નવી કારની આરતી ઉતારતો ફોટો વાયરલ.

હજુ તાજેતરમાં જ મુંબઈના પાલી હિલ ખાતે ૩૨ કરોડમાં પોતાનો બંગલો વેચી દેનારી કંગના રણૌતે હવે ચાર કરોડ રુપિયામાં વૈભવી રેન્જ રોવર કાર લીધી છે. નવી કારની આરતી ઉતારતો તેનો ફોટો વાયરલ થયો છે. કંગનાની નવી ફિલ્મ ‘ઈમર્જન્સી’ સેન્સર બોર્ડમાં ફસાઈ ત્યારે  તેણે સંતાપ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ ફિલ્મ માટે પોતે પોતાની પ્રોપર્ટી પણ વેચી દેવી પડી છે. કંગનાએ નવી લેન્ડ રોવર રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી એલડબલ્યૂબી  કાર ખરીદી છે. આ ફાઈવ સીટર કારની કિંમત મુંબઈમાં ૩.૮૧ કરોડ રુપિયા અંદાજવામાં આવે છે.હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની સંસદસભ્ય કંગના તાજેતરમાં રાજકીય વિવાદોમાં પણ ફસાઈ છે. તેણે તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે રદ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ પરત લાવવા જોઈએ. હરિયાણા વિધાનસભા ચૂંટણી ટાણે આ નિવેદનથી ભારે હોબાળો થતાં પક્ષના દબાણને પગલે તેણે આ નિવેદન પાછું ખેંચવાની ફરજ પડી હતી.