બસ સ્ટેશન સામે રોડ પર ટ્રાફિક સમસ્યા વકરતા હાલાકી

 કપડવંજ બસ સ્ટેશન સામે ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વકરતી જાય છે ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

કપડવંજ બસ સ્ટેશન સામેના રોડ પર અવારનવાર અસંખ્ય અકસ્માતો થતા હોય છે, કેટલાક તો જીવલેણ અકસ્માત પણ બનવા છતાં ટ્રાફિક સમસ્યા વણઉકલી રહી છે. ત્યારે બસ સ્ટેશન સામે રસ્તાની નજીક લારીઓવાળાના દબાણને કારણે ટ્રાફિક સમસ્યા વધુ ઘેરી બની છે. કેટલાક લારીઓવાળા દબાણ કર્તાઓ વેપારીઓની દુકાનો આગળ જબરદસ્તી વહેપારીઓને દાદાગીરીઓ તેમજ ધાકધમકી આપીને પોતાની લારીઓનું દબાણ કરી રહ્યા છે જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે ટ્રાફિક સમસ્યા ઉભી થઈ રહી છે. જ્યારે વેપારીઓ દબાણકર્તાઓને લારીઓ ખસેડવાનું કહેતા વેપારીઓને ‘તમારે જે કરવું હોય તે કરી લો, અમારી લારી નહિ હટે અને કાયમ ઉભી રહેશે’ તેવી લારીવાળાઓ ધમકી આપે છે. આમ વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે જે એક ગંભીર બાબત કહી શકાય. માટે તાત્કાલિક ધોરણે આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા સાથે ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા માગ ઉઠી છે.