ધ્રોલ નજીક ૧૩ વર્ષ પહેલા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા યુવાનને સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર આપવામાં નહી આવતા તેનું મૃત્યુ નિપજયાનાં આક્ષેપ સાથે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના વ્યકિતઓએ હોસ્પિટલમાં ભારે હંગામો મચાવી તોડફોડ કરી હતી, જે અંગેના કેસની કાર્યવાહી કોર્ટમાં ચાલી જતાં અદાલતે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચને કસુરવાર ઠેરવી છ મહીનાની જેલ સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો, જો કે જામીન લાયક સજા હોવાના કારણે ધારાસભ્ય સહિત તમામને થોડી રાહત મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.૧૬-૭-૨૦૦૭ની સાલમાં ધ્રોલ નજીક સર્જાયેલા એક અકસ્માતમાં ઘવાયેલા યુવાનને તાત્કાલીક સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું, જેના પગલે તત્કાલીન કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ અને તેમના ટેકેદારોએ હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો અને દર્દીને યોગ્ય સારવાર આપવામાં નહીં આવી હોવાથી તેમનું મૃત્યુ નિપજયાંના આક્ષેપ સાથે ઉશ્કેરાઇ જઇ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.
ધ્રોલની અદાલતમાં હાલના જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ ઉપરાંત તેમના ટેકેદારો નરેન્દ્રસિંહ જાડેજા (પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ), જીતુ શ્રીમાળી, જયેશ ભટ્ટ અને કરણસિંહ જાડેજાને સરકારી મિલ્કતમાં તોડફોડ કરવાના મામલે દોષીત ઠેરવ્યા હતાં. તેમજ તમામને રૂ.૧૦-૧૦ હજારના દંડ કર્યો હતો, જયારે શબીર ચાવડા, પાંચા વરૂ અને લગધીરસિંહ જાડેજા નામના ત્રણ આરોપીઓ સામેનો કેસ નાસાબીત માની છોડી મુકવા હુકમ કર્યો હતો. જો કે અદાલતના ચુકાદાથી ધારાસભ્ય સહિત પાંચે પાંચને રાહત મળી છે, છ માસની સજા હોવાથી જામીન લાયક સજા હોવાના કારણે આરોપીઓએ રાહતની લાગણી અનુભવી હતી અને તમામ સાંજે કોર્ટની બહાર નિકળ્યા હતાં ત્યારે સમર્થકો ટોળે વળ્યા હતાં.
ધારાસભ્યને છ માસની સજા થઇ હોવાના અહેવાલો સ્થાનિક કક્ષાએ તેમજ રાજય કક્ષાએ ચમકી ઉઠયા હતાં અને જોત જોતામાં ગુજરાતભરમાં ધ્રોલની અદાલતના ચુકાદાની ચર્ચા થવા લાગી હતી. જામનગર જિલ્લામાં કોઇ ધારાસભ્યને કોઇ કેસમાં છ માસની સજા થઇ હોવાનો પણ આ પ્રથમ ચુકાદો આવ્યો છે. સજા પામેલાઓમાં (૧) રાઘવજીભાઇ પટેલ-ધારાસભ્ય (૨) નરેન્દ્રસિંહ જાડેજા (૩) જીતુ શ્રીમાળી-પત્રકાર (૪) જયેશ ભટ્ટ-પત્રકાર (૫) કરણસિંહ જાડેજા પત્રકાર