પ્રજા ત્રાહિમામ્ ગુજરાત 46 ડિગ્રીએ અગનભઠ્ઠી બન્યું

 ગુજરાતના છ શહેરોમાં પારો 45 ડિગ્રીને પાર : રાત્રે પણ ગરમ પવનોના કારણે પરિસ્થિતિ કફોડી

રાજ્યના 12થી વધુ શહેરોમાં હીટવેવ : આઠ દિવસથી થઈ રહેલી ‘અગન વર્ષા’ હજુ પાંચ દિવસ ચાલુ રહેશે

અમદાવાદ સહિત ગુજરાત માટે આ ઉનાળો ખરેખર આકરો અને ભયાવહ સાબીત થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે તો અતિ અતિશય ગરમી કહી શકાય તેટલી સીઝનની રેકોર્ડબ્રેક ૪૫.૯ ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે ગુજરાતમાં આજે હિંમતનગર અને  કંડલામાં સૌથી વધુ ૪૬.૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે અને ગુજરાતના ૧૨થી વધુ શહેરોમાં હિટવેવની અસર છે. અમદાવાદમાં તો રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરમ પવનને લીધે લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. 

અમદાવાદમાં આજે સીઝનની હાઈએસ્ટ ૪૫.૯ ડિગ્રી ગરમી નોંધાઈ છે અને અમદાવાદ હિટવેવનું પ્રમાણ સતત વધી રહ્યુ છે.અમદાવાદમાં ૪૬ ડિગ્રી કહી શકાય તેટલી અતિ અતિશય ગરમીથી લોકો માટે રોજિંદી કામગીરી હવે ખૂબ જ મુશ્કેલી બની રહી છે.  બપોરના સમયે લોકો હવે કામ સીવાય ઘરની બહાર નીકળતા જ નથી અને માર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ દેખાઈ રહ્યો છે.  અમદાવાદમાં છેલ્લા દસ વર્ષની ગરમીની વાત કરીએ તો છેલ્લે ૨૦૧૬માં ૨૦મીમેએ હાઈએસ્ટ ૪૮ ડિગ્રી ગરમી નોંધાઈ હતી તેમજ ૨૦૨૨માં ૧૧મીએ ૪૫.૯૮ડિગ્રી ગરમી નોંધાઈ હતી અને જે પછી આજનું સૌથી વધુ મહત્તમ તાપમાન ૪૫.૯ નોંધાયુ છે. હાલ એવી સ્થિતિ છે કે રાત્રે પણ અસહ્ય ગરમી અને ગરમ પવનનો અહેસાસ થઈ રહ્યો છે.રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરમ પવન લાગતા લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે તેમજ સામાન્ય જનજીવનને અસર થઈ રહી છે તથા ખાસ કરીને પશુ-પક્ષીઓ માટે પણ આ અસહ્ય તાપ અને અગનગોળા વરસાવતી ગરમી મૃત્યુ સમાન છે.

અમદાવાદની આ સીઝનની રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ગુજરાતના અન્ય શહેરોમાં હિંમતનગરમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો હોઈ આજે ૪૬.૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ. જ્યારે કંડલામાં પણ ૪૬.૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ગુજરાતના ૬ શહેરોમાં ૪૫થી વધુ તાપમાન નોંધાયુ છે અને  ગુજરાતના ૧૮ શહેરોમાં ૪૦થી વધુ ડિગ્રી ગરમી નોંધાઈ છે.આ ઉપરાંત ૧૩ શહેરોમાં ૪૩થી વધુ મહત્તમ તાપમાન નોંધાયુ છે. ગુજરાતના ૧૨થી વધુ શહેરોમાં હિટવેવની અસર છે.મોટા ભાગના શહેરોમાં તાપમાન વધ્યુ છે.હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી પાંચ દિવસ માટે હિટવેવની આગાહી આપવામા આવી છે.જેમાં રાજ્યના અમદાવાદના, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,સુરત તેમજ વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં તાપમાન વધુ રહેશે.

દિવસ-રાત્રે ગરમી વધતા એસી વપરાશ ખૂબ જ વધ્યો

આ ઉનાળામાં તો દિવસે તો ઠીક પરંતુ રાત્રે પણ હિટવેવ-ગરમ પવનો સાથે ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે સામાન્ય કરતા એસીનો વપરાશ ખૂબ જ વધ્યો છે. સામાન્યપણે જે લોકોના ઘરમી એસી કે કુલર નથી હોતા તેઓ મોટા ભાગે રાત્રે પોતાની અગાસી કે છત અથવા તો ફ્લેટના ધાબા પર સુતા હોય છે પરંતુ હાલ રાત્રે પણ ગરમ પવનોને લીધે લોકો છત કે અગાસી પર સુવાની ટાળી રહ્યા છે અને સવારના ૯ વાગ્યાથી અસહ્ય ગરમી શરૂ થઈ જતા લોકોએ ઘરમી રહેવા માટે આખો દિવસ એસી-પંખા-કુલર ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ છે.

