પરોઢના ત્રણ વાગ્યા સુધી એવોર્ડ વિના બેસાડી રાખ્યા. એવોર્ડ નહિ મળ્યાનો રંજ નથી પરંતુ ભારે અંધાધૂંધી અને અપારદર્શકતા સામે રોષ.
જાણીતા કન્નડા દિગ્દર્શક હેમંત રાવ આઈફા એવોર્ડના સંચાલકો પર ભારે નારાજ થયા છે. મને તમારા એવોર્ડની જરુર નથી. ભવિષ્યમાં મારા નામનો કોઈ એવોર્ડ હોય તો ક્યાંક અંધારા ખૂણે મૂકી આવજો એમ કહી તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો છે.’સપ્ત સાગરદાચે ઈલો’ જેવી વખણાયેલી ફિલ્મના સર્જક હેમંત એમ. રાવે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે આઈફાના સંચાલકો કોઈના માન સન્માનની પરવા કરતા નથી. તેમની સિલેક્શન પ્રોસેસમાં પારદર્શકતાનો અભાવ છે. તેઓ કોઈ એવોર્ડ કેટેગરીમાં નોમિનીઝ પણ જાહેર કરતા નથી અને સીધો એવોર્ડ જાહેર કરી દે છે.
તેમણે કહ્યુ ંહતું કે મને એવોર્ડ મળ્યાનો રંજ નથી. જેમને એવોર્ડ મળ્યો છે તેમના માટે હું ગર્વ અને ખુશી અનુભવું છું. વાત દ્રાશ ખાટી હોવાની નથી પરંતુ આત્મગૌરવની છે. તેમણે કહ્યું હતુ ંકે મને અને મારા મ્યુઝિક ડાયરેક્ટરને અબુધાબી બોલાવી રાતના ત્રણ વાગ્યા સુધી બેસાડી રખાયા હતા અને છેક છેલ્લે અમને ખ્યાલ આવ્યો હતો કે અમને કોઈ એવોર્ડ મળવાનો જ નથી. તેમણે કહ્યું હતું કે તમારે જેમને એવોર્ડ આપવો હોય તેને આપો. એના ખાતર હું મારી રાતોની ઉંઘ હરામ કરવા તૈયાર નથી. હું વિશ્વનું સૌથી શ્રેષ્ઠ કામ કરું છું અને તે માટે મને તમારા એવોર્ડની જરુર નથી. હવે પછી તમને મને એવોર્ડ આપવા જેવું લાગે તો તેને ક્યાંક અંધારા ખૂણે મૂકી આવજો પણ મને ન બોલાવશો એમ તેમણે લખ્યું હતું.