બોલ્યો એ બધું જ જૂઠ હતું.
નિઃસંકોચપણે બોલતા જૂઠને પ્રતિબિંબિત કરતી આ રમૂજકથા એ પણ સમજાવી જાય છે કે એ સામાન્ય લોકપ્રસિદ્ધ વ્યાખ્યા છે. સૂક્ષ્મપણે વિચારણા કરાય તો વિશેષ પરિસ્થિતિમાં આનાથી વિપરીત પણ વ્યાખ્યા બની શકે છે. આપણે હવે આવી એક-બે બાબતો વિચારીએ.
એક, જેનાં કારણે સામી વ્યક્તિનું અહિત થાય- મોટું નુકસાન થાય એવું વચન વાસ્તવિક નિરૂપણની દૃષ્ટિએ સત્ય હોય તો પણ મૃષાવાદની કક્ષામાં ગણાય. જેમ કે પતિ-પત્ની પૈકી એકની એવી ખાનગી વાત બીજા પાત્રને જણાવી દેવાય કે જેથી બન્ને વચ્ચે કાયમી તિરાડ સર્જાય યા સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જાય. આવું જ પિતા-પુત્ર વગેરે અંગે પણ સમજવું. જૈન શાસ્ત્રો આવી પ્રવૃત્તિ માટે ‘ગુહ્યભાષણમ્’ શબ્દપ્રયોગ કરીને એને મૃષાવાદત્યાગવ્રતનો અતિચાર ગણાવવા દ્વારા એનાથી દૂર રહેવાનો નિર્દેશ કરે છે. બે સામી વ્યક્તિને મર્મઘાત થાય- હૃદયમાં ઊંડે સુધી ઘા લાગી જાય એવાં વચન વાસ્તવિકતાની દૃષ્ટિએ તથ્યસભર હોય તો ય મૃષાવાદની કક્ષામાં ગણાય. જેમ કે કોઈ સજ્જન વ્યક્તિને જાહેરમાં ઉતારી પાડવા એમ કહેવાય કે ‘હોશિંયારી રહેવા દે. તારી ખાનદાની શું છે એ મને ખબર છે. તારી મા તો વેશ્યા હતી. વાત સત્ય હોવા છતાં આવાં વચન ન બોલાય, માટે જ મૃષા-વાદત્યાગવ્રતના અતિચારમાં ‘મર્મવચન બોલ્યા’ શબ્દપ્રયોગ છે. ગ્રન્થકાર આ બીજા પાપસ્થાન દ્વારા થયેલ દુષ્કૃતની નિંદા કરવાનું જણાવે છે.
છેલ્લે એક વાત: જૂઠ બોલનારને ‘પોતે શું બોલ્યો’ એ યાદ રાખવું પડે છે. સત્ય બોલનારને પોતે શું બોલ્યો એ યાદ રાખવું પડતું નથી.