ગુજરાત સહિત રાજ્યોમાં ચોમાસુ વહેલુ બેસવા સંભાવના 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવા સાથે ચોમાસુ કેરલ તરફ આગળ ધસ્યું

નોર્મલ તારીખ કરતા ચાર દિવસ વહેલું આગળ વધ્યું,કેરલ,કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં આજે લો પ્રેસર સર્જાયું હતું જે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને તા.૨૪ની સવાર સુધીમાં ડીપ્રેસન (વાવાઝોડાનું શરુઆતી રૂપ)માં ફેરવાશે અને ત્યારબાદ તા.૨૫ની સાંજે  વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે ત્યારે લો પ્રેસરની સાથે આજે નૈઋત્યનું ચોમાસુ પણ ગતિશીલ બનીને દક્ષિણ અરબી સમુદ્ર, માલદિવ્ઝ પર અને બંગાળની ખાડી તથા આંદામાન-નિકોબાર ટાપુ સમુહમાં આગળ વધ્યું હતું અને હજુ બે દિવસમાં તે આગળ વધે તેવી શક્યતા છે.

સમગ્ર દેશમાં ચોમાસાનો પ્રારંભ કેરલથી થાય છે જે આ વખતે તા.૩૦ મેના દિવસે બેસવાની આગાહી છે પરંતુ, સામાન્ય રીતે કેરલથી જે અંતરે તા.૨૬ મેના ચોમાસુ આવે છે તેના બદલે આ વર્ષે ૨૨ મેના આવી પહોંચ્યું છે. આ ગતિ આગળ વધતી રહે અને અરબી સમુદ્રમાંથી તેને સપોર્ટ મળતો રહે તો ચોમાસુ ગુજરાતમાં પણ વહેલુ આવવાની સંભાવના છે. 

બીજી તરફ સત્તાવાર ચોમાસા પૂર્વે જ કેરલમાં ત્રણ-ચાર ઈંચ,તમિલનાડુમાં છૂટાછવાયા સ્થળે ૩થી ૬ ઈંચ સહિત કર્ણાટક,ઝારખંડમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અને હજુ કેરલ,તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક વગેરે રાજ્યોમાં તીવ્ર પવન, ગાજવીજ સાથે વ્યાપક વરસાદની આગાહી છે. 

ઝોન વાઈઝ શહેરોમાં નોધાયેલું મહત્તમ તાપમાન 

ઉત્તર ગુજરાત 

શહેરતાપમાન
અમદાવાદ૪૫.૯
ડીસા૪૪.૩
ગાંધીનગર૪૫.૭
વી.વી નગર૪૪.૧
હિંમતનગર૪૬.૧

દક્ષિણ ગુજરાત

વડોદરા૪૩.૪
સુરત૪૧.૨
નર્મદા૪૨.૭
ડાંગ૪૧.૩

કચ્છ

ભુજ૪૪.૩
નલીયા૩૭.૭
કંડલા૪૬.૧

સૌરાષ્ટ્ર

અમરેલી૪૪.૯
ભાવનગર૪૧.૨
રાજકોટ૪૪.૨
સુરેન્દ્રનગર૪૫.૮
મહુવા૪૩.૨
કેશોદ૪૨.૦
જામનગર૩૭.૯

રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસ પ્રચંડ હીટવેવની ચેતવણી

ઉ.ભારતમાં કાળઝાળ ગરમી બાડમેર 48 ડિગ્રી સાથે સૌથી ગરમ

રાજસ્થાનમાં ઉચ્ચ સરકારીઅધિકારીઓ અને હોસ્પિટલોના સ્ટાફની રજાઓ રદ 

સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજસ્થાન પણ તેમાંથી બાકાત નથી. ૪૮ ડિગ્રી સાથે બાડમેર રાજસ્થાનનું સૌથી ગરમ સ્થળ રહ્યું છે.પ્રચંડ હીટવેવને પગલે રાજ્ય સરકારે તમામ ડિવિઝનલ કમિશનરો, એડિશનલ ડિવિઝનલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો. એડિશનલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરો અને સબ ડિવિઝનલ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે. બાડમેરમાં સૌથી વધુ ૪૮ ડિગ્રી, ફાલોદીમાં ૪૭.૮, ફતેહપુર(સિકર)માં ૪૭.૬, ચુરુમાં ૪૭.૫, જાલોર અને જૈસલમેર ૪૭.૨, ટોંકમાં ૪૭.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અલવર, ભરતપુર, દૌસા, ધોલપુર, જયપુર, ઝુનઝુનુ, કરોલી, સિકર, બાડમેર, બિકાનેર, ચુરુ, હનુમાનગઢ, જૈસલમેર, જોધપુર, નાગપુર અને ગંગાનગરમાં તીવ્ર હિટવેવની ચેતવણી આપી છે.ડાયરેક્ટર ઓફ ધ પબ્લિક હેલ્થ (મેડિકલ એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ) ડો. રવિ પ્રકાશ માથુરે જણાવ્યું હતું કે ડોક્ટર, નર્સ અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેડિકલ સેવાઓ સંલગ્ન કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રહેશે.