ચીનને પાછળ રાખી ભારત રોડનેટવર્કમાં વિશ્વમાં બીજા ક્રમે

1.45 લાખ કિ.મી.ના રોડ રચાયા

 અમેરિકા પછી ભારત દુનિયામાં સૌથી મોટું રોડનેટવર્ક પાથરનારો દેશ બની રહ્યો છે. અત્યારે ભારતમાં કુલ ૧.૪૫ લાખ કિ.મી.નું રોડ નેટવર્ક પથરાયેલું છે. ૨૦૧૪ થી ૨૦૨૩ માં સુધીનાં નવ વર્ષમાં ભારતે આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આજે (મંગળવારે) યોજાયેલી એકસપ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે છેલ્લા નવ વર્ષમાં ભારતે કેટલાએ ‘ગ્રીન-ફીલ્ડ-એક્સપ્રેસ-વે રચ્યા છે. અને નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈંડીયા દેશના સૌથી લાંબા એક્સપ્રેસ-વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસને પૂરો કરવાની સીમાએ પહોંચી ગઈ છે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે નવ વર્ષ પહેલાં ભારતનું રોડનેટવર્ક ૯૧,૨૮૭ કિ.મી. જેટલું જ હતું. પરંતું છેલ્લાં કેટલાક વર્ષોથી તો એક્સપ્રેસ-વે રચવામાં ગતિશીલતા આવી ગઈ છે. એપ્રિલ ૨૦૧૯ થી હજી સુધીમાં ૩૦,૦૦૦ કિ.મી.ના હાઈવે પથરાઈ ગયા છે. તેમાં દિલ્હી-મેરઠ, દિલ્હી-લખનૌ અને દિલ્હી ગાઝીપુર હાઈવેઝ સમાવિષ્ટ છે.

ગડકરીએ તેમ પણ કહ્યું હતું કે એન.એચ.એ.આઈ.એ હજી સુધીમાં ૭ વિશ્વ વિક્રમો સ્થાપી દીધા છે. આ વર્ષના મે મહિનામાં એન.એચ.એ.આઈ.એ ૧૦૦ કિ.મી.નો એક્સપ્રેસ-વે માત્ર ૧૦૦ કલાકમાં જ તૈયાર કર્યો છે. આ સિદ્ધિ ઉ.પ્ર.નાં ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસની રચના સમયે સિદ્ધ કરાઈ છે. આ સંસ્થાએ અમરાવતી અને અકોલા વચ્ચેનો ૭૫ કિ.મી.નો એન.એચ.૫૩ ૧૦૫ કલાક ૩૩ મિનિટમાં પાથરી ગીનીસ રેકર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે

આ રોડ માટેની રેવન્યુના વધારાનો ઉલ્લેખ કરતા ગડકરીએ જણાવ્યું હતું કે નવ વર્ષ પહેલા તેનું કલેકશન ૪,૭૭૦ કરોડ જ હતું જે વધીને અત્યારે ૪૧,૩૪૨ કરોડ પહોંચ્યું છે. સરકાર હવે રેવન્યુ વધારી ૧.૩૦ લાખ કરોડ પહોંચાડવા માગે છે. એક બૂથ પરનો સમય ૪૭ સેકન્ડ છે તે ઘટાડી ૩૦ સેકન્ડ કરવામાં આવશે.