પ્રેમી દ્વારા યુવતીને રહેંસી નાખવા પ્રયાસ લોકોએ બચાવી

દિલ્હીના સાક્ષી હત્યા કેસનું પુણેમાં પુનરાવર્તન થતાં અટક્યું છે. દિલ્હીમાં સાહિલ શેખ નામના યુવતે ૧૬ વર્ષની સાક્ષીને જાહેરમાં રહેંસી નાખી હતી. સાહિલ તેના પર હુમલો કરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો નજીકમાં જ એમને એમ પસાર થઈ ગયા હતા. જોકે, તેથી વિરુધ પુણેમાં એક યુવતી પર કોયતાથી પ્રહારો કરી રહેલા યુવકને નજીકમાથી દોડી આવેલા લોકોએ પડકાર્યો હતો અને પોતાને ઈજા થશે તેવી પરવા વિના તેને આંતરી લઈ પકડી લીધો હતો અને માર મારી પોલીસને સોંપી દીધો હતો. આમ, લોકો વચ્ચે પડતાં આ યુવતી ઈજાઓ સાથે બચી ગઈ હતી. 

પુણેના સદાશિવ પેઠના પેરુગેટ વિસ્તારમાં આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. પીડિતા અને આરોપી શાંતનુ જાધવે (ઉં.વ.૨૨) એક જ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. યુવતીએ તાજેતરમાં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

આજે સવારે યુવતી તેના અન્ય મિત્ર સાથે સ્કૂટર પર જઇ રહી હતી. ત્યારે આરોપીએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાએ વાત કરવાની ના પાડતા તે ગુસ્સે થયો હતો. અને આરોપીએ  કોયતાથી  તેના પર હુમલો કર્યો હતો. વિદ્યાર્થિનીના મિત્રએ દરમિયાનગીરી કરી હુમલાખોરનો સામનો કર્યો હતો. જેના લીધે યુવતી થોડીદૂર સુધી ભાગી ગઇ હતી. પરંતુ આરોપીએ તેનો પીછો કર્યો હતો. તે સમયે ઘટનાસ્થળની આસપાસના લોકોની મદદથી તેને પકડવામાં આવ્યો હતો. એમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-૧) સંદિપસિંહ ગીલે કહ્યું હતું. 

આ બનાવના સીસીટીવી ફૂટેજમાં યુવતી તેના એક મિત્ર સાથે ટુ- વ ્હીલર પર જતા જોવા મળે છે. જ્યારે આરોપી રસ્તા પર ચાલતો અને તેની સાથે વાત કરવા જોવા મળે છે.

આરોપી અચાનક બેગમાંથી ધારદાર શસ્ત્રો કાઢીને યુવતી અને તેને બચાવવાનો પ્રયાસ કરનારા પર હુમલો કરતા સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયો હતો. આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોપી માટે લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઇ હતી. પોલીસે આરોપી સામે કેસ નોંધી તેની ધરપકડ કરી હતી. 

યુવતીના માથા અને હાથમાં ઇજા થઇ હતી તેને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

જો લોકો સમયસર વચ્ચે ન પડયા હોય તો કોઈપણ અજૂગતી ઘટના સર્જાઈ શકે તેમ હતી. 

પુણેમાં મહિલા સલામતીને લગતો આ બીજો બનાવ બન્યો છે. હજુ થોડા સમય પહેલાં જ એમપીએસસી ટોપર દર્શના પવારની તેના એકતરફી પ્રેમમાં પાગલ યુવકે હત્યા કરી હતી.