નોરા ફતેહી માથે લાગ્યું બીજી કેટરીના કૈફનું લેબલ

નોરા ફતેહીએ ફિલ્મોદ્યોગમાં પોતાનું આગવું સ્થાન નિશ્ચિત કર્યું છે. જોકે ફિલ્મી પરિવારમાંથી ન આવતા હોય એવા એવા અન્ય કલાકારોની જેમ નોરાને પણ પ્રારંભિક તબક્કે ઘણો સંઘર્ષ કરવો પડયો હતો. અલબત્ત, નોરાનો સંઘર્ષ થોડા અલગ પ્રકારનો હતો.

નોરા કહે છે, ‘મનોરંજન જગતમાં મારી કારકિર્દીનિા પ્રારંભિક વર્ષોમાં મેં સૌથી વધુ મહેનત મારા હિન્દી ઉચ્ચારણો તેમ જ બોડી લેંગ્વેજ પર કરી હતી. મને અત્યાર સુધી જેટલી તક મળી છે તેમાંથી લગભગ બધી છેલ્લી ઘડીએ મળી છે. પરંતુ હું હંમેશાં કોઈપણ કામ માટે તૈયાર રહેતી. જે વખતે અન્ય અભિનેત્રીઓ પાર્ટીઓમાં જઈને મઝા કરતી અને બોયફ્રેન્ડ્સ બનાવતી તે વખતે હું ઘરમાં બેસીને સતત મારા ઉચ્ચારો સુધારતી.

હું મારા કેનેડિયન લઢણને દૂર કરવા લાગલગાટ પ્રયાસરત રહેતી. શુદ્ધ હિન્દી બોલવા હું દરરોજ કલાકો સુધી ટીવી જોતી રહેતી. આ પ્રેક્ટિસ પાછળ હું ન તો મારા ભાઈના લગ્નમાં ગઈ કે ન તેના જન્મદિનની ઉજવણીમાં. મારી આ પ્રકારની મહેનત અને લગન જોઈને ઘણા લોકો મને પૂછતાં કે શું હું બીજી કેટરીના કૈફ બનવા માગું છું કે શું?’

નોરા બોલિવુડમાં આવી ત્યારે કેટરીના ટોપ સ્ટાર બની ચૂકી હતી. નોરા કહે છે, ‘અમે બંને વિદેશી છીએ, પણ મને એવો ડર પણ નહોતો સતાવતો કે ભારતના દર્શકો મને સ્વીકારશે કે કેમ. હા, હું વ્હાઇટ છોકરી નથી. હું મોરોક્કોની છું મોરોક્કોની ઘણી છોકરીઓ ભારતીય જેવી દેખાય છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે નોરા ‘સત્યમેવ જયતે ‘ (૨૦૧૮)ના ‘દિલબર…’, ‘બાટલા હાઉસ’, (૨૦૧૯) ‘આ સાકી સાકી….’, ‘સ્ટ્રીટ ડાન્સર’ (૨૦૨૦)ના ‘ગરમી’ જેવા ડાન્સ સોંગ્સ માટે અત્યંત જાણીતી છે.

નોરાએ દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં પણ ઘણી ફિલ્મો કરી છે. વિવાદાસ્પદ રીઆલિટી શો ‘બિગ બોસ’ની નવમી સીઝનમાં તેની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ ત્યાર પછી તે ઘર ઘરમાં જાણીતી બની. ૨૦૧૬મનાં ડાન્સ રીઆલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ ભાગ લીધો હતો. ટચૂકડો પડદો ફળ્યો પણ ખરો. ‘ઝલક…’ સહિત કેટલાક ડાન્સ રીઆલિટી શોઝમાં તે જજ પણ બની.
આ વર્ષે નોરા બે ફિલ્મોમાં દેખાશે – ‘મડગાંવ એક્સપપ્રેસ’ અને ‘હંડ્રેડ પર્સન્ટ’.