અમદાવાદમાં વરસાદના વિરામ બાદ મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે.સપ્ટેમ્બર મહીનાના પંદર દિવસમાં શહેરમાં એક વર્ષ સુધીના ૧૬ બાળકો સહિત ડેન્ગ્યૂના ૨૮૨ કેસ નોંધાયા છે.ડેન્ગ્યૂના નોંધાયેલા કેસોમાં ૧૫ વર્ષથી વધુ વયના ૧૩૦ લોકોનો સમાવેશ થાય છે.ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના દર્દીઓથી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોની ઓ.પી.ડી. ઉભરાઈ રહી છે. નાની વયના બાળકો ઉપરાંત વૃધ્ધ વયના લોકોમાં ડેન્ગ્યૂ સંક્રમણ જોવા મળે છે.

શહેરમાં ડેન્ગ્યૂ ઉપરાંત મેલેરિયાના ૪૭, ઝેરી મેલેરિયાના ચાર તથા ચિકનગુનિયાના ૨૨ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી વિવિધ વિસ્તારોમાં ફોગીંગ કરાવવાની કાર્યવાહી કરાવવામા આવી રહી છે.આ ઉપરાંત વિવિધ મોલ, કોમ્પલેકસ, બાંધકામ સાઈટ સહિતના સ્થળોએ મચ્છરના બ્રિડીંગને લઈ કામગીરી કરવામા આવે છે.આમ છતાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહયો છે.મ્યુનિ.ના આરોગ્ય વિભાગ તરફથી રોગચાળાને લઈ જાહેર કરવામા આવતા આંકડાથી પણ ઘણી મોટી સંખ્યામાં શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નોંધાયા હોવાનો વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો છે.મ્યુનિ.હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરની ઓ.પી.ડી.માં સારવાર અને નિદાન માટે પહોંચતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત ઘરે કે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઉમેરવામાં આવે તો આરોગ્ય વિભાગ તરફથી રોગચાળાને લઈ જાહેર કરવામાં આવતા આંકડાની સંખ્યા ખુબ મોટી થાય.રોગચાળા સંદર્ભમાં લોકો સમક્ષ સાચી વિગત જાહેર કરવાના બદલે મ્યુનિ.વહીવટીતંત્ર અને સત્તાધીશો લોકોને નિસહાય બનાવી રહયા છે.પાણીજન્ય રોગના કેસમાં ઝાડા ઉલટીના ૨૬૭, કમળાના ૨૨૬, ટાઈફોઈડના ૩૦૩ ઉપરાંત કોલેરાના બે કેસ શહેરમાં નોંધાયા હતા.સપ્ટેમ્બર મહીનામાં અત્યારસુધીમાં લેવામાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના  પાણીના સેમ્પલ પૈકી ૨૧૩ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.જયારે ૪૯ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા હતા.

શહેરમાં ડેન્ગ્યૂના કઈ ઉંમરના કેટલા દર્દી?

વય    પુરુષ   મહિલા

૦-૧    ૬      ૧૦

૧-૪    ૨૧     ૧૩

૫-૮    ૩૨     ૧૩

૯-૧૪  ૩૩     ૨૪

૧૫ કે

વધુ    ૬૩     ૬૭

કુલ     ૧૫૫   ૧૨૭

ફોગીંગમાં બેદરકારી દાખવનાર બે એજન્સીઓને નોટિસ ફટકારાઈ

અમદાવાદના સાત ઝોનમાં એજન્સીઓ પાસે ફોગીંગની કામગીરી કરાવવામાં આવી રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીએ કહયુ,ઘરની અંદર કોઈ ફોગીંગ કરી આપવાનુ કહે તો એજન્સીના માણસોએ ફોગીંગ કરવુ પડે.આમ છતાં એજન્સીના માણસો દ્વારા ઘરમાં ફોગીંગ કરી આપવામાં આવતુ નહીં હોવાની અનેક ફરિયાદ મળી છે.મ્યુનિ.તરફથી કરવામા આવેલા ટેન્ડરમા પણ ઘરની અંદર ફોંગીંગ કરી આપવાનો ઉલ્લેખ છે.આ બાબતની ગંભીરતાને ધ્યાનમા લઈ એચ.પી.સી. તથા સી.ડબ્લ્યુ.સી.નામની એજન્સીને નોટિસ આપવામા આવી છે. જો એજન્સી તરફથી ઘરની અંદર ફોંગીંગ કરી આપવાનો ઈન્કાર કરવામા આવે તો શહેરીજનોને ૧૫૫૩૦૩ નંબર ઉપર મ્યુનિ.ને ફરિયાદ કરવા તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.