આજથી લગભગ આઠ દાયકા પહેલા રાણાકંડોરણાના લોકકવિ ભૂધરજી લાલજી જોશીને ગાંઘી કવિતાના વ્યાસ દ્રૈપાયનનું બિરૂદ મળેલું. ભૂધરાના દૂહા આજે પણ ડાયરામાં ગુંજે છે. ગાંધીજીના સમગ્ર જીવનને આ કવિએ લોકબોલીના ૭૮૮ દૂહા અને ૭૧ ગીતોમાં સુંદર રીતે વર્ણવેલું છે. દેવકા વિદ્યાપીઠ (તા.રાજુલા) ખાતે તા.૨૫ જાન્યુઆરીએ ગાંધી દર્શન પુસ્તકની સંવિર્ધિત આવૃત્તિનું ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા દ્વારા વિમોચન થનાર છે. જે કાર્યક્રમનું સમગ્ર લાઇવ ટેલિકાસ્ટ સાંદિપની ટીવી તેમજ સાંઇરામ દવે ઓફિશિયલ ચેનલ પર સાંજે સાત વાગ્યાથી રજૂ થશે. તેમજ સંસ્કાર ચેનલ પરથી રાત્રે દસ વાગ્યાથી આ કાર્યક્રમ નિહાળી શકાશે.
ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઇરામ દવે તથા સાથી કલાકારો વિરાંજલિ કાર્યક્રમ રજૂ કરશે. જેમાં દેશભક્તિના ગીતો તેમજ આઝાદીનો ઇતિહાસની વાતો લોકશૈલીમાં રજૂ કરાશે. કાર્યક્રમ માટે ઇપ્કોવાળા ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદના દેવાંગભાઇ પટેલે સધિયારો આપેલ છે. વિરાંજલિ કાર્યક્રમમાં સાંઇરામ દવે સાથે ગાયક આશિષ દવે, પ્રદિપ પટેલીયા, જયોતિ ઓઝા, ઉન્નતી જાની, મંદા પીરાણી રાષ્ટ્રભક્તિના ગીતો રજૂ કરાશે. કાર્યક્રમમાં પરિમલ ભટ્ટ સંગીત પીરસશે.
સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થતું ગાંધી દર્શની પુસ્તક વિશે પ્રકાશ પાડતા સાંઇરામ દવે જણાવે છે કે કવિ ભૂધરજી જોશીની કવિતાઓ શારદા માસિકમાં આઝાદીકાળમા પ્રસિધ્ધ થતી. ગાંધીજીને પોતાના આરાધ્ય ગણતા આ કવિને ગાંધીજીની હત્યા બાદ ખુબ લાગી આવ્યું. જેથી પોતાની કવિતાઓ પ્રકાશનની મનાઇ ફરમાવી હતી. વર્ષો બાદ ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝાના કહેવાથી કવિની હસ્તપ્રતો સાંઇરામ દવેએ પુસ્તકનું કામ શરૂ કર્યું. આ પહેલા લોકસાહિત્યની કવિતાઓનું ભૂદર ભણંત નામે એક પુસ્તક પ્રકાશીત કરવામાં આવ્યું. ત્યારબાદ ગાંધી દર્શનીની સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ બનાવવામાં આવી. ભૂધરજી બાપાના આઠ દાયકા પહેલાની હસ્તપ્રતો ઉકેલવામાં સાંઇરામ દવે સાથે રામભાઇ બારોટ, તેજસ પટેલ, ડો.અવની વ્યાસ તેમજ પ્રો.વિરલ શુકલએ પણ મદદ કરેલ છે. ગાંધી સાહિત્યમાં મોરપીંછ સમુ ગાંધી દર્શની પુસ્તક વાંચકોને જરૂર ગામશે. કાળની રેતીમાં સમાઇ ગયેલી ભૂધરજી જોશીની કવિતાઓને ફરી સજીવન કરવા બદલ સાંઇરામ દવે ઉપર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.