આઈસીઆઈસીઆઈ બેન્કના માજી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર ચંદા કોચરે અંગત વપરાશ માટે બેન્કના પૈસાની ઉચાપત કરી હોવાનું સીબીઆઈએ વિશેષ કોર્ટમાં જણાવ્યું હતું. સીબીઆઈના આરોપ અનુસાર ચંદા કોચરે લોન મંજૂર કરાવવા ૬૪ કરોડની લાંચ લીધી હતી. મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલો વીડિયોકોન જૂથની માલિકીનો ૫.૩ કરોડનો ફલેટ માત્ર ૧૧ લાખમાં મેળવ્યો હતો.

આ ફલેટ ૧૯૯૬માં ૫.૨ કરોડની માલિકીનો હોવાનું અંદાજાયું હતું. ચંદા કોચર તથા તેમના પતિ દીપકને આ ફલેટ ઓક્ટોબર ૨૦૧૬માં માત્ર ૧૧ લાખ રુપિયામાં ટ્રાન્સફર કરી દેવાયો હતો. 

ચંદા અને તેમના પતિ દીપક કોચર તથા અન્યો સામે વિડિયોકોન ગુ્રપ કંપનીઓને લોન મંજૂર કરવામાં છેતરપિંડી અને ગેરરીતિ આચરવાના કેસમાં દાખલ આરોપનામાની દખલ લેવા વિશેષ કોર્ટને વિનંતી કરતી વખતે દલીલમાં વિશેષ સરકારી વકિલે જણાવ્યું હતું.

ચંદા કોચરે આરબીઆઈની નિયમાવલી અનુસરવાની અને બેન્કની લોનની નીતિને અનુસરવાની જવાબદારી હતી. આમ છતાં અન્ય આરોપીઓ સાથે મળીને વિડિયોકોન ગુ્રપની કંપનીઓની તરફેણમાં ક્રેડિટ ફેસિલિટી મંજૂર કરવા અથવા કરાવવાનું કાવતરું ઘડયું હતું, એમ સીબીઆઈએ જણાવ્યું હતું.

ચંદા કોચરના વડપણવાળી ડિરેક્ટરોની કમિટીએ ઓગસ્ટ ૨૦૦૯માં વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિ.ને રૂ. ૩૦૦ કરોડની ટર્મલોન મંજૂર કરવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું, એમ એજન્સીએ  જણાવ્યું હતું.

દીપક કોચરે પણ અન્ય આરોપીઓ સાથે મળીને વિડિયોકોન ગુ્રપની તરફેણમાં ક્રેડિટ ફેસિલિટી પત્ની મારફત મંજૂર કરાવી હતી અને બદલામાં વેબ ટ્રાન્ઝેક્સન મારફત રોકાણના નામે રૂ. ૬૪ કરોડની  લાંચ લીધી હતી.

કેસ સંબંધે કોચર દંપતીની ગત ડિસેમ્બરમાં ધરપકડ થઈ હતી. બોમ્બે હાઈ કોર્ટે દંપતીને જામીન આપ્યા હતા અને સીબીઆઈએ સહજતાથી અને યાંત્રિક ઢબે વરવિચાર્યે કરેલી ધરપકડ બદલ ઝાટકણી કાઢી હતી.

By admin