આપણી ભૂલો આપણે જ સુધારવી જોઈએ

શ્રદ્ધાવાન, સમજદાર તથા બુધ્ધિશાળી વ્યક્તિ સમસ્યાને જાણવાનો, સમજવાનો તથા તેનાં ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરે છે. અને ફળ ભગવાન ઉપર છોડી દે છે

‘વો કિતાબો મેં દર્ઝ થા હી નહીં,

સિખાયા જો સબક જિંદગીને.

જીવનમાં સુખ અને દુઃખ કર્મનાં ફળ અનુસાર આવતા જ હોય છે. જીવનમાં સુખનાં સમયમાં તો સૌ સાથ સહકાર આપશે. પ્રશંસા પણ કરશે. પરંતુ જ્યારે દુઃખનો સમય આવશે ત્યારે માનવી તથા તેનો પરિવાર એકલો પડી જાય છે. માટે દુઃખનાં સમયમાં પોતાનાં ઉપર શ્રધ્ધા રાખવી જોઈએ તથા ભગવાન્ ઉપર શ્રધ્ધા રાખવી જોઈએ. દુઃખ, દર્દ, સંકટ, સમસ્યાઓ, મુશ્કેલી, વિપરીત પરિસ્થિતીમાં જો અંધશ્રદ્ધાનાં માર્ગે ભટકી જશું તો ઉકેલ આવવાનો નથી. સત્ય અને વાસ્તવિકતાનો સ્વિકાર કરવો જ પડે છે. આપણી ભૂલો તથા ખામીઓ આપણે શોધવી જોઈએ. ભૂલો સુધારવી જોઈએ.

‘બુરા વક્ત તો સબકા આતા હૈ,

કોઈ બિખર જાતા હૈ, કોઇ નિખર જાતા હૈ.

દરેક રાત્રિની સુંદર સવાર હોય જ છે. દુઃખનો સમય પૂરો થાય ત્યારે સુંદર સવાર આવવાની જ છે. નિરાશા કે હતાશ થયા વગર પ્રયત્નો કરવા જ પડે છે. પરીક્ષામાં નાપાસ થઈ ગયા હોય તો ડરવાની જરૂર જ નથી. ફરીથી પરીક્ષા આપીને પાસ થવાનો વિકલ્પ હોય જ છે.

શ્રદ્ધાવાન, સમજદાર તથા બુધ્ધિશાળી વ્યક્તિ સમસ્યાને જાણવાનો, સમજવાનો તથા તેનાં ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરે છે. અને ફળ ભગવાન ઉપર છોડી દે છે. જ્યારે અંધશ્રધ્ધાવાળી વ્યક્તિ ભગવાન કે અન્ય ધાર્મિક વ્યક્તિ પોતાનાં દુઃખ તથા સમસ્યાનો ઉકેલ આવી જાય તેવી આશા રાખે છે.

અમુક ધાર્મિક, તાંત્રિક, માંત્રિક, વ્યક્તિઓ લોકોનાં દુઃખ, દર્દ, તાત્કાલીક, દૂર કરવાનો દાવો કરતા હોય છે. રાજકીય પક્ષો પણ પોતાનાં લાભ માટે ધર્મનો રાજકીય ઉપયોગ કરતા હોય છે. પ્રજાએ પોતાની ઉપર તથા ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પુરૂષાર્થ કરવો જોઈએ